મોડાસામાં પોલીસકર્મી દારૂના નશામાં હોવાનો વીડિયો વાઇરલ થતાં ચકચાર

મોડાસામાં પોલીસકર્મી દારૂના નશામાં હોવાનો વીડિયો વાઇરલ થતાં ચકચાર
પાંચ દિવસમાં બે પોલીસકર્મી દારૂ પીધેલી હાલતમાં દેખા દેતાં ખાખી વર્દીની ઇજ્જત દાવ પર લાગી
મોડાસા, તા.13: મોડાસાના હજીરા વિસ્તારમાં ત્રણ રસ્તા પર આવેલા સર્કલ નજીક મંગળવારે એક પોલીસકર્મી નશામય હાલતમાં બાઈક પર સંતુલન ગુમાવતા નજરે પડતા અને બાઈક સાથે માંડ માંડ જમીન પર પગ ટેકવા અને જાણે પોલિસ વર્દીની આબરૂ બચાવવા હવાતિયાં મારતો નજરે ચડતા અહીંથી પસાર થતા વાહનચાલકો અને આજુબાજુના દુકાનદારો દોડી આવી પોલીસકર્મીને મદદ કરી ઘરે પહોંચાડવા મથામણ કરતો વિડીઓ કેટલાક લોકોએ ઉતારી સોશ્યલ મીડિયામાં વાઈરલ કરતા સ્માર્ટ ફોન વપરાતા દરેક લોકના મોબાઈલ ફરતો થઈ જતા નશામય હાલતમાં દેખાતા પોલીસકર્મી અને પોલીસતંત્રના દારૂબંધીના દાવાઓની હવા નીકળી ગઈ હતી.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કડકમાં કડક કાયદા બનાવી દારૂ વેચનાર પીનાર અને હેરાફેરી કરનાર સામે સખ્ત કાર્યવાહી કરવા અને દારૂબંધીનો કાયદો અમલવારી કરવાની જેના શિરે જવાબદારી છે તે પોલીસ તંત્રના કર્મચારીઓ જ જાહેરમાં દારૂ પીને કે પછી નશામય હાલતમાં લથડિયાં ખાતે નજરે પડે તો દારૂબંધીનો કાયદો આમ જનતા માટે હોય તેવા દ્રશ્યો જોવા મળતા લોકોમાં ખાખી વર્દીને લાંછન લગાવનાર પોલીસ કર્મીઓ સામે ફિટકાર વરસાવી તેમની સામે સખ્ત કાર્યવાહી કરી પ્રજામાં પોલીસ હોય કે આમ આદમી કાયદો બધા માટે સરખો હોવાનો દાખલો બેસાડવો જોઈએ તેવી માંગ પ્રબળ બની છે.
------
અરવલ્લી જિલ્લા પોલીસ વડા કે.એન.ડામોરનો બચાવ
અરવલ્લી જિલ્લામાં 5 દિવસ અગાઉ મોડાસા બસ સ્ટેન્ડ વિસ્તારમાં દારૂ પીધેલી હાલતમાં પોલીસકર્મીએ ધમાલ મચાવ્યા બાદ મંગળવારે વધુ એક પોલીસકર્મી મોડાસાના હજીરા વિસ્તાર સર્કલ પર નશામય હાલતમાં હોય તેવો વિડીઓ સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા આ અંગે જિલ્લા પોલીસવડા કે.એન.ડામોર સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે આ અંગે પી.એસ.આઈ.ને જાણ કરી સમગ્ર હકીકતની તપાસ કરવાનું કહેતા વિડીઓમાં દેખાતો પોલીસકર્મીને બ્લડ પ્રેસરની તકલીફ હોવાથી સંતુલન ગુમાવ્યું હતું અને બ્લડ પ્રેસરની સારવાર અર્થે હાલ પોલીસ કર્મચારી મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ હોવાનું જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer