અંતરિયાળ જિલ્લામાં ખાનગી હોસ્પિટલના નિર્માણ માટે 25 ટકા સબસીડી અપાશે

અંતરિયાળ જિલ્લામાં ખાનગી હોસ્પિટલના નિર્માણ માટે 25 ટકા સબસીડી અપાશે
રાજકોટમાં મુખ્યમંત્રી રૂપાણીની જાહેરાત

રાજકોટ, તા.15: રાજ્યના અંતરિયાળ જિલ્લાઓમાં સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલના નિર્માણ માટે ખાનગી હોસ્પિટલ બનાવનારને 25 ટકા સબસીડી આપવાની જાહેરાત રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કરી હતી.
રાજકોટમાં આજે મુખ્યમંત્રીએ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી બ્રહ્મતેજ સંસ્થા દ્વારા રાજેન્દ્ર ત્રિવેદીને પરશુરામ એવોર્ડ અર્પણ કર્યો હતો. કેન્સર નિદાન કેમ્પની મુલાકાત લીધી હતી.
રાજકોટ સ્થિત ઇમ્પીરીયલ હોટલ ખાતે કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલનાં  સંયુકત ઉપક્રમે યોજાયેલા સ્વાસ્થ્ય અને કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવાનો હેતુપૂર્ણ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આરોગ્ય પ્રત્યે જાગૃતિ આવે તે માટે મિડીયા અને એન.જી.ઓ. ખાનગી હોસ્પિટલની ઝુંબેશ સમાજમાં નવી પ્રેરણા આપે છે.
આ ઝુંબેશ લોકોના સ્વસ્થ જીવનનું ચાલક બળ બનશે, મુખ્યમંત્રીએ આ તકે જાહેરાત કરતાં જણાવ્યું કે રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત સિવાયના શહેરોમાં જે ખાનગી કે ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓ સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલો નિર્માણ કરશે તો તેમને મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર-ઇકવીપમેન્ટ ખર્ચની 25 ટકા સબસીડી રાજ્ય સરકાર આપશે. વિનામૂલ્યે દર્દીઓની સારવાર કરતી સંસ્થાઓ/ હોસ્પિટલનું રિકરીંગ ખર્ચ સરકાર ભોગવશે જેથી સિવિલ હોસ્પિટલો પરનું કામનું ભારણ ઘટશે.
ગુજરાત સરકારની મેડીકલ ક્ષેત્રે શરૂ કરેલ વિવિધ પહેલનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તબીબોની વય મર્યાદા 65 વર્ષ કરવામાં આવી છે અને 1995માં ગુજરાતમાં મેડીકલ સીટ 830 હતી જે અત્યારે 4000 કરવામાં આવી છે તે દર્શાવે છે કે રાજ્યમાં ડોકટરોની ઘટ પૂર્ણ કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે.
કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલના ચેરપર્સન શ્રીમતી ટીનાબેન અંબાણીએ આજના પ્રસંગે જણાવ્યું કે ગુજરાત સાથે અમારે પારિવારિક સંબંધ હોઇ ગુજરાત સાથે હંમેશા એક વિશેષ લગાવ રહ્યો છે.
આ હોસ્પિટલ શરૂ કરવા પાછળનો ઉદ્દેશ રજુ કરતા શ્રીમતી અંબાણીએ જણાવ્યું હતું કે, ભારતીયોને વૈશ્વિક સ્તરની અધ્યતન સારવાર નજીવા દરે મળી રહે તે અર્થે 2009માં મુંબઇ ખાતે સ્વ. ધીરૂભાઇ અંબાણીની યાદમાં અને કોકીલાબહેનને સમર્પિત આ હોસ્પિટલ શરૂ કરાઇ હતી.
સુરત બાદ રાજકોટ ખાતે મેડિકલ સેન્ટર શરૂ કરાતા અહીના લોકોને અદ્યતન સારવારનો લાભ મળશે. આ ઉપરાંત આવનારા સમયમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં 18 જેટલા કેન્સર કેર સેન્ટર શરૂ કરવા જઇ રહ્યા હોવાનું ટીના અંબાણીએ જણાવ્યું હતું.
રાજકોટ ખાતે પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ તથા રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન અને અમદાવાદ સ્થિત એચસીજી કેન્સર હોસ્પિટલનાં સંયુકત ઉપક્રમે કેન્સર જાગૃતિ કાર્યક્રમ તથા નિદાન કેમ્પને ખૂલ્લો મુકતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, લોક સહયોગ અને રાજ્ય સરકારનાં સંયુકત પ્રયાસોથી ગુજરાત કેન્સરને કેન્સલ કરવા પ્રતિબધ્ધ છે. આ તકે મુખ્યમંત્રીએ યુવાનોમાં જોવા મળતા તમાકુનાં વ્યસનને સામાજિક  જાગૃતિ થકી તિલાંજલી આપવા આહ્વાન કર્યું હતું.
રાજ્ય સરકાર સમાજનાં નબળા વર્ગનાં લોકો અને તેમાં પણ છેવાડાનાં વંચિતોને પણ આરોગ્ય સુખાકારી પ્રાપ્ત થાય તે માટે સરકાર કટીબધ્ધ છે અને તે માટે જ રાજ્યમાં આરોગ્ય સેવાનો વ્યાપ વિસ્તારવામાં આવી રહ્યો છે.
સરકારે ચાલુ વર્ષનાં બજેટમાં સીનીયર સીટીઝનો માટે મા અમૃતમ યોજનાનાં લાભ માટે આવક મર્યાદા રૂ.6 લાખ કરી રૂ.3 લાખની સારવાર આપવા જોગવાઇ કરી છે તેમ રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમારોહમાં જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer