રાજકોટ સ્માર્ટ નહીં પણ મચ્છર સિટી અચૂક બની ગયું! : વિપક્ષ

રાજકોટ સ્માર્ટ નહીં પણ મચ્છર સિટી અચૂક બની ગયું! : વિપક્ષ

આજી નદીની ગદકી સાફ કરવા મુદ્દે વિપક્ષી નેતા અને ડે.કમિશનર વચ્ચે શાબ્દિક બોલાચાલી
આજે મનપાને ઘેરાવનું એલાન
રાજકોટ,તા.13 :  શહેર સ્વચ્છતાની દ્રષ્ટિએ અગ્રેસર હોવાના બણગા ફૂકતા મ્યુનિ.તંત્રને આજી નદીના પટમાં ગાંડીવેલ કાઢવાનું સુઝતુ નથી જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આ મુદ્દો લઈને આજે વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ ડે.કમિશનર મહેશબાબૂને ફરિયાદ કરતા બન્ને વચ્ચે શાબ્દિક ચકમક ઝરી હતી.
વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ એક યાદીમાં જણાવ્યું હતું કે, મહાપાલિકા રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા ઈચ્છે છે પરંતુ ભાજપના શાસકો અને અધિકારીઓ તેને કાગળો પર જ સ્માર્ટ સિટી બનાવી રહ્યાં છે. રાજકોટ સ્માર્ટ સિટી તો હજુ બન્યું નથી પરંતુ મચ્છરનો સિટી અચૂક બની ગયું છે. મનપાના શાસકો અને સત્તાધિશોને એટલુ જ કહેવાનું છે કે, શહેરની પ્રજાને મચ્છર સિટીમાંથી છૂટકારો આપો અને પછી જ સ્માર્ટસિટીના સપના દેખાડો.
સાગઠિયાએ ઉમેર્યુ હતું કે, આજે સવારે આજી નદીની ગંદકી અને મચ્છરોના ઉપદ્રવ મુદ્દે તેમણે ડે.કમિશનર અરુણ મહેશબાબૂનું ધ્યાન દોર્યુ હતું અને જણાવ્યું હતું કે, સ્વચ્છતા અભિયાનના નામે રાજકોટમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે અને થઈ રહ્યો પણ છે પરંતુ હકીકતમાં સ્વચ્છતાના નામે રાજકોટ મીંડુ છે.
ડે.કમિશનરને વાસ્તવિક ફરિયાદ સાથે સત્ય પણ કહ્યું હતું જેથી શાબ્દિક બોલાચાલી પણ થઈ હતી. હકીકતમાં આજી નદીમાંથી ગાંડી વેલ દૂર કરી તુરંત સામાકાંઠે ફોગીગ મશીન ચાલુ કરવું જોઈએ. આજથી જ આ વિસ્તારમાં ફોગીગ મશીન ચાલુ કરવામાં નહી આવે તો આવતીકાલે તા.14ના રોજ મ્યુનિ.કચેરીને ઘેરાવ કરવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer