શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ ‘બે યાર’ અને ‘પ્રેમજી રાઈઝ ઓફ -અ -વોરિયર’

રાજ્ય સરકારે વર્ષ 2014-15 અને 2015-16ના પારિતોષિક જાહેર કર્યા
શ્રેષ્ઠ અભિનેતા પ્રતિક ગાંધી, શ્રેષ્ઠ અભિનેત્રી પ્રિનલ ઓબેરોય
રાજ્ય સરકારે ગુજરાતી ચલચિત્રોના વિકાસ - પ્રોત્સાહન માટે નવી ચલચિત્ર નીતિ ઘડી છે. તદ્નુસાર, રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ગુજરાતી ચલચિત્રોના વિવિધ ક્ષેત્રોમાં કુલ 32 કેટેગરીને લક્ષમાં લઇને પારિતોષિકો જાહેર કરી, એનાયત કરવામાં આવે છે.
રાજ્યના માહિતી ખાતા દ્વારા વર્ષ 2013-14, વર્ષ 2014-15 અને વર્ષ 2015-16 એમ ત્રણ વર્ષમાં નિર્માણ પામેલા ચલચિત્રો માટે પારિતોષિકો એનાયત કરવા સંદર્ભે જે ચલચિત્રોની એન્ટ્રી આવી હતી તેને ધ્યાને રાખી, જે તે વર્ષના પારિતોષિકોની જાહેરાત કરી છે.
આ પારિતોષિકોમાં વર્ષ 2013-14 દરમિયાન 6 કેટેગરીમાં પારિતોષિક જાહેર કરાયા છે. જેમાં મુખ્યત્વે ગોવિંદ ઠાકોર રીક્ષાવાળો ફિલ્મમાં પોતાનો કંઠ આપનારા કીર્તિદાન ગઢવીને શ્રેષ્ઠ પાર્શ્વ ગાયક અને મા-બાપના આશીર્વાદ ફિલ્મ માટે વાસુ પાઠકને શ્રેષ્ઠ બાળકલાકાર તરીકે પસંદ કરાયા છે.
આ જ રીતે વર્ષ 2014-15માં નિર્માણ પામેલી બે યાર ફિલ્મ શ્રેષ્ઠ ચલચિત્ર ઉપરાંત શ્રેષ્ઠ દિગ્દર્શન - અભિષેક જૈન, શ્રેષ્ઠ અભિનેતા પ્રતિક ગાંધી, શ્રેષ્ઠ સહાયક અભિનેતા, શ્રેષ્ઠ સંગીત સહિતની 14 કેટેગરીમાં ચૌદ પારિતોષિક મેળવી મેદાન માર્યું હતું.' જ્યારે વર્ષ 2015-16માં નિર્માણ પામેલી પ્રેમજી રાઇઝ ઓફ અ વોરિયર ફિલ્મ શ્રેષ્ઠ ચલચિત્ર, શ્રેષ્ઠ દિગ્દર્શન-વિજયગીરી બાવા, શ્રેષ્ઠ અભિનેતા - મેહુલ સોલંકી સહિતની વિવિધ 10 કેટેગરીમાં પારિતોષિક વિજેતા બનીને અગ્રેસર રહી હતી. જ્યારે આજ વર્ષે નિર્માણ પામેલી ‘હુ તુ તુ જામી રમતની ઋતુ’ ફિલ્મે દ્વિતીય શ્રેષ્ઠ ચલચિત્ર તરીકે વિવિધ 8 કેટેગરીમાં એવોર્ડ મેળવ્યા હતા. આ ફિલ્મની અભિનેત્રી શીતલ શાહે વર્ષ 2015-16ના શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો અને શ્રેષ્ઠ નિદર્શન દ્વિતીય ક્રમનો એવોર્ડ પણ મેળવ્યો હતો.
આ ઉપરાંત આજ ફિલ્મનું શીર્ષક ગીત ગાનારા પાર્થિવ ગોહીલને શ્રેષ્ઠ પાર્શ્વગાયક અને આજ વર્ષે નિર્માણ પામેલી બસ એક ચાન્સ ફિલ્મમાં લાગી રે... લગન કર્ણપ્રિય ગીતમાં કંઠ આપનાર ઐશ્વર્યા મજમુદારને શ્રેષ્ઠ પાર્શ્વ ગાયિકા તરીકે પારિતોષિક એનાયત કરાયો હતો.' રાજ્યના માહિતી ખાતા દ્વારા જાહેર કરાયેલા આ પારિતોષિકોમાં વર્ષ 2013-14માં 6 પારિતોષિક, વર્ષ 2014-15માં 22 પારિતોષિક અને વર્ષ 2015-16માં 25 પારિતોષિક મળી કુલ 53 પારિતોષિક એનાયત કરાયા છે. આ પારિતોષિકો માટે જુદી જુદી કેટેગરીમાં 16 જેટલા ગુજરાતી ચલચિત્રોની પસંદગી કરાઈ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer