રેલ યાત્રામાં મુશ્કેલી ? ‘મદદ’ તૈયાર છે

રેલ યાત્રામાં મુશ્કેલી ? ‘મદદ’ તૈયાર છે
‘મદદ’ એપ્લિકેશન લોન્ચ કરી લોકોના પ્રશ્નો નિવારવા ભારતીય રેલવેની તૈયારી

 નવી દિલ્હી, તા. 15: ભારતીય રેલવે યાત્રિકોની સુવિધા માટે સતત ફેરફારો કરી રહી છે. હવે રેલવેએ એક નવી સુવિધા શરૂ કરી છે. આ સુવિધાનું નામ ‘મદદ’ રાખવામાં આવ્યું છે. રેલવે મુસાફરી દરમિયાન લોકોને પડતી મુશ્કેલીની ફરિયાદો સાંભળવા માટે મદદ નામની એપ્લિકેશન લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે. મુસાફરો રેલવે સંબંધિત કોઈપણ ફરિયાદ મદદ એપ્લિકેશન માફરતે કરી શકશે.
રેલવેમાં મુસાફરી દરમિયાન સ્વચ્છતા અને ભોજન મામલે મુસાફરો દ્વારા સતત ફરિયાદો કરવામાં આવી રહી હતી. જેથી ફરિયાદ માટે પણ મુસાફરોને હેરાન ન થવું પડે તે માટે મદદ (મોબાઈલ એપ્લિકેશન ફોર ડિઝાયર્ડ આસિસ્ટન્ટ ડયુરિંગ ટ્રાવેલ) એપ્લિકેશન ચાલુ મહિનાના અંતમાં લોન્ચ કરવામાં આવશે. આ ઉપરાંત મદદ ઉપર મળેલી ફરિયાદ અંગે તાકીદે કાર્યવાહી પણ કરવામાં આવશે. તેમાં પણ ખાસ વાત એ છે કે, મુસાફરો ફરિયાદ કરીને કાર્યવાહીની જાણકારી પણ મેળવી શકશે. મદદ એપ તમામ મુસાફરોની ફરિયાદ સાંભળવાનું એક માધ્યમ બની જશે. અત્યારસુધી રેલવેમાં ફેસબુક, ટિવટર, મેઈલ અને રજિસ્ટર્ડ મોબાઈલ ઉપરથી કોલ કરીને ફરિયાદ સહિતના 14 માધ્યમો હતાં. જો કે આ તમામ માધ્યમોમાં ફરિયાદ સાંભળવામાં અને તેના નિરાકરણમાં વધુ સમય ખર્ચાઇ રહ્યો હતો. રેલવેના કહેવા પ્રમાણે દરેક ફરિયાદના નિવારણનો એક સમય હોય છે. સામાન્ય રીતે ઘણી વખત અધિકારીઓ ઓનલાઈન સક્રિય ન હોવાથી ફરિયાદ ચૂકાઇ જાય છે પરંતુ એપ્લિકેશનની મદદથી હવે ફરિયાદ નિવારણ સરળ બનશે. મદદમાં નોંધણી કરાવવામાં વ્યક્તિએ પીએનઆર ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ ફરિયાદ દાખલ થઈ જશે. આ ઉપરાંત નોંધણી સમયે એસએમએસ દ્વારા ફરિયાદ માટેનું આઈડી આપવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer