PNB કૌભાંડનાં મૂળ ઉપર વજ્રઘાત

PNB કૌભાંડનાં મૂળ ઉપર વજ્રઘાત
LOU અને LOC  જારી કરવાનું તાત્કાલિક અસરથી બંધ કરતી RBI
નવીદિલ્હી, તા.13: પંજાબ નેશનલ બેન્ક(પીએનબી)માં ડાયમંડ કિંગ નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ આચરેલા સૌથી મોટા બેન્કિંગ કૌભાંડનાં મૂળ સમાન લેટર ઓફ અંડરટેકિંગ (એલઓયુ) ઉપર રિઝર્વ બેન્કે વજ્રઘાત કર્યો છે. ભારતમાં ચીજવસ્તુઓની આયાત માટે બેન્કો દ્વારા અપાતી આ વ્યવસાયિક બાંયધરી ઉપર તાત્કાલિક અસરથી જ કેન્દ્રીય બેન્ક દ્વારા રોક લગાવી દેવામાં આવી છે.
રિઝર્વ બેન્ક દ્વારા આ નિર્ણય વિશે કહેવામાં આવ્યું હતું કે ટ્રેડ ફાયનાન્સ માટે એલઓયુ અને લેટર ઓફ કમ્ફર્ટ (એલઓસી)નાં ઉપયોગને તત્કાળ પ્રભાવથી બંધ કરવામાં આવે છે. આરબીઆઈએ આનાં અનુસંધાને બહાર પાડેલા જાહેરનામામાં કહેવાયું છે કે વર્તમાન નિયમો અને દિશાનિર્દેશોની સમીક્ષા બાદ એલઓયુ અને એલઓસી જારી કરવાનું અટકાવી દેવામાં આવ્યું છે. રિઝર્વ બેન્કનાં આ નિર્ણયને પગલે આયાત ઉપર નિર્ભર રહેતા મોટાભાગનાં વેપાર-ધંધાને માઠી અસર થશે. કારણ કે ટૂંકાગાળાનાં ધિરાણ માટે તેમનાં દ્વારા એલઓયુનો મોટાપાયે ઉપયોગ થતો હોય છે. જો કે રિઝર્વ બેન્કની અધિસુચનામાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં આયાત માટે ટ્રેડ ક્રેડિટ, લેટર ઓફ ક્રેડિટ અને બેન્ક ગેરેન્ટી નિર્ધારિત જોગવાઈઓનાં આધારે જારી થતાં રહેશે.
ઉલ્લેખનીય છે કે નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ છેતરપિંડી કરીને પીએનબીમાંથી આશરે 13000 કરોડ રૂપિયાનાં એલઓયુ મેળવીને બેન્કે ચૂનો ચોપડી દીધો છે. જેને પગલે દેશમાં ખળભળાટ મચી ગયો હતો અને બેન્કિંગ ક્ષેત્રમાં વ્યાપક સુધારાઓની આવશ્યકતા સામે આવી ગઈ હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer