ભારત પ્રયોગથી દૂર રહેવાનું પસંદ કરશે

ભારત પ્રયોગથી દૂર રહેવાનું પસંદ કરશે
ત્રિકોણીય શ્રેણીમાં આજે ભારત-બાંગલાદેશ વચ્ચે ટક્કર
 
કોલંબો, તા.13: ભારતીય ટીમ આવતીકાલ બુધવારે જ્યારે ત્રિકોણીય શ્રેણીના તેના આખરી લીગ મેચમાં બાંગલાદેશ સામે મેદાને પડશે ત્યારે તેનો ઇરાદો ‘જો અને તો’ની તમામ સંભાવના ખતમ કરીને જીત સાથે ફાઇનલમાં જગ્યા બનાવવા પર હશે. પહેલા મેચમાં ભારતને શ્રીલંકા સામે હાર મળી હતી. જો કે સોમવારના મેચમાં શ્રીલંકા સામે જીત મેળવી ભારતે લગભગ ફાઇનલની ટિકિટ પાકી કરી છે, આમ છતાં તે વેઇટિંગ લીસ્ટમાં છે. આથી આખરી લીગ મેચમાં ટીમ ઇન્ડિયા પ્રયોગથી બચવાનું પસંદ કરશે. બીજી તરફ બાંગલાદેશ પણ પાછલા મેચમાં શ્રીલંકાનો 21પ રનનો રેકોર્ડ સ્કોર ચેઝ કરીને મળેલી જીતથી આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે અને ભારતને આંચકો આપવાનો ઇરાદો રાખે છે.
ભારતને જો કાલના મેચમાં હાર મળશે તો પણ તે ત્રિકોણીય શ્રેણીની બહાર થઇ જશે નહીં, પણ તેણે બાંગલાદેશ અને શ્રીલંકા વચ્ચેના આખરી લીગ મેચ પર નજર રાખવી પડશે. પાછલા બે મેચની જીતથી ભારતની સ્થિતિ સુધરી છે. પોઇન્ટ ટેબલ પર ટોચ પર છે. નેટ રન રેટમાં પણ આગળ છે. આ શ્રેણી યુવા ખેલાડીઓને અજમાવવા માટેની છે. આમ છતાં ભારતીય ટીમ આવતીકાલના મેચમાં પ્રયોગથી દૂર રહી અનુભવી ખેલાડીઓને વધુ તક આપવાનું પસંદ કરશે. યુવા ખેલાડીઓમાં શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરે સૌથી વધુ પ્રભાવી પ્રદર્શન કરીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer