વેરાવળ-પોરબંદરના દરિયાકાંઠે એક નંબરનું ભયસૂચક સિગ્નલ

હવાના હળવા દબાણથી દરિયામાં જોખમની શકયતા
માછીમારોને સાવચેત રહેવા સૂચના: 48 કલાક માટે એલર્ટ
વેરાવળ, તા. 13: અરબી સમુદ્રનાં અંદરના વાતાવરણમાં છેલ્લા ચારેક દિવસથી પલટો આવ્યો છે જેના કારણે ઠંડા પવન ફુંકાઇ રહ્યો હોવાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકો ઠુંઠવાયા રહ્યા હોવાની સાથે ભારે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરમ્યાન આજે રાજયના ડીઝાસ્ટર મેનેજમેન્ટના સંદેશા મુજબ બપોરે ચારેક વાગ્યે વેરાવળ બંદર પર ભયસૂચક 1 નંબરનું સિગ્નલ ચડાવવામાં આવ્યું હોવાનું  જણાવ્યું છે.
હાલ દરીયામાં માછીમારીની સીઝન અંતિમ તબકકામાં છે અને અરબી સમુદ્રના વાતાવરણમાં આવેલ પલટાની અસર માછીમારીને થઇ રહી છે. જયારે બંદર પર સિગ્નલ ચડાવ્યા બાદ સ્થાનીક ફીશરીઝ કચેરીના અધિકારીઓ દ્વારા માછીમારોને હવે દરિયામાં ન જવાની સલાહ આપતો સંદેશો બોટ એસો.ના હોદેદારોને આપેલ છે સાથે હાલમાં જે બોટો દરીયામાં માછીમારી કરી રહી હોય તેને વાતાવરણ અનુકુળ ન લાગે તો નજીકના બંદરે લાંગરી જઇ સુરક્ષિત રહેવા પણ વાયરલેસ સંદેશો પાઠવવા બોટ એસો.ને સૂચના આપવામાં આવેલ હોવાનું ફીશરીઝ અધિકારી સાયાણીએ  જણાવેલ છે. જયારે હાલ દરીયામાં વેરાવળની 60 ટકા જેટલી બોટો ફીશીગ કરી રહી છે  માછીમારી કરી શકાય તેવુ વાતાવરણ છે પરંતુ આગામી એકાદ દિવસમાં વાતાવરણ બગડશે તો સુરક્ષિત સાથે એલર્ટ રહેવા જણાવવામાં આવેલ હોવાનું બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઇ ગોહેલે વાતચીતમાં જણાવેલ છે.
પોરબંદર : અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાતા પોરબંદરના બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે.
તિરૂવનંથપુરમથી સાઉથ વેસ્ટમાં 390 કી.મી. અને માલદીવથી નોર્થેસ્ટમાં 290 કી.મી. દુર હવાનું હળવું દબાણ અરબી સમુદ્રમાં સર્જાયું છે તેમ જણાવીને  પોરબંદરના બંદર વિભાગને હવામાન વિભાગ દ્વારા મળેલી ચેતવણી અનુસંધાને પોરબંદર બંદર ઉપર લોકલ એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. સમુદ્ર શાંત છે પરંતુ થોડો ઘણો પવન ફુંકાઇ રહ્યો હોવાથી આ સિગ્નલ લગાડવામાં આવ્યું છે અને તમામ એજન્સીઓને પણ તેની જાણ કરીને એલર્ટ રહેવા જણાવી દેવાયું છે.  એક નંબરના સિગ્નલનો અર્થ એવો થાય છે કે, હવા તોફાની અથવા સપાટીવાળી છે, વાવાઝોડું આવશે કે નહીં તે નકકી નથી તેની ચેતવણી આપતી આ નિશાની છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer