આધારને જોડવાની સમયમર્યાદા અનિશ્ચિત મુદ્દત સુધી વધારાઇ

આધારને જોડવાની સમયમર્યાદા અનિશ્ચિત મુદ્દત સુધી વધારાઇ
ખંડપીઠ ચુકાદો ન આપે ત્યાં સુધી વિવિધ સેવાઓ સાથે કાર્ડ નંબર જોડી શકાશે : સુપ્રીમ
નવી દિલ્હી, તા. 13 : આધારકાર્ડ બાયોમેટ્રિક યોજના અને તેને કાયદાકીય રીતે લાગુ પાડવાની માન્યતાને પડકારતી અરજી પર પાંચ ન્યાયાધીશોની બનાવવામાં આવેલી બંધારણીય ખંડપીઠ દ્વારા ચુકાદો આપવામાં ન આવે ત્યાં સુધી વિવિધ સેવાઓ સાથે આધારકાર્ડને જોડવાની તા. 31મી માર્ચના આપવામાં આવેલી સમયમર્યાદાને લંબાવી દેવામાં આવી છે. આમ, જ્યાં સુધી આ અરજી પરનો ચુકાદો જાહેર ન થાય ત્યાં સુધી અનિશ્ચિત મુદ્દત માટે આ સમયમર્યાદા લંબાવી દેવામાં આવી છે.
મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાના વડપણ હેઠળની પાંચ જજોની બંધારણીય ખંડપીઠે અગાઉ 7મી માર્ચના જ કહ્યું હતું કે, આધાર એક્ટ પરની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર 31મી માર્ચ સુધીમાં નિર્ણય લેવો શક્ય નથી.
સુપ્રીમ કોર્ટમાં આધારકાર્ડ સામેની માન્યતા સંબંધી જાહેર હિતની સુપ્રીમ કોર્ટમાં રહેલી અરજી પર ઉકેલ આવે પછી જ ચૂંટણીપંચ ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે જોડવાનું શરૂ કરશે એવું મુખ્ય ચૂંટણી કમિશનર ઓમપ્રકાશ રાવતે કહ્યું હતું. આ પછી થોડા સમયમાં નિર્ણય આવી ગયો છે.
ન્યાયાધીશ એ. કે. સિક્રી, એ. એમ. ખાનવિલકર, ડી. વાય, ચંદ્રચૂડ અને અશોક ભૂષણની બનેલી ખંડપીઠે અગાઉ કહ્યું હતું કે બેંકો, સ્ટોક એક્સચેંજો જેવી નાણાકીય સંસ્થાઓમાં ઘણી ગૂંચવણો ઊભી થઇ શકે તેમ છે, તેથી છેલ્લી ઘડીએ સમયમર્યાદા લંબાવવામાં આવે તો ઘણી સમસ્યાઓ સર્જાશે.
નોંધનીય છે કે, ગત વર્ષે 15મી ડિસેમ્બરના સુપ્રીમ કોર્ટે વિવિધ સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓ સાથે આધાર નંબરને જોડવાનું ફરજિયાત કરતી સમયમર્યાદા 31મી માર્ચ સુધી સુનિશ્ચિત કરી હતી.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer