કોમનવેલ્થ ગેમ્સમાં હોકી ટીમનું સુકાન મનપ્રિતને સોંપાયું

કોમનવેલ્થ ગેમ્સમાં હોકી ટીમનું  સુકાન મનપ્રિતને સોંપાયું
સરદારસિંહની છૂટ્ટી: શ્રીજેશની વાપસી

નવી દિલ્હી, તા.13: કોમનવેલ્થ ગેમ્સ માટેની ભારતની પુરુષ હોકી ટીમ આજે જાહેર થઇ છે. 4 એપ્રિલથી ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં શરૂ થનાર કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના હોકી અભિયાનનું નેતૃત્વ અનુભવી મીડ ફિલ્ડર મનપ્રિત સિંહને સોંપવામાં આવ્યું છે. 18 ખેલાડીની ટીમમાં પૂર્વ સુકાની સરદારસિંહને જગ્યા મળી નથી. જ્યારે અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશની ટીમમાં વાપસી થઇ છે. કોમલવેલ્થમાં ભારત પૂલ બીમાં પાકિસ્તાન, મલેશિયા, વેલ્સ અને ઇંગ્લેન્ડ સાથે છે. ભારતનો પહેલો મેચ 7 એપ્રિલે પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે હશે.
મનપ્રિતસિંહ સુકાની અને ચિંગલેનસાના ઉપસુકાની તરીકે છે. મનપ્રિતના સુકાનીપદ હેઠળ ભારત એશિયા કપ-17માં ચેમ્પિયન બન્યું હતું. આ ઉપરાંત વર્લ્ડ હોકી લીગ ફાઇનલ્સમાં કાંસ્ય ચંદ્રક મળ્યો હતો. અઝલન શાહ કપમાં ખરાબ પ્રદર્શનને લીધે સરદારની છૂટ્ટી નિશ્ચિત મનાતી હતી. બીજી તરફ સારા પ્રદર્શન છતાં રમણદીપને ટીમમાં જગ્યા મળી નથી. યુવા દિલપ્રિત સિંહ અને વિવેક સાગર પ્રસાદને ન્યુઝીલેન્ડ પ્રવાસમાં કરેલા સારા પ્રદર્શનનું ઇનામ મળ્યું છે.
ભારતની હોકી ટીમ: પીઆર શ્રીજેશ અને સૂરજ કરકેરા (ગોલકીપર), રૂપિન્દરપાલ સિંહ, હરમનપ્રિત સિંહ, વરુણકુમાર, કોથાજીતસિંહ, ગુરવિન્દરસિંહ અને અમિત રોહિદાસ (તમામ ડિફેન્ડર), મનપ્રિતસિંહ (સુકાની), ચિંગલેનસાના સિંહ (ઉપસુકાની), સુમિત, વિવેક સાગર (તમામ મિડફિલ્ડર), આકાશદિપ, એસવી સુનિલ, ગુરજંતસિંહ, મનદિપસિંહ, લલિત ઉપાધ્યાય અને દિલપ્રિતસિંહ (તમામ ફોરવર્ડ), કોચ: શોર્ડ મારિન.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer