પાક.માં દાઉદની સુરક્ષા કરે છે કોસ્ટગાર્ડ અને રેન્જર્સ ટીમ !

પાક.માં દાઉદની સુરક્ષા કરે છે કોસ્ટગાર્ડ અને રેન્જર્સ ટીમ !
ટકલાનો ખુલાસો ઈં કરાચીમાં જ રહે છે મોટા નેતાની મુલાકાત વખતે અન્યત્ર ખસેડાય છે
નવી દિલ્હી, તા. 13: ગયા સપ્તાહે દિલ્હી વિમાનમથકેથી ધરપકડ કરાયેલા (દાઉદ ઈબ્રાહિમના નિકટના સાથી) ફિરોઝ ટકલાએ દાઉદના આવાસ, સલામતઘર અને પાક રેન્જર્સ દ્વારા સંચાલિત થતા દાઉદના સલામતી બંદોબસ્ત વિશે તપાસનીશ એજન્સીઓ સમક્ષ ઓકેલી વિગતો જોતાં, પાકિસ્તાન દાઉદ ઈબ્રાહિમને આશરો આપતું આવ્યું હોવાના ભારતના અવારનવારના આક્ષેપોને વજુદ અને સમર્થન મળે છે. સૂત્રોએ એક ખાનગી ચેનલને જણાવ્યા પ્રમાણે ટકલાએ એ મતલબનો એકરાર કર્યો હતો કે કરાચીના વૈભવી વિસ્તાર ક્લિફ્ટનમાં આવેલા બંગલામાં અને તેની ફરતે દાઉદ અને તેના પરિવારને પાકિસ્તાન રેન્જર્સ સલામતી કવચ પૂરું પાડે છે. દેશમાં જ્યારે જ્યારે કોઈ વિદેશી વીવીઆઈપી આવવાના હોય અથવા જ્યારે જ્યારે પણ ભારત સરકાર પાક પર આંતરરાષ્ટ્રીય દબાણ વધારે ત્યારે દાઉદને, અન્ડા ગ્રુપ ઓફ આયલેન્ડ્સ નામે ઓળખાતા વિસ્તારમાં વ્યૂહાત્મક રીતે બનાવાયેલા સલામતઘરમાં સત્વરે સરકાવી લઈ જવાતો એ વિશે ટકલાએ છણાવટ કરી હતી. આ વિસ્તારમાં દાઉદ અને તેની પત્ની સિવાય કોઈને ય જવાની મંજૂરી ન હતી. પાક તંત્રમાંના અધિકારીઓ ય દાઉદ સાથે વાત કરવા ખાસ ફ્રિક્વન્સીનો ઉપયોગ કરતા. તે રીતે પાકનું કોસ્ટ ગાર્ડ દાઉદની સલામતી અંકે કરવાની તથા જ્યાં તથા જ્યારે દુબઈ લઈ જવાનો હોય ત્યારે તેના સલામત પેસેજ (આવનજાવન) અંકે કરી આપવાની જવાબદારી સંભાળતી એમ ટકલાએ જણાવ્યું હતું. પાક તંત્ર દાઉદને, ખતરાના સંજગોમાં છ કલાકમાં સલામતીભેર દુબઈભેગો કરવાને સક્ષમ છે તેમજ એકવાર દાઉદ સંયુક્ત આરબ અમીરાત પહોંચે તે પછી દાઉદને લગતી બાબતો સંભાળવાની જવાબદારી પોતાની રહેતી, એમ ટકલાએ જણાવ્યું હતું.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer