કચ્છમાં ‘કાળો રવિવાર’: ગોઝારા અકસ્માતમાં 10નાં મૃત્યુ

કચ્છમાં ‘કાળો રવિવાર’: ગોઝારા અકસ્માતમાં 10નાં મૃત્યુ
મામેરૂં લઇને નીકળેલા પરિવારના ટ્રેકટર માટે જાનની લકઝરી બસ કાળ બની

ગાંધીધામ/ભચાઉ, તા. 15: કચ્છના પાટીદાર પરિવાર માટે આજનો દિવસ ‘કાળો રવિવાર’ બની ગયો હતો. ભચાઉ શહેરની ભાગોળે સવારે મામેરૂં લઇને નીકળેલા શિકરા ગામના એક જ પરિવારના ટ્રેકટરને નડેલા ગમખ્વાર અકસ્માતમાં 7 મહિલા અને 3 પુરુષોના કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા. મામેરૂં લઇને જતા આ પાટીદાર પરિવારના ટ્રેકટર સાથે યુરો સિરામીક કંપની સામે જાન લઇ જતી લકઝરી બસ ધડાકાભેર અથડાઇ પડી હતી. 10ના મૃત્યુ અને 8 જેટલાં ગંભીર રીતે ઘવાયા છે.
ભચાઉ તાલુકાના શિકરા ગામે રહેતા નાનજી સવજી અનાવાડિયા (પટેલ) પરિવાર આજે સવારે વીજપાસર ગામે લગ્ન પ્રસંગે મામેરૂ લઇને જતો હતો ત્યારે ભચાઉથી ચારેક કિ.મી. દૂર ભચાઉ-ભુજ માર્ગ પર જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ખાનગી લકઝરી બસમાં ગાંધીધામના સતવારા સમાજના ભોગીલાલ વસ્તાના પુત્ર વિરલની ‘ચોખાની જાન’ (ચુંદડી) કુંભારડીના ગોવિંદ હરજી સતવારાની પુત્રી પાયલ સાથે હોવાથી જઇ રહ્યા હતાં. ત્યારે સામેથી આવતા ટ્રેકટર ટ્રોલી સાથે ધડાકાભેર અથડાતા ટ્રેકટર ટ્રોલી ડિવાઇડર ઉપર ફંગોળાઇ હતી. લકઝરી બસ આગળ નીકળી ગઇ હતી. તેમાં બસનો દરવાજો ખુલી જતાં એક વ્યક્તિ નીચે ફંગોળાયો હતો. આ અકસ્માતથી મૃતકો અને ઇજાગ્રસ્તોની ચિચિયારીથી શિકરા રોડ ગાજી ઉઠયો હતો. મંગલ પ્રસંગે અમંગલ ઘટના સર્જાઇ હતી, તેમાં એક જ પરિવારના નવ વ્યક્તિના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજયા હતાં. જયારે 75 વર્ષના વૃદ્ધનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું.
એક જ પરિવારના 10-10 વ્યક્તિના મૃત્યુ થતા કચ્છ ભરમાં હાહાકાર મચી ગયો હતો. મંગલ ઉત્સવમાં માતમ - શોક છવાયો હતો.
ભચાઉના પીઆઇ એમ. આર. ગોઢાણિયા અને તેમની ટીમે મૃતદેહોના પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. ગોઝારા અકસ્માતની જાણ થતા લોકો સ્થળ પર દોડી ગયા હતાં અને બચાવ રાહતની કામગીરીમાં મદદરૂપ થયા હતાં. વાગડ વેલ્ફેર હોસ્પિટલના તબીબો પણ ખડાપગે રહ્યાં હતાં.
સામાજિક, શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ મંત્રી વાસણભાઇ આહિરે અકસ્માતનો ભોગ બનેલાઓને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. પરિવારજનોને સાંત્વના આપી હતી.
સ્થાનિક આગેવાનો- અધિકારીઓ પણ ઘટનાસ્થળે જઇ રાહત- બચાવની કામગીરીમાં જોડાયા હતા.
તમામ હતભાગી 10 એ 10ની સોમવારે સવારે 8 વાગ્યા પછી શિકરા ખાતે અંતિમવિધિ કરાશે. તેમના સગાવહાલા મુંબઇથી આવવાના હોઇ આજે વાગડ વેલ્ફેર હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રખાયા છે. જયારે વીજપાસરની મૃત્યુ પામનારી મહિલા જીજ્ઞા ભુટકની લાશને વીજપાસર સાંજે લઇ જવાઇ હતી.
બનાવને પગલે ભચાઉની સરકારી હોસ્પિટલમાં અને વાગડ વેલ્ફર હોસ્પિટલમાં લોકોની ભીડ જામી હતી.
 
મૃત્યુ પામેલામાં 4 દેરાણી-જેઠાણી હતી
જયારે હંસાબેન અરવિંદ પટેલ ઉ. 25, શાંતાબેન આણદા પટેલ ઉ. 40, નીતાબેન સતીષ ચામરિયા ઉ. 30, હેતલબેન પેથાભાઇ પટેલ ઉ. 15, રમેશ ધનજી સથવારા ઉ. 42, રમીલાબેન રતનશી પટેલ ઉ. 36, વિવાન સતીષ ચમારિયા ઉ. 12, આયર્ન અરવિંદ પટેલ ઉ. 10, ક્રિસ રમેશ પટેલ ઉ. 5 અને ખીમાભાઇ નાનજી અનાવાડિયા ઉ. 55ને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં ખસેડાયા છે.
 
કચ્છના રક્તરંજિત ગોઝારા અકસ્માતોની તવારીખ
કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતોનો આંક દિનબદિન વધી રહ્યો છે. તેમાં મહામૂલી જિંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઇ રહી છે. આજે શિકરા પાસે થયેલા મોટા અકસ્માતનાં પગલે જિલ્લામાં ગોઝારા અકસ્માતોની યાદ તાજી થઇ?હતી. શિકરાની દુર્ઘટનામાં 10 લોકોનાં જીવનદીપ બુઝાયા છે.
કચ્છના માર્ગો લોહીભીના થયાની ગોઝારી તવારીખ પર દૃષ્ટિપાત કરીએ તો 2018ના વર્ષનો સૌપ્રથમ બનાવમાં મકરસંક્રાંતિના લોરિયા પાસેના અકસ્માતમાં કારથી કચ્છ ફરવા આવેલા સૌરાષ્ટ્રના નવ નવલોહિયા કાળનો કોળિયો બની ગયા હતા, જ્યારે 2016ની સાલમાં 26 નવે.ના માતાના મઢના ખંભાત અને મોરબી પંથકના આઠ યાત્રાળુઓને કાળ ભેટી ગયો હતો. આ   અકસ્માતમાં માળિયા-મિયાંણા પાસે સૂરજબારી પુલ નજીકનો હાઇવે વહેલી સવારે રક્તરંજિત બન્યો હતો.
જ્યારે 2016ની 16મી ઓગસ્ટના રહોડી પાસે કાર પલટી જતાં ચાર મોત થયાં હતાં. આ ગોઝારા બનાવમાં રાધનપુરથી કોઇ કામ અર્થે કારમાં આવેલા ચાર યુવાનોના જીવનદીપ બુઝાયા હતા, ઉપરાંત 2016માં જ 29/4ના બાદરગઢ પાસેના જલારામ મંદિર નજીક તૂફાન જીપ અને ડમ્પર સામસામે અથડાતાં તૂફાનમાં સવાર ચાર લોકો મૃત્યુ પામ્યા હતા. આ જ વર્ષમાં 18મી એપ્રિલે રવાપર નજીક કાર ઊથલતાં ત્રણ માસૂમ સહિત ચારનાં મોત થયાં હતાં.
આ ઉપરાંત 2015ના વર્ષમાં 23/11ના પાલારા નજીક ઉતારુ જીપ સાથે સામેથી આવતી પ્રવાસની ખાનગી લક્ઝરી બસ અથડાતાં જીપમાં બેઠેલી ત્રણ મહિલા સહિત ચાર જણ મોતના મુખમાં ધકેલાયા હતા, જ્યારે 2015ની 8મી ડિસે.ના સામખિયાળી પાસે કાર કન્ટેનરમાં ઘૂસી જતાં અંજારનો વકીલ પરિવાર પિંખાયો હતો, જેમાં પાંચ લોકોના જીવ ગયા હતા.
 
ખરાબ રસ્તા થકી રોંગ સાઇડમાં  ટ્રેક્ટરની યાત્રા બની મોતની સફર
છેલ્લાં સાતથી આઠ વર્ષથી ભુજ-ભચાઉ વાયા દુધઇ માર્ગનું કામ ચાલી રહ્યું છે. ધોરીમાર્ગના આ અધૂરા કામે પણ શિકરાના પટેલ પરિવારના સભ્યોને નડેલા ગમખ્વાર અને કાળમુખા અકસ્માત માટે નિમિત્ત બનવાનો ભાગ ભજવ્યો હતો. ખરાબ રસ્તાના કારણે ટ્રોલી સાથેનું ટ્રેક્ટર રોંગ સાઇડમાંથી હંકારાઇ રહ્યંy હતું ત્યારે સામેથી આવી રહેલી ખાનગી લક્ઝરી બસની ટક્કર યમદૂત બનીને તેને વાગતાં ક્યારેય ન ભૂલી શકાય તેવો આ ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. બનાવના પગલે ઉપસ્થિત લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આ સ્થળે લાંબા સમયથી રસ્તાનું કામ ચાલી રહ્યું છે. માર્ગના ખરાબ ભાગ થકી ટ્રેક્ટર ટ્રોલીના ચાલકને રોંગ સાઇડમાંથી સફર કરવી પડી હતી, જે અંતે મોતની યાત્રા બની રહી હતી. આ અધૂરા કામને હવે સત્વરે પૂર્ણ કરીને આવી વધુ ઘટનાઓ બનતી અટકાવાય તેવી લાગણી પણ વ્યક્ત કરાઇ હતી.
અખાત્રીજના સમૂહ લગ્ન સારાઈથી
આ ગમખ્વાર બનાવ બાદ શિકરા ખાતે અખાત્રીજના 11 સમૂહલગ્નો હતા તે હવે સાદાઇથી યોજવા નિર્ણય કરાયો હતો, તો આધોઇ, ભચાઉ, વોંધ, આંબરડી, રાપરમાં પણ સમૂહલગ્નો પ્રસંગે અસર વર્તાશે. આ અકસ્માત અંગે ભચાઉ, મુંબઇ, નાગપુર, બેંગ્લોર, મધ્ય ગુજરાત સુધી વસતા પાટીદારોને જાણ થતાં ત્યાં પણ શોક ફેલાયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer