સિંધુ અને શ્રીકાંતની નજર ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપના ખિતાબ પર

સિંધુ અને શ્રીકાંતની નજર ઓલ  ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપના ખિતાબ પર
આજથી બેડમિન્ટનની પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટનો પ્રારંભ

બર્મિંગહામ (ઇંગ્લેન્ડ), તા.13: ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ અને કિદાંબી શ્રીકાંત આવતીકાલ બુધવારથી અહીં શરૂ થતી ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશીપમાં ઉતરશે ત્યારે તેમનો ઇરાદો આ પ્રતિષ્ઠિત ખિતાબ પોતાના નામે કરવાનો હશે. 17 વર્ષ પહેલા તેમના ગુરુ પુલેલા ગોપિચંદે આ ખિતાબ જીત્યો હતો. ઓલ ઇંગ્લેન્ડમાં વિજેતા બનવું કોઇ પણ બેડમિન્ટન ખેલાડીનું સપનું હોય છે. ભારત તરફથી હજુ સુધી ફક્ત પ્રકાશ પદુકોણે (1980) અને ગોપિચંદ(2001) આ પ્રતિષ્ઠિત ખિતાબ પોતાને નામે કરી શક્યા છે.  આ વખતે સિંધુ અને શ્રીકાંતને પહેલા રાઉન્ડમાં આસાન હરીફ મળ્યા છે પરંતુ અહીં બે વર્ષ પહેલા ફાઇનલ સુધી પહોંચનાર સાઇન નેહવાલને પહેલા રાઉન્ડમાં વિશ્વ નંબર વન અને ગત ચેમ્પિયન ચીની તાઇપેની તેઇ જૂ યિંગનો સામનો કરવાનો રહેશે. તેની સામે સાઈનાનો રેકોર્ડ 9-પનો છે. પાછલા સાત મુકાબલામાં સાઇનાને હાર મળી છે.
ચોથા ક્રમની સિંધુ પહેલા રાઉન્ડમાં થાઇલેન્ડની પોર્નપાવી ચોચુવોંગ સામે રમશે. જ્યારે શ્રીકાંત ફ્રાંસના બ્રાઇસ લીવરદેર સામે ટકરાશે. શ્રીકાંતે ગયા વર્ષે ચાર સુપર સિરીઝ ખિતાબ જીત્યા હતા. તે અહીં પણ ખિતાબનો પ્રબળ દાવેદાર માનાઇ રહયો છે. ગયા વર્ષે તે પહેલા રાઉન્ડમાં જ બહાર થઇ ગયો હતો. જેની ભરપાઇ કરવા માટે તે આ વખતે બેતાબ છે. અહીં વિજેતા બનાવાથી શ્રીકાંત પાસે વિશ્વ નંબર વન બનાવની પણ તક રહેશે.
સિંગાપોર ઓપનના વિજેતા સાઇ પ્રણિત અને 12મા નંબરના ખેલાડી એચએસ પ્રણોય ઉલટફેરના ઉસ્તાદ ખેલાડી છે. ઓલ ઇંગ્લેન્ડમાં ભારતની મહિલા અને મિક્સ ડબલ્સ જોડી પણ ચુનૌતી રજૂ કરશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer