દેશ-વિદેશમાં 19 બેંકોમાં બચ્ચન દંપતીનાં ખાતાં

દેશ-વિદેશમાં 19 બેંકોમાં બચ્ચન દંપતીનાં ખાતાં
લખનૌ, તા. 11 : દેશ વિદેશમાં બચ્ચન દંપતીનાં 19 બેંક ખાતાઓ હોવાની મહત્ત્વપૂર્ણ માહિતી સપાટી પર આવી છે. રાજ્યસભાની ચૂંટણી હવે યોજાનાર છે ત્યારે આ પ્રકારની માહિતી જાહેર કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભા માટે બીજી એપ્રિલના દિવસે ખાલી થઇ રહેલી 10 સીટો પૈકી એક સીટ માટે શુક્રવારના દિવસે જયા બચ્ચને પણ ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ, કિરણમય નંદા અને સુબ્રત રોય પણ હાજર રહ્યા હતા.  વર્તમાન રાજ્યસભા સાંસદ જયા બચ્ચનની અવધિ બીજી એપ્રિલના દિવસે પૂર્ણ થઇ રહી છે. ચોથી વખત જયા બચ્ચને સમાજવાદી પાર્ટીમાંથી પોતાની ઉમેદવારી દાખલ કરી છે. હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમનાં પત્નિ જયા બચ્ચનનાં ખાતાં લંડન, ફ્રાન્સ, દુબઇ અને પેરિસ સહિત દેશ વિદેશમાં રહેલા છે. દેશ વિદેશમાં તેમના કુલ 19 બેંક ખાતાં છે. જેમાં ચાર બેંક ખાતાં જયા બચ્ચનનાં છે. જેમાં 6.84 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. જયાનું માત્ર એક ખાતું દેશની બહાર છે. જે એચએસબીસીનું બેંક ખાતું છે જે દુબઇમાં છે. જેમાં સૌથી વધારે 6.59 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચનનાં 15 બેંક ખાતાં રહેલાં છે. આ 15 બેંક ખાતામાં 47.47 કરોડ રૂપિયાથી વધારેની એફડી અને પૈસા જમા છે. અમિતાભના પૈસા અને એફડી મુંબઈ અને દિલ્હીની બેંકો ઉપરાંત બેંક ઓફ ઇન્ડિયાની પેરિસ શાખા, બેંક ઓફ બરોડાની લંડન શાખા અને બીએનપી ફ્રાન્સમાં પણ છે.  આ અંગેનો ખુલાસો જયા બચ્ચને શુક્રવારના દિવસે રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર દાખલ કરતી વેળા કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer