મોરબીના પંચાસરના પ્રૌઢની ગોળી મારીને હત્યા કરવા અંગે ભાજપના આગેવાન સહિત છ પકડાયા

મોરબીના પંચાસરના પ્રૌઢની ગોળી મારીને હત્યા કરવા અંગે ભાજપના આગેવાન સહિત છ પકડાયા
મોરબી, તા. 22: મોરબીના પંચાસર ગામે જમીનના ડખ્ખા અને ખેતરમાંથી માટી લેવાની બાબતે સહદેવસિંહ તેજુભા ઝાલા નામના પ્રૌઢની ગોળી મારીને હત્યા કરીને ભુગર્ભમાં ઉતરી ગયેલા ભાજપના આગેવાન સહિત છ શખસ લજાઇ ચોકડી પાસેથી ઝડપાઇ ગયા હતાં.
પ્રૌઢની હત્યા અને તેમના પત્ની રસીકબા અને ભત્રીજા પરાક્રમસિંહ ખુમાનસિંહ ઝાલાને ઇજા કરવા અંગે મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા, તેના ભાઇ વિક્રમસિંહ, નિવૃત્ત પોલીસ જમાદાર અરવિંદસિંહ નટુભા ઝાલા, પંચાસરના સરપંચ રાજમહેન્દ્રસિંહ ઝાલા, સહદેવસિંહ લાલુભા ઝાલા અને હિતેષસિંહ ઉર્ફે હિતુભા લાલુભા ઝાલાની પોલીસે ધરપકડ કરી હતી. ત્રણ દિવસ પહેલા પંચાસર ગામે પ્રૌઢ સહદેવસિંહ ઝાલાની ગોળીમારીને હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં ઘવાયેલા તેમના ભત્રીજા પરાક્રમસિંહની ફરિયાદ પરથી હત્યા સહિતના આરોપસરનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ગોળીબાર અને હુમલો કરીને ભુગર્ભમાં ઉતરી ગયેલા ભાજપના આગેવાન સહિતના છ શખસને ઝડપી લેવા ડીવાયએસપી બી.ડી.જોષીની આગેવાની હેઠળ પીએસઆઇ ગોહીલ અને તેની જુદી જુદી ટીમે દોડધામ કરી હતી. દરમિયાન એ છ આરોપી કારમાં લજાઇ ચોકડી પાસેથી પસાર થવાના હોવાની બાતમીના આધારે વોચ ગોઠવીને ઝડપી લેવાયા હતાં. આ બનાવમાં વપરાયેલ રિવોલ્વર સહિતના હથિયાર, નાસી જવા માટે ઉપયોગમાં લેવાયેલા વાહન  અને બનાવ સમયે આરોપીઓએ પહેરેલા કપડા વગેરે કબજે કરવા માટે તમામને રિમાન્ડ પર મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer