વાલ્વ કૌભાંડમાં ઇજનેરોને બચાવી લેવાનો કારસો

વાલ્વ કૌભાંડમાં ઇજનેરોને બચાવી લેવાનો કારસો

કૌભાંડમાં પકડાયેલા પેટા કોન્ટ્રાકટર પિતા-પુત્ર એક દી’ના રિમાન્ડ પર
રાજકોટ, તા. 22: રાજકોટ મહાપાલિકાના વાલ્વ કૌભાંડમાં કમાઉ દીકરા એવા ઇજનેરોને બચાવી લેવાનો કારસો થઇ રહ્યાનું પ્રકાશમાં આવ્યું છે. તો બીજી તરફ કૌભાંડમાં પકડાયેલા પેટા કોન્ટ્રાકટર એવા વિનુભાઇ મેરિયા અને તેના પુત્ર નરેશને એક દિવસના રિમાન્ડ પર મેળવીને પોલીસે કૌભાંડના મૂળ સુધી પહોંચવા પ્રયાસો શરૂ કર્યા છે. છ માસ પહેલા પ્રકાશમાં આવેલા વાલ્વ કૌભાંડ અંગે મહાપાલિકાની વીજીલન્સ શાખાએ તપાસ કરી હતી. રૂ. 3.50 લાખના 25 વાલ્વ કબજે કર્યા હતાં. આ વાલ્વ પૈકી ચાર વાલ્વના નંબર સાથે ચેડા થયાનું ખુલ્યું હતું. બાદમાં વાલ્વ કૌભાંડ અંગે પોલીસમાં વિશ્વાસઘાત અને ઉચાપત સહિતના આરોપસરની કોન્ટ્રાકટરો અને અડધી કિંમતે વાલ્વ ખરીદનાર વેપારી સામે ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં મોટાભાગના પેટા કોન્ટ્રાકટર હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ કૌભાંડની તપાસ દરમિયાન એવી વિગત બહાર આવી છે કે, પાણી વિતરણની પાઇપ લાઇન પર ફીટ કરાયેલા અને બગડી ગયેલા વાલ્વ બદલવા માટે મહાપાલિકાના ઇજનેર પાસે વાલ્વની માગણી કરવામાં આવે છે. કોન્ટ્રાકટર દ્વારા કરાયેલી માગણીના સંદર્ભમાં ઇજનેર દ્વારા વાલ્વ બનાવતી કંપનીના ડીસ્ટ્રી બ્યુટર પાસેથી ખરીદવાની પ્રક્રિયા કરવામાં આવે છે અને બગડી ગયેલા જૂના વાલ્વ જમા લઇને નવો વાલ્વ આપવામાં આવે છે. નવો વાલ્વ આપ્યા બાદ કોન્ટ્રાકટર દ્વારા એ વાલ્વનું ફીટીંગ કરવામાં આવે છે.
આ સમયે મહાપાલિકાના ઇજનેરને હાજર રહેવાનું હોય છે. પરંતુ મોટાભાગે ભરોસે કામગીરી થાય છે. કોન્ટ્રાકટર દ્વારા નવો જ વાલ્વ ફીટ કરવામાં આવ્યો છે કે રીપેર કરાવેલો જૂનો વાલ્વ ફરી ફીટ કરી દેવાયો છે તેની ચકાસણી કરવામાં આવતી નથી.  આ રીતે ઇજનેરોની જવાબદારી  હોવા છતાં તેને બચાવી લેવાના ઇરાદે ઇજનેરો સામે ફરિયાદ કરવામાં આવી નથી.  વાલ્વ કૌભાંડમાં પકડાયેલા અને એક દિવસના રિમાન્ડ પર લેવાયેલા પિતા-પુત્રની પુછપરછમાં પણ મહાપાલિકાના ઇજનેરોની બેદરકારી સામે આવી છે. ઇજનેર દ્વારા સ્થળ તપાસ કરવામાં  આવે છે પરંતુ કયો વાલ્વ ફીટ કરાયો તેની ચકાસણી કરવામાં આવતી નથી. આ રીતે મહાપાલિકાના ઇજનેરની બેદરકારી હોવા છતાં મહાપાલિકાના તંત્ર દ્વારા કમાઉ દીકરા એવા ઇજનેરોને યેનકેન પ્રકારે બચાવી લેવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આ માટે  રાજકીય દબાણ પણ લાવવામાં આવી રહ્યાનું ખુલ્યું છે.
 એટલું જ નહી પણ અડધી કિંમતે વેચી દેવાતા વાલ્વમાં પણ ભાગબટાઇ હોવાનું ખુલ્યુ છે. એવું પણ બહાર આવ્યું  છે કે, વાલ્વ બદલવામાં આવ્યા બાદ જૂના વાલ્વ સ્ટોરમાં જમા કરાવવામાં આવતા ન હતા. મહાપાલિકાના સ્ટોરકીપરને મૌખિક સૂચના આપીને વાલ્વની ખરીદી અંગે રજીસ્ટરમાં નોંધ કરાવવામાં આવે છે. એ પછી વાલ્વના બીલની રકમ મેળવી લઇને જૂના વાલ્વ ફીટ કરી દેવામાં આવે છે. વાલ્વ કંપનીના ડીસ્ટ્રીબ્યુટર પાસેથી  માત્ર બીલ લઇને કૌભાંડ કરવામાં આવ્યાની પણ શંકા છે. આ જ રીતે પાણીની પાઇપ લાઇન નાખવા અને બદલવામાં પણ કૌભાંડ ચાલતુ હોવાની શંકા છે. આ કૌભાંડના તમામ આરોપીઓ ઝડપાઇ જાય અને તેના નિવેદનો નોંધાયા બાદ જ કૌભાંડના મૂળ સુધી અને મહાપાલિકાના અધિકારીઓ વગેરે સુધી પહોંચી શકાશે. હાલમાં અન્ય આરોપીઓને ઝડપી લેવા પ્રયાસ ચાલી રહ્યાનું ક્રાઇમ બ્રાંચના તપાસનીશ અધિકારી ધાંધલ્યાએ જણાવ્યું હતું.
વાલ્વ કૌભાંડમાં શંકાસ્પદ ભૂમિકા ભજવનારા ઈજનેરોની બદલી !
રાજકોટ તા.22 : મનપામાં વાલ્વ કૌભાંડની સાથોસાથ અગાઉના અન્ય કૌભાંડોમાં જેઓની શંકાસ્પદ સંડોવણી છે તેવા ઈજનેરો સહિત કુલ 13 ઈજનેરો અને 4 એટીપીની બદલીનો ઓર્ડર કમિશનરે કાઢતા મનપાની લોબીમાં તરેહ-તરેહની ચર્ચાઓએ વેગ પકડયો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર તાજેતરમાં બહાર આવેલા વાલ્વ કૌભાંડમાં જેઓના શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે તેઓ બદલી કરાઈ છે. આ ઉપરાંત ટૂંક સમય પૂર્વે સામાકાંઠા વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી વખતે હપ્તા વસૂલીનું પ્રકરણ બહાર આવ્યું હતું જેમાં અમુક કોર્પોરેટરો તેમજ ઈસ્ટ ઝોનના ટાઉન પ્લાનીંગ શાખાના કેટલાક અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા સામે આવતા કમિશનરે ઉપરોક્ત અધિકારીઓની બદલી કરી નાખી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer