સૌરાષ્ટ્ર વિજય હઝારે ટ્રોફીના ફાઇનલમાં

સૌરાષ્ટ્ર વિજય હઝારે ટ્રોફીના ફાઇનલમાં
સેમિ ફાઇનલમાં આંધ્રપ્રદેશ સામે 59 રને જીત:
રવિન્દ્ર-અર્પિતની અર્ધ સદી: ધર્મેન્દ્રની 4 વિકેટ: 27મીએ કર્ણાટક સામે ફાઇનલમાં ટક્કર
નવી દિલ્હી, તા. 25: સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમ ઇતિહાસ રચીને એક દશકા બાદ વિજય હઝારે વન ડે ટ્રોફીના ફાઇનલમાં પહોંચી છે. આજે અહીંના ફિરોઝ શાહ કોટલા મેદાન પર રમાયેલા બીજા સેમિ ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રનો આંધ્રપ્રદેશ સામે 59 રને પ્રભાવશાળી વિજય થયો હતો. ફાઇનલમાં સૌરાષ્ટ્રની ટક્કર તા. 27મીએ કર્ણાટક સામે થશે. સૌરાષ્ટ્રની ટીમ આ પહેલા 2007-08ની સિઝનમાં વિજય હઝારે ટ્રોફીમાં ચેમ્પિયન બની હતી ત્યારે સૌરાષ્ટ્રે ફાઇનલમાં બંગાળને હાર આપી હતી.
આજે રમાયેલા સેમિ ફાઇનલમાં સૌરાષ્ટ્રના 255 રન સામે આંધ્રપ્રદેશની ટીમ 45.3 ઓવરમાં 196 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ટોસ જીતીને આંધ્રપ્રદેશના સુકાની હનુમા વિહારીએ સૌરાષ્ટ્રને દાવ આપ્યો હતો. સૌરાષ્ટ્ર તરફથી યુવા ઓપનર સમર્થ વ્યાસે 5 ચોક્કા, 1 છક્કાથી 46, રવિન્દ્ર જાડેજાએ 51 દડામાં 4 ચોક્કા, 1 છક્કાથી 56, અર્પિત વસાવડાએ 59 દડામાં 4 ચોક્કા અને 2 છક્કાથી 58 અને પ્રેરક માંકડે માત્ર 28 દડામાં 6 ચોક્કાથી 40 રન કર્યા હતા. આથી સૌરાષ્ટ્રની ટીમે ઓલ આઉટ થતાં પહેલા 49.1 ઓવરમાં 255 રનનો પકડારરૂપ સ્કોર કર્યો હતો.
256 રનના વિજય લક્ષ્યાંક સામે આંધ્રપ્રદેશની ટીમ સૌરાષ્ટ્રના બોલરો સામે ઘૂંટણિયે પડીને 45.3 ઓવરમાં 196 રનમાં ડૂલ થઇ ગઇ હતી. સૌરાષ્ટ્રના સ્ટાર સ્પિનર ધર્મેન્દ્ર જાડેજાએ 40 રનમાં 4 વિકેટ લીધી હતી. શૌર્ય સાંદિપાને 2 વિકેટ મળી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer