જંગલેશ્વરમાં પોલીસને ફરી માર પડયો

જંગલેશ્વરમાં પોલીસને ફરી માર પડયો

નશો કરનાર શખસને પકડવા ગયેલ પોલીસમેનને માર મારીને ઝપાઝપી કરાઇ: નવની ધરપકડ
રાજકોટ, તા. 22:  જંગલેશ્વર વિસ્તારમાં પોલીસને માર પડયાની વધુ એક ઘટના બની હતી. નશો કરીને ધમાલ કરી રહેલા શખસને પકડવા ગયેલા પોલીસમેન દીપક લક્ષ્મણભાઇ જાદવને માર મારીને ઝપાઝપી કરવામાં આવી હતી. પોલીસમેન પર હુમલો કરીને ફરજમાં રૂકાવટ કરવા અંગે નવ શખસની ધરપકડ કરવામાં આવી છે.
આ કિસ્સાની વિગત એવા પ્રકારની છે કે, ગઇરાતના જંગલેશ્વરના રાધાકૃષ્ણનગરમાં રહેતાં મયુરસિંહ અજીતસિંહ જાડેજા નામના યુવાને પોલીસને ફોન કરીને એવું જણાવ્યું હતું કે, તેના કાકા દશરથસિંહ દારૂ પી તોફાન કરે છે. આ ફોનના આધારે પોલીસમેન દીપક જાદવ પીસીઆર વાહન લઇને રાધાકૃષ્ણનગર પહોંચ્યો હતો. ત્યાં ફોન કરનાર મયુરસિંહને બોલાવતા તે આવ્યા હતાં અને તેણે તેનું ઘર બતાવ્યું હતું અને કાકા દશરથસિંહ દારૂ પીધેલા હોવાનું જણાવ્યું હતું. આ અંગે તપાસ કરતાં દશરથસિંહ નશો કરેલા હોવાનું જણાયું હતું. પોલીસને જોતા જ દશરથસિંહ જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતાં. તેમને પકડીને પોલીસના વાહનમાં બેસાડવાનો પ્રયાસ કરતા તેમણે જમીન પર માથા પછાડયા હતાં અને વધુ ગાળો દઇને કાંઠલો પકડીને માર મારવાનું શરૂ કર્યુ હતું. તેને અટકાવીને ઉંચા અવાજે ઠપકો આપતા ફોન કરનાર મયુરસિંહ જાડેજાને ગમ્યુ ન હતું. તેણે તેના ભાઇ, પિતા, માતા, શેરીના લોકોને બોલાવીને પોલીસને ધેરી લઇને ઝપાઝપી કરી હતી અને વધુ માથાકૂટ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આથી પોલીસમેન દીપક જાદવે ભકિતનગર પોલીસ મથકે જાણ કરતા પીએસઆઇ પી.એમ.ધાખડા સહિતનો પોલીસ કાફલો પહોંચી ગયો હતો. પોલીસે મયુરસિંહ જાડેજા, તેના પિતા અજીતસિંહ નવલસિંહ જાડેજા, ભાઇ કુલદીપસિંહ માતા કુસુમબા, પાડોશી રસીક હકાભાઇ ગોવાણી, શૈલેષ ખીમજીભાઇ આડેસરા, પવન માવજીભાઇ પરમાર, રવિ અનુભાઇ બાબરિયા સહિત નવની અટકાયત કરવામાં આવી હતી. આ તમામ સામે સરકારી કર્મચારી પર હુમલો અને ફરજમાં રૂકાવટ કરવા સહિતના આરોપસરનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, છ માસ પહેલા જંગલેશ્વરમાં નદી કાંઠે ચાલતી ઘોડીપાસાની કલબ પર દરોડા પાડવા ગયેલ પોલીસ કાફલા પર હુમલો થયો હતો એટલું જ નહી પણ વાસણોથી પોલીસને માર મારવામાં આવ્યો હતો. જો કે, પોલીસે નામચીન શખસોને ઝડપી લઇને આગવી ઢબે પુછપરછ પણ કરી હતી. આ રીતે જંગલેશ્વરમાં વધુ એક વખત પોલીસને માર પડયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer