ભારત સાથે ઈરાનનો વિશ્વાસઘાત !

ભારત સાથે ઈરાનનો વિશ્વાસઘાત !
ચાબહાર પ્રોજેક્ટમાં સામેલ થવા ચીન, પાક.ને ઈરાનનું નિમંત્રણ
નવીદિલ્હી, તા.13: ભારતે પાકિસ્તાનને હાંસિયામાં ધકેલી દેવા માટે જે ચાબહાર પ્રોજેક્ટને વિકસિત કરવાની શરૂઆત કરી હતી તે પરિયોજનામાં જ હવે ઈરાને પાકિસ્તાન અને ચીનને જોડાવાનાં આમંત્રણ પાઠવીને એક પ્રકારે વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે.
પાકિસ્તાનનાં પ્રસાર માધ્યમોમાં પ્રકાશિત અહેવાલો અનુસાર ઈરાને ચીન અને પાક. બન્ને દેશોને ચાબહાર પ્રોજેક્ટમાં જોડાવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ બંદર યોજનાનાં નિર્માણને ભારતની મોટી વ્યૂહાત્મક સફળતા તરીકે જોવામાં આવતી હતી. તેનો સૌથી મોટો ફાયદો ભારતને મધ્યએશિયા અને અફઘાનિસ્તાન સુધીની આસાન પહોંચનાં રૂપમાં થવાનો હતો. પાકિસ્તાનનાં અખબાર ડોનનાં અહેવાલ અનુસાર ઈરાનનાં વિદેશમંત્રી જવાદ ઝરીફે સોમવારે પાક. અને ચીનને ચાબહાર બંદર યોજનામાં સામેલ થવા માટે નિમંત્રણ પાઠવ્યું હતું. આટલું જ નહીં ચાબહારથી ગ્વાદર પોર્ટ વચ્ચે જોડાણનાં વિકાસ માટે પણ પાક.ને આગળ આવવા માટે આમંત્રિત કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. વાસ્તવમાં ઈરાન આ યોજનામાં ભારતની સામેલગીરીથી પાક.ને થઈ રહેલી ચિંતાઓ વિખેરવાનાં પ્રયાસો કરી રહ્યું છે.
જરીફ ત્રણ દિવસ માટે પાકિસ્તાનના પ્રવાસે છે. ડોન અનુસાર, જરીફે ઈસ્લામાબાદમાં ઈન્સ્ટિટયૂટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝમાં એક સંબોધન દરમ્યાન કહ્યું કે, અમે ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરમાં સામેલ થવા વાત કરી છે અને સાથે અમે પાકિસ્તાન અને ચીનને પણ ચાબહાર પ્રોજેક્ટમાં જોડાવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે ચાબહાર પ્રોજેક્ટને ભારત અને ઈરાનના સંબંધોમાં સક્સેસ સ્ટોરી તરીકે જોવામાં આવે છે.
ઈરાનના વિદેશમંત્રીના નિવેદને ભારતને આચંકો આપ્યો છે. જો કે, એવું બની શકે કે જરીફ માત્ર મિત્રતાપૂર્ણ ટિપ્પણી કરી રહ્યા હોય. તેઓ પાકિસ્તાનમાં હતા અને તેથી તેઓ ઈરાન-ભારતની વધતી મૈત્રી અંગે ઈરાન વતી પાકિસ્તાનને આશ્વસ્ત કરવા માગતા હોય તેવી પણ સંભાવના છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer