મહુવામાં ડુંગળીના 90% ડિહાઇડ્રેશન પ્લાન્ટો બંધ

મહુવામાં ડુંગળીના 90% ડિહાઇડ્રેશન પ્લાન્ટો બંધ
વધુ પડતી ઉત્પાદન ક્ષમતાને લીધે સર્જાયો માલનો અતિશય બોજ : ફક્ત 15 થી 20 પ્લાન્ટ ચાલુ
     નિલય ઉપાધ્યાય
રાજકોટ, તા. 13: દેશમાં એકમાત્ર સૌરાષ્ટ્રના મહુવામાં ક્લસ્ટર તરીકે વિકસેલા ડિહાઇડ્રેશન ઉદ્યોગની સ્થિતિ જૂના માલબોજાને લીધે કથળી ગઇ છે. મહુવામાં ડુંગળી, લસણ અને શાકભાજીનું ડિહાઇડ્રેશન કરનારા પ્લાન્ટોની સંખ્યા 105 જેટલી છે પરંતુ એમાંથી માંડ 15-20 જેટલા પ્લાન્ટ જ ચાલુ છે ! ટૂંકમાં 90 ટકા પ્લાન્ટ બંધ પડયા છે.
ડિહાઇડ્રેશન ઉદ્યોગ મુખ્યત્વે મહુવામાં વિકસ્યો છે. એ સિવાય ગોંડલ અને જામનગરમાં ગણ્યા ગાંઠયા પ્લાન્ટસ છે. કેટલાક મહારાષ્ટ્રમાં છે. પણ મહુવા તો ક્લસ્ટર જેવું બની ગયું છે. ઓલ ઇન્ડિયા ડિહાઇડ્રેશન એસોસીએશનના પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઇ કોરડીયા કહે છે, ઉદ્યોગની સ્થિતિ ખૂબ જ ખરાબ છે એ વાતનો પુરાવો બંધ પડેલા પ્લાન્ટો છે. કુલ 107 જેટલા પ્લાન્ટ છે. એમાંથી પંદરેક પ્લાન્ટ નાણાકિય મુશ્કેલીઓને લીધે બંધ હતા. હવે બાકીના પ્લાન્ટસ વધુ પડાતા સ્ટોકને લીધે બંધ છે. પંદરેક પ્લાન્ટ ચાલે છે તેમાં ઉત્પાદન ધીમું ધીમું થાય છે.
સફેદ ડુંગળી 2016માં અને 2017માં સસ્તી મળતી હતી. બધા પ્લાન્ટ ચાલતા હતા. પરિણામે ઉત્પાદન માગ કરતા વધારે થઇ ગયું છે હવે માલબોજા હેઠળ ઉદ્યોગને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતુ. મહુવામાં માગ કરતા ક્ષમતા વધી ગઇ છે એટલે હવે અંદરો અંદર હરિફાઇ પણ ખૂબ વધી છે.
ડુંગળીનું ડિહાઇડ્રેશન જેટલું પણ બને છે તેમાંથી 90 ટકા કરતા વધારે નિકાસ થઇ જાય છે. દેશમાંથી વર્ષે 60 હજાર ટનની નિકાસ થતી હોય છે. એ સામે 80 હજાર ટનની આપણી સ્થાપિત ક્ષમતા છે. બે વર્ષથી વધુ પડતા ઉત્પાદનને લીધે સ્ટોક જમા થતો આવે છે. આ વર્ષે હવે 25 હજાર ટન જેટલો માલ કોલ્ડમાં પડતર હોવાનો અંદાજ છે.
હવે કદાચ પંદર કે વીસ યુનિટો ચાલુ રહે તો પણ આખી સિઝનમાં 25-30 હજાર ટન ડિહાઇડ્રેશન સહેલાઇથી ઉત્પાદન થઇ જાય તેમ છે. ભારતમાંથી યુરોપ અને રશિયામાં નિકાસ થતી હોય છે. એ રીતે નિકાસમાં ચીન, ઇજીપ્ત  અને અમેરિકા આપણા હરિફ છે. ત્યાંનો માલ આયાતકારોને સસ્તો પડે છે. ભારતમાંથી ડિહાઇડ્રેશનની નિકાસ ઉપર 10 ટકા જકાત લાગે છે. આયાતકાર દેશો ભારતમાંથી એ કારણે ઓછો માલ લઇ રહ્યા છે. ચીન-ઇજિપ્તથી ટ્રાન્સપોર્ટેશનમાં પણ તફાવત પડે છે તેમ વિઠ્ઠલભાઇ ઉમેરે છે.
અન્ય એક ડિહાઇડ્રેશન પ્લાન્ટના માલિક નામ નહીં લખવાની શરતે કહે છે, વિદેશી બાયરો ભારતમાં પાક અને સ્ટોકની સ્થિતિ જાણે છે એટલે પસંદગી પ્રમાણેના યુનિટો પાસેથી અને પોતાના ભાવથી માલ ખરીદે છે.
સૌરાષ્ટ્રમાં સફેદ ડુંગળીની આવક એક લાખ ગુણી જેટલી થાય છે. ડિહાઇડ્રેશન પ્લાન્ટોને પૂરો પડી જાય તેટલો પુરવઠો આવી રહ્યો છે પરંતુ પ્લાન્ટોની ખરીદી ધીમી છે. સફેદ ડુંગળી મણદીઠ રૂ. 80થી 130 સુધી વેચાય છે. ડુંગળીના ભાવ સાવ તળિયે છે. પ્લાન્ટો નિક્રીય સ્થિતિમાં છે એટલે સફેદ ડુંગળી સાવ સસ્તાંમાં વેચાય છે, ખેડૂતોને તેનાથી નુક્સાની છે.
10 ટકા જકાત દૂર કરવા માગ
ડિહાઇડ્રેશનની નિકાસ આડે 10 ટકા જકાત અવરોધરુપ છે તે દૂર કરવી જોઇએ એવી લાગણી ડિહાઇડ્રેશન પ્લાન્ટોએ વ્યક્ત કરી હતી. ડુંગળીના ભાવ એકતરફ ગબડી રહ્યા છે ત્યારે નિકાસને વેગ આપવા માટે જકાત રદ્દ કરાય તો લાભ થાય તેમ છે. ભારતમાંથી નિકાસ થોડી વધી પણ શકે છે. એ ઉપરાંત સરકારે જીએસટી પહેલા 7 ટકા નિકાસ પ્રોત્સાહન મળતું હતુ તે 3 ટકા થઇ ગયું છે તેની ટકાવારી વધારીને 7 કે 10 ટકા સુધી લઇ જવી જોઇએ આ મુદ્દે એસોસીએશન દ્વારા સરકારમાં રજૂઆત થઇ છે.
-------------
જૂનાગઢમાં તુવેરની ખરીદીના કોઇ ઠેકાણા નથી: ઓનલાઇન નોંધણી બંધ
જૂનાગઢ, તા. 13: રાજય સરકાર દ્વારા જૂનાગઢમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે નવા પીપળીયાની મંડળીને માન્યતા આપી છે. આ મંડળી દ્વારા આજે ત્રીજા દિવસે પણ ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતા કિસાનોમાં રોષ ભભૂકયો છે અને ઓફલાઇન રજિસ્ટ્રેશન સામે ગોટાળાની આશંકા વ્યકત કરાઇ છે. જૂનાગઢ યાર્ડમાં ગત સપ્તાહથી ટેકાના ભાવે તુવેરની ખરીદીની જાહેરાત થતા જ જિલ્લાના ખેડૂતો રજિસ્ટ્રેશન માટે ઉમટયા હતા. છેલ્લા બે દિવસમાં 2400થી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પરંતુ પાસવર્ડ ન મળતા ઓનલાઇન રજિસ્ટ્રેશન ન થતા ઓફલાઇન શરૂ કર્યુ છે. આ સામે   કિસાન સંઘ અને કિસાનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ઓફલાઇન રજિસ્ટ્રેશનમાં ગોટાળાની આશંકા વ્યકત કરવામાં આવી છે. કિસાનોના ટોળા ઉમટતા જિલ્લા કલેકટરની સુચના મુજબ જિલ્લા રજિસ્ટ્રાર ખરાડી યાર્ડ ખાતે દોડી ગયા હતા.
તેમણે જણાવ્યું કે, એજન્સીને હજુ પાસવર્ડ ન મળતા ઓનલાઇન રજિસ્ટ્રેશન થઇ શકતું નથી. ઓફલાઇન રજિસ્ટ્રેશન કરાય છે. તે સામે કિસાનોનો વિરોધ ઉઠયો છે. આ સ્થિતિમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી કયારે શરૂ થાય તે કહી શકાય નહીં તેમ જિલ્લા રજિસ્ટ્રારે  જણાવ્યું હતું.
આ મુદે્  કલેકટર  સરકારમાં ધ્યાન દોર્યુ છે. અને પાસવર્ડ સત્વરે રીલીઝ તથા ટેકાના ભાવે તુવેર ખરીદી શરૂ કરાવવા જણાવ્યું છે. પરંતુ બજેટ સત્ર ચાલતું હોય આ નિર્ણયમાં વિલંબની પુરી સંભાવના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ઓફલાઇન રજિસ્ટ્રેશનને કારણે અનેક કિસાનોને અન્યાય થયો છે. વંથલી તાલુકાના ધંધુસરના લક્ષ્મણભાઇ દિવરાણીયાએ વંથલીમાં શાપુર સેવા સહકારી મંડળી દ્વારા આવી રીતે ઓફલાઇન રજિસ્ટ્રેશનના કારણે આ ખેડૂતની મગફળી હજુ ખરીદાઇ નથી.
શાપુર સેવા સહકારી મંડળીએ ખરીદી બંધ કર્યા બાદ માણાવદરની મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી તેમાં અગાઉ નોંધાયેલા કિસાનોની બાદબાકી કરી નાખવામાં આવી છે. તેઓએ આક્ષેપ કર્યો કે, મંડળીઓ કમિશનથી કોઇપણ સમયે તેની મગફળીની ખરીદી કરતી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer