વિપક્ષને સંગઠિત કરવા સોનિયાની કવાયત

વિપક્ષને સંગઠિત કરવા સોનિયાની કવાયત
રાત્રી ભોજનમાં સાથી પક્ષોના નેતાઓ સાથે ભાવિ રણનીતિની ચર્ચા
નવીદિલ્હી,તા.13: એક પછી એક રાજ્યો સર કરી રહેલા ભાજપનાં વિજયરથને રોકવા માટે બેબાકળાં બનેલા વિપક્ષો હવે સામૂહિક લડત માટે રણનીતિ ઘડી રહ્યા છે. રાહુલ ગાંધીને કોંગ્રેસની અધ્યક્ષતા સોંપ્યા બાદ યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી પણ આ વિપક્ષી ગઠબંધનને નક્કર સ્વરૂપ આપવા માટે સક્રિય થયા છે. જેનાં ભાગરૂપે આજે સોનિયા ગાંધીએ યોજેલા રાત્રી ભોજનમાં વિપક્ષી નેતાઓ વચ્ચે ગહન ચર્ચા-વિચારણા થઈ હતી.10 જનપથ ખાતે સોનિયાની આ ડિનર ડિપ્લોમસીમાં અપેક્ષાકૃત ગુલામનબી આઝાદ, મલ્લિકાર્જૂન ખડગે, રણદીપ સુરજેવાલા અને અહેમદ પટેલ સહિત કોંગ્રેસનાં શીર્ષ નેતાઓ હાજર રહ્યા હતાં. આ ઉપરાંત સોનિયાનાં નિમંત્રણને માન આપીને એઆઈયુડીએફનાં અધ્યક્ષ બદરુદ્દીન અજમલ, રાજદના નેતા તેજસ્વી યાદવ, નેશનલ કોન્ફરન્સનાં નેતા ઓમર અબ્દુલ્લા, એનસીપીનાં વડા શરદ પવાર, એચએએમના જીતનરામ માંઝી, માયાવતીનાં પક્ષ બસપાનાં પ્રતિનિધિ તરીકે સતીષ મિશ્રા સહિતનાં નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
તૃણમૂલ કોંગ્રેસનાં નેતા સુદીપ બંદોપાધ્યાય, ડીએમકેનાં કનિમોઝી, સપાનાં રામ ગોપાલ યાદવ, સીપીઆઈએમનાં સીતારામ યેચુરી અને સીપીઆઈનાં ડી.રાજા સહિતના નેતાઓ પણ આ ભોજન સમારોહમાં હાજર રહ્યા હતાં. જો કે તાજેતરમાં જ કેન્દ્રની ભાજપ સરકારમાંથી બહાર નીકળી જનાર ટીડીપી ઉપરાંત ટીઆરએસ કે બીજેડીને આ ભોજન સમારંભ માટે આમંત્રણ પાઠવવામાં આવ્યા ન હતાં. કુલ મળીને 20 પક્ષોનાં નેતાઓને સોનિયા ગાંધી તરફથી આમંત્રણ આપવામાં આવ્યા હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer