ઠુમ્મર સહિત 28 ધારાસભ્યો સસ્પેન્ડ, કોંગ્રેસનો વોકઆઉટ

ખેડૂતોના મામલે ગૃહમાં ઘમસાણ
બીજી બેઠકમાં કોંગ્રેસના દંડકની રજૂઆતના પગલે અધ્યક્ષે ઠપકો આપી સસ્પેન્શન રદ કર્યુ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.13: ગુજરાત વિધાનસભામાં આજે ખેડૂતોના પ્રશ્નોના મામલે કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર ઉપર આક્ષેપો કરતા ભારે હોબાળા મચાવી દીધો હતો. બીજી તરફ કૃષિપ્રધાન આર.સી.ફળદુ કૃષિ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાના પ્રત્યુતર આપી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરના નામ સાથે ઉપસંદર્ભ ટાંકતા વીરજી ઠુમ્મર ઉભા થઇ જતા અધ્યક્ષે તેમને બેસી જવા માટે વારંવાર ટકોર કરવા અને સસ્પેન્ડ કરવાની ચીમકી આપવા છતાં તેઓ નહિં બેસતા તેમને આજના દિવસની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. જેના પગલે કોંગ્રેસના અન્ય કેટલાક ધારાસભ્યોએ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા અધ્યક્ષની સામે વેલમાં ધસી આવ્યા હતા.
આ તબક્કે કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો આમને સામને આવી જતા ગૃહની કાર્યવાહી ખોરવાઇ ગઇ હતી. આખરે અધ્યક્ષે વેલમાં ધસી આવેલા કોંગ્રેસના 28 જેટલા ધારાસભ્યોને આજના દિવસની ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. જેના પગલે આ ધારાસભ્યોને સાર્જન્ટની મદદથી ગૃહ બહાર લઇ જવામાં આવ્યા હતા. જો કે આ સમગ્ર હોબાળા વચ્ચે આખરે કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ ગૃહત્યાગ કર્યો હતો. જ્યારે બીજી બેઠકમાં કોંગ્રેસના દંડક અમીત ચાવડાની રજુઆતના પગલે  અધ્યક્ષે કોંગ્રેસના સભ્યોને ઠપકો આપી સસ્પેન્શન રદ કર્યુ હતું અને કોંગ્રેસના તમામ સભ્યોએ ગૃહની કાર્યવાહીમાં ભાગ લીધો હતો.
આજે વિધાનસભા ગૃહમાં કૃષિ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સરકારને ખેડૂતોના પ્રશ્ને આડે હાથે લીધી હતી એટલું જ નહીં કૃષિ વીમાના નામે ખેડૂતો સાથે છેતરપીંડી થતી હોવાનો આક્ષેપ કર્યો હતો. ટેકાના ભાવ બાબતે પમ સરકારને ભીંસમાં લેતા કોંગ્રેસના ધારાસભ્યોએ યુપીએ સરકાર વખતના અને વર્તમાન સરકારે જાહેર કરેલા ટેકાના ભાવોની સરખામણી કરી સરકાર ખેડૂત વિરોધી વલણ દાખવી રહી હોવાનું જણાવ્યું છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ડુપ્લીકેટ દૂધના નામે થતા વેપાર અંગે પણ સરકાર ઉપર ગંભીર આક્ષેપ મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, આ દૂધને લઇને બાળકોના ભાવિ સાથે ચેડા થઇ રહ્યા છે. સરકાર દ્વારા આની ઉપર તાત્કાલિક દરોડા પાડીને આવા લોકોને સજા કરવી જોઇએ તેવી માંગમી પણ કરી હતી. કોંગ્રેસના અન્ય સભ્યો દ્વારા ઉર્જાપ્રધાન સૌરભભાઇ પટેલને પડકાર પણ ફેંક્યો હતો કે, ખેડૂતોને રાતે વીજળી આપવામાં આવે છે ત્યારે આપ કોઇક વખત રાતે ખેડૂતોના ખેતરમાં જશો તો ખેડૂતોને શુ મુશ્કેલી પડે છે તેની ખબર પડશે.
કોંગ્રેસના વીરજી ઠુમ્મરને સસ્પેન્ડ કરવાના મામલે  કોંગ્રેસના ધારાસભ્યે ગૃહમાં દેકારો મચાવી દીધો હતો. એટલું જ નહિ ભાજપ તેરી દાદાગીરી નહીં ચલેગીના સૂત્રો  પોકારતા અધ્યક્ષની સામે વેલમાં ધસી  આવ્યા હતા જેથી અધ્યક્ષ દ્વારા વેલમાં આવેલા કોંગ્રેસના 28 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.આમ છતાં કોંગ્રેસના ધારાસભ્યો બહાર નહીં નીકળતા સાર્જન્ટો દ્વારા તેમને ટીંગાટોળી કરીને ગૃહની બહાર કાઢવામાં આવ્યા હતા.
દરમિયાન બપોરે બીજી બેઠક શરૂ થઇ ત્યારે કોંગ્રેસના દંડક અમીત ચાવડા દ્વારા સસ્પેન્ડ થયેલા ધારાસબ્યોને ગૃહમાં હાજર રાખવા વિનંતી કરી હતી, જે સામે ભાજપના સભ્યોએઁઁ વિરોધ ઉઠાવ્યો હતો. અધ્યક્ષ પણ સસ્પેન્ડ થયેલા સભ્યો ગૃહમાં હાજર ન રહી શકે અને આ અંગે પ્રશ્નોતરી કાળી પછી સાંભળવામાં આવેશે તેમ જણાવતા કોંગ્રેસના તમામ સભ્યે ગૃહ ત્યાગ કર્યો કર્યો હતો જ્યારે પ્રશ્નોતરી કાળ પૂર્ણ થયા બાદ ગૃહમાં પરત ફરેલા કોંગ્રેસના દંડક અમીત ચાવડાએ ફરી અધ્યક્ષને વિનંતી કરતા અધ્યક્ષે કોંગ્રેસના સભ્યોને ઠપકો આપીને સસ્પેન્ડ થયેલા કોંગ્રેસના ધારાસભ્યોનું સસ્પેન્શન રદ કર્યુ હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer