રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં ભીષણ આગ

રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં ભીષણ આગ
ગુજકોટે મગફળી માટે રાખેલો લાખો બારદાનનો જથ્થો બળીને ખાક: એક ડઝન ફાયર ફાઇટરો દ્વારા આગ બુઝાવવા મથામણ
 22 થી 25 લાખ બારદાન સળગી ગયાનો અંદાજ : 15 થી 17 કરોડના નુક્સાનની ભીતિ
રાજકોટ, તા. 13 : તાજેતરમાં ગોંડલમાં મગફળીના ગોદામમાં ભીષણ આગ લાગવાથી કરોડોનું નુક્સાન થયું હતુ. આવો જ કઇંક બનાવ રાજકોટના જૂના માર્કેટીંગ યાર્ડમાં બન્યો હતો. સદનસીબે આ વખતે એક મોટાં શેડમાં માત્ર મગફળી માટે અનામત રાખવામાં આવેલા એક લાખ કરતા વધારે બારદાનમાં આગ લાગી હતી. તમામ બારદાન સરકારની સંસ્થા ગુજકોટના હોવાનું બહાર આવ્યું છે. મોડેથી મળતા અહેવાલો પ્રમાણે બારદાનની સંખ્યા લગભગ 22થી 25 લાખ જેટલી હતી. તેની કિંમત 15 કરોડ જેટલી થઇ શકે છે. આ તમામ બારદાન કલકત્તાથી મગફળી માટે ખાસ આવ્યા હતા.
આગ બુઝાવવા માટે 10થી 12 જેટલા ફાયર ફાઇટરો સાંજે સાડા સાત વાગ્યાથી પાણીનો મારો ચલાવી રહ્યા હતા. આ લખાય છે ત્યાં સુધી રાત્રે નવ વાગ્યે પણ આગ કાબૂમાં આવી ન હતી. ઉલ્ટુ પાસે આવેલા બારદાનના બીજા શેડ સુધી ફેલાઇ ગઇ હતી.
સાંજે સાતેક વાગ્યે જૂના યાર્ડમાંથી કોઇ વ્યક્તિએ ફાયર બ્રિગેડને ફોન કરીને બારદાનમાં આગ લાગ્યાના ખબર આપ્યા હતા. એ પછી ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો દોડી ગયો હતો. જોકે આગ એટલી બધી વિકરાળ હતી કે ફાયર ફાઇટરો આગ બુઝાવવા માટે નજીક સુધી જઇ પણ શકતા ન હતા.
જૂના યાર્ડમાં લગભગ 500 મીટર લાંબા શેડમાં લાખોની સંખ્યામાં ગુજકોટ દ્વારા મગફળીની ખરીદી માટે બારદાનનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ શેડમાં આગ લાગી હતી. ગુજકોટ દ્વારા મગફળીની ખરીદી હવે બંધ કરી દેવામાં આવી છે. પરંતુ સૌરાષ્ટ્રભરમાં અહીંથી બારદાન પહોંચાડવામાં આવતા હતા એટલે યાર્ડમાં મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો.
ગુજકોટના કોઇ સ્થાનિક અધિકારી પ્રાપ્ત થયા ન હતા. પરંતુ યાર્ડના ચેરમેન ડી.કે. સખિયાએ કહ્યું હતુ કે, અમે સરકારની ચાર સંસ્થાઓને મગફળી ખરીદવા જગ્યા નિ:શુલ્ક આપી હતી. કેટલા બારદાન છે તે ગુજકોટને જ ખ્યાલ હશે. અમે કશું જાણતા નથી. પરંતુ આગને કારણે લગભગ તમામ બારદાન બળીને ખાક થઇ ગયા છે. આ અંગે હવે પોલીસ ફરિયાદ પણ થઇ શકે છે.
ઉલ્લેખનીય છેકે, જૂનું યાર્ડ વિશાળ છે અને આ શેડ આગળના ભાગમાં હતો. જ્યાં મગફળીની ખરીદી વખતે અગાઉ તોલ કરવામાં આવતો હતો. મગફળીની ખરીદી એક મહિનાથી બંધ છે એટલે માલનો જથ્થો ન હતો. પરંતુ બારદાન અહીંથી સપ્લાય થતા એટલે પડયા હતા. કેટલા અને કેટલી રકમના બારદાન હતા તે રહસ્ય મોડે સુધી અકબંધ હતુ. જૂના યાર્ડમાં આગ લાગી ત્યાં જે શેડ છે તેની આસપાસ વીજળીના કોઇ તાર નથી કે આસપાસ બીડી પીને પણ ફેંકી શકાય એવી સ્થિતિ નથી છતાં આગ કેવી રીતે લાગી એ સવાલ સૌમાં ચર્ચાઇ રહ્યો છે.
ગોંડલમાં જે રીતે આગ લાગી હતી એવું કોઇ કૃત્ય રાજકોટમાં પણ થયું નથી ને ? એવી વાતો વેપારીઓ અને લોકમુખે થઇ રહી છે. વળી, જ્યાં આગથી બારદાન બળી રહ્યા હતા ત્યાં બાજુમાં જ ગુજકોટની ઓફિસ આવેલી છે. જો ત્યાં સુધી આગ પહોંચે તો અગત્યના દસ્તાવેજો નાશ પામે તેવો ભય છે.
આગને લીધે જૂના યાર્ડમાંથી આગના લબકારા વચ્ચે ધૂમાડાંના ગોટેગોટાં નીકળી રહ્યા હતા. આગ જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. ખેતજણસને કોઇ નુક્સાન થયું નથી પણ લાખોના મૂલ્યના બારદાન બળી ગયા છે. આગ શા કારણે લાગી તે માટે પોલીસ મથામણ કરી રહી હતી.
અમરેલીના સાવરકુંડલા રોડ ઉપર આવેલા નગરપાલિકાના કમ્પોઝમાં ટીખળખોરોએ આગ લગાવતા ફાયર ફાઇટરોએ એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. બાજુમાં આવેલા ગુજકોમાસોલના મગફળીના ગોદામને પણ મોટી નુક્સાની થાય એવી શક્યતા હતી પણ તે બચી ગયું હતુ. 4 એકર જમીનમાં યાર્ડ શરું કરીને સૂકો ભીનો કચરો ઠાલવવામાં આવતો હતો.
----------
મગફળી કાંડના પુરાવાનો નાશ કરવાના કારસાની શંકા
રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં ભભૂકેલી ભીષણ આગઝપટમાં યાર્ડમાં આવેલી ગુજકોટની ઓફિસ પણ આવી ગઇ છે. તેના કારણે ગોંડલના રૂ. 28 કરોડના મગફળી કાંડના પુરાવાનો નાશ કરવાનો કારસો હોવાની શંકા વ્યક્ત થઇ રહી છે. આગ લાગી છે કે લગાડવામાં આવી છે તે એક તપાસનો વિષય છે.
--------
જૂનું યાર્ડ અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગયું છે
રાજકોટ ગોંડલ બાયપાસ પર આરટીઓ કચેરી પાસે આવેલું જૂનું માર્કેટિંગ યાર્ડ અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગયું છે. રાતના સમયે આ યાર્ડમાં દારૂ-જુગારની મહેફિલો થતી હોવાનું અને દેહનો વેપાર પણ થતો હોવાની ચર્ચા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer