સસ્તા અનાજની દુકાનના 24પ વેપારીઓએ આવેદન આપી ઈચ્છામૃત્યુની માગણી કરી !

સસ્તા અનાજની દુકાનના 24પ વેપારીઓએ આવેદન આપી ઈચ્છામૃત્યુની માગણી કરી !

સોફ્ટવેરની ખામી અને ગ્રાહકો સાથે રોજેરોજની માથાકૂટથી ત્રસ્ત રાજકોટ, તા. 13 : રાજકોટના સસ્તા અનાજની દુકાનના વેપારીઓએ આજે કલેક્ટર કચેરીએ ધસી જઈને સોફ્ટવેરની ખામીથી અને તેના કારણે ગ્રાહકો સાથે થતી રોજેરોજની માથાકૂટથી ત્રાસી જઈને ઈચ્છામૃત્યુની માગણી કરતું આવેદન પત્ર પુરવઠા અધિકારીને પાઠવતાં ચકચાર મચી ગઈ છે.
આજે સસ્તા અનાજની દુકાનના 24પ જેટલા વેપારીઓએ જિલ્લા પુરવઠા અધિકારી વાય.પી.જોશીને આવેદન આપ્યું હતું. તેઓએ આવેદનમાં એવું જણાવ્યું હતું કે, સસ્તા અનાજની દુકાનમાં રાશન લેવા આવતા ગ્રાહકોના અંગૂઠાનું નિશાન કોમ્પ્યુટરના સોફ્ટવેરમાં લેવાનું હોય છે અને તેના થકી આધાર કાર્ડ ખુલે છે. જો આધાર કાર્ડ ખુલે તો જ રાશન આપવાનું હોય છે. પણ સર્વર એટલું ધીમું છે કે સોફ્ટવેર ઝડપથી કામ કરતો નથી અને એક ગ્રાહકના અંગૂઠાનું નિશાન લીધા બાદ 20 થી 2પ મિનિટ પ્રોસેસમાં થાય છે અને ગ્રાહકોને લાંબા સમય સુધી લાઈનમાં ઊભા રહેવું પડતું હોવાથી વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે રોજ ચકમક ઝરે છે. આ રોજેરોજની માથાકૂટથી ત્રાસીને વેપારીઓએ આક્રમક બનીને આવેદન આપ્યું હતું. આવેદનમાં જણાવ્યા અનુસાર, સસ્તા અનાજના વેપારીઓનો પ્રશ્ન તા.31 માર્ચ સુધીમાં નહીં ઉકેલાય તો તા.1 એપ્રિલે કલેક્ટર કચેરીએ એકત્ર થઈને સિવિલ હોસ્પિટલમાં દાખલ થશે અને ડૉક્ટરને ઈચ્છામૃત્યુ માટેના ઈન્જેક્શન આપવા વિનંતી કરશે.
જો કે, આ અંગે પુરવઠા અધિકારી વાય.પી.જોશીએ જણાવ્યું હતું કે, સર્વર ધીમું છે એ વાત સાચી છે અને ગાંધીનગર પણ અમે ધ્યાન દોર્યું છે. પણ ગ્રાહકો હેરાન ન થાય તે માટે સસ્તા અનાજની દુકાન પર રજીસ્ટરની વ્યવસ્થા રાખી છે. એક રજીસ્ટર એવું કે જેમાં આધારકાર્ડ રજીસ્ટર ન થયું હોય તો તેની નેંધ કરવામાં આવે છે. બીજું રજીસ્ટર એવું છે કે જેની પાસે આધારકાર્ડ જ નથી, તેવા ગ્રાહકોની નોંધ રખાય છે. વેપારીઓએ આ રજીસ્ટર મેઈન્ટેન કરવાનું રહેશે. જો સોફ્ટવેર ધીમો હોય તો રજીસ્ટરમાં નેંધ કરીને રાશન આપી દેવાનું રહે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer