મુલતવી રખાયેલી રાજકોટ જિલ્લા ડેરીના ચેરમેનની શુક્રવારે ચૂંટણી

નારાજ ડાયરેક્ટરોને મનાવવા જયેશ રાદડિયા સાથે સુલેહ બેઠક યોજાઇ
રાજકોટ, તા. 13: રાજકોટ જિલ્લા ડેરીના ચેરમેનની ચૂંટણી આંતરકલેહને લીધે ગયા અઠવાડિયામાં મુલતવી રખાયા બાદ નવું મુહૂર્ત નીકળ્યું છે. હવે 16મી માર્ચના દિવસે ચૂંટણી યોજવા માટે ચૂંટણી અધિકારી એ.ટી. પટેલે પરિપત્ર જાહેર કરી દીધો છે.
ચેરમેનની કામગીરીથી નારાજ નવ જેટલા ડાયરેક્ટરોએ ભૂગર્ભમાં ઉતરી જઇને ગોવિંદભાઇ રાણપરીયાને બહુમતી ન મળે અને બેઠકથી વંચિત રહે તે માટે જોર બતાવ્યું હતુ. એ વખતે ગાંધીનગર સુધી દબાણ કરીને સહકારી અને ખાસ તો ભાજપના અગ્રણીઓએ ચૂંટણી મુલતવી રખાવી હતી. જોકે હવે સમાધાન થઇ ગયું છે.
ડેરીના સભ્યો વચ્ચે સુમેળ થાય એ માટે કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા સાથે અસંતુષ્ટોની બેઠક આજે યોજવામાં આવી હતી. એમાં નારાજ સભ્યોને મનાવવાના પૂરાં પ્રયત્નો કરાયા હતા. જોકે એ પછી નારાજ લોકોએ ડેરીની સાથે હોવાનું રટણ કરીને માની જતા ફરી ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. હવે 16મીએ સાંજેપાંચ વાગ્યે ડેરીની ચૂંટણી યોજાશે તે પ્રકારનો એજન્ડા જાહેર થયો છે.
ગોવિંદભાઇ રાણપરીયાની ટર્મને અઢી વર્ષ થઇ ગયા છે. વધારાની અઢી વર્ષની ટર્મ માટે ચૂંટણી થવાની છે. જોકે હવે નારાજ સભ્યો કે અન્ય કોઇ નવો મુદ્દો ઉપાડીને ચૂંટણીમાં ખેલ નાંખે નહી તો રાણપરીયાને બહુમતી મળી જશે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer