સિનેસૃષ્ટિમાં અમાસ!

સિનેસૃષ્ટિમાં અમાસ!
ભારતની પહેલી સુપરસ્ટાર હિરોઈનને હૃદયાઘાત જીવલેણ સાબિત થયો : 54 વર્ષનાં જીવનમાં 50 વર્ષ સુધી રૂપેરી પડદે ચમકતી રહેલી ચાંદનીની અણધારી જુદાઈથી બોલીવૂડ સ્તબ્ધ : પાર્થિવદેહ પહોંચે તે પહેલાં જ અંતિમ દર્શન માટે ઉમટી ભીડ

મુંબઈ, તા.2પ : પોતાનાં પ4 વર્ષનાં જીવનમાં પ0 વર્ષ જેટલો સમય તો કેમેરાની સામે અને ફિલ્મી પડદા ઉપર વિતાવનાર પહેલી સુપરસ્ટાર હિરોઈન શ્રીદેવીનાં ઓચિંતા, અકાળે અને અણધાર્યા અવસાનથી સમગ્ર ફિલ્મઉદ્યોગ અને બહોળા ચાહકગણ (તેનાં ફિલ્મનાં ટાઈટલ) ‘સદમા’ એટલે કે આઘાતની ઘેરી લાગણીમાં સરી ગયો છે. સમગ્ર દેશને દિગ્મૂઢ રાખી દેતા શ્રીદેવીએ શનિવારે મોડી રાત્રે હૃદયરોગનાં જીવલેણ હુમલા સાથે પોતાની જીવનયાત્રા પૂર્ણ કરીને અનંતની વાટ પકડી હતી અને આ સાથે જ દેશમાં શોકલહેર વ્યાપી ગઈ હતી. શ્રીદેવીનું મૃત્યુ શનિવારે રાત્રે દુબઈમાં થયું હતું અને આવતીકાલે સોમવારે તેનો પાર્થિવદેહ મુંબઈ પહોંચે તેવી સંભાવના છે. આવતીકાલે જ તેની અંતિમક્રિયા થશે.
શ્રીદેવી પોતાના પતિ અને ફિલ્મકાર બોની કપૂર અને નાની દીકરી ખુશી સાથે મોહિત મારવાહનાં લગ્ન સમારોહમાં હાજરી આપવાં માટે દુબઈ ગઈ હતી. આ પ્રસંગમાં હાજરી આપ્યા બાદ તે થોડા દિવસ દુબઈમાં જ ગાળવા ઈચ્છતી હોવાથી પરિવાર સાથે દુબઈમાં જ એમિરાત્સ ટાવર હોટેલમાં રોકાઈ હતી. જ્યા શનિવારે રાત્રે 11-11.30 કલાક આસપાસ તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવ્યો હતો અને બેભાન થઈને બાથરૂમમાં ઢળી પડી હતી.
કટોકટીનાં આ નાજૂક પળોમાં તેને તત્કાળ રાશિદ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબોએ શ્રીદેવીનાં પરિવાર અને બહોળા ચાહક સમુદાયને ઝટકો આપતાં તેમને મૃત ઘોષિત કરી હતી. આ દુ:ખદ સમાચારની ભારતમાં બોની કપૂરનાં પરિવારનાં અન્ય સભ્યોને જાણ કરવામાં આવતાં તેઓ તત્કાળ દુબઈ જવા રવાના થઈ ગયા હતાં. બીજીબાજુ દુબઈમાં તેમના પાર્થિવ દેહને તપાસાર્થે ફોરેન્સિક વિભાગને મોકલી દેવામાં આવ્યો હતો. આ તમામ પ્રક્રિયામાં ભારતીય દૂતાવાસ દ્વારા બોની કપૂર અને તેનાં પરિવારને તમામ મદદ પૂરી પાડવામાં આવી હતી. ફોરેન્સિક તપાસ બાદ મૃત્યુનું પ્રમાણપત્ર આપવામાં આવ્યા બાદ તેનાં નશ્વરદેહને ભારત પરત લાવવા માટે રવાનાં કરવામાં આવશે. મુંબઈથી બપોરે 1 વાગ્યે એક અંબાણી પરિવારનું વિમાન પાર્થિવદેહ લાવવા માટે રવાના થયું હતું. જે સાંજે ચારેક વાગ્યા આસપાસ દુબઈ પહોંચ્યું હતું. જોકે, કાનૂની પ્રક્રિયામાં વિલંબ થતાં શ્રીદેવીનો મૃતદેહ સોમવારે વહેલી સવારે મુંબઈ પહોંચે તેવી સંભાવના છે.
તેનો મૃતદેહ નિવાસે પહોંચે તે પહેલાં જ ત્યાં હજારો ચાહકો ઉપરાંત બોલીવૂડની ખ્યાતનામ હસ્તીઓ, પારીવારિક મિત્રો અને પરિવારજનો ત્યાં બહોળી સંખ્યામાં પહોંચી ગયા હતાં. અંતિમ દર્શનાર્થે મોટા પ્રમાણમાં ફિલ્મજગતનાં શ્રેષ્ઠીઓ ઉમટી પડયા હતાં અને શ્રીદેવીની ઓચિંતી અલવિદાથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી. જોકે, મોડી સાંજે પાર્થિવદેહ મુંબઈ પહોંચી શક્યો ન હોવાનાં કારણે કપૂર પરિવારે અંતિમક્રિયા આવતીકાલે નિર્ધારિત કરી છે. સોમવારે સાંતાક્રુઝ સ્મશાનગૃહમાં દાહસંસ્કારની વિધિ કરવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે.
1963માં જન્મેલી શ્રીદેવીએ 1967 એટલે કે માત્ર ચાર વર્ષની બાળવયે ફિલ્મી કારકીર્દિ શરૂ કરી દીધી હતી અને પ0 વર્ષ સુધી આ ફિલ્મ અને અભિનયયાત્રા અવિરત ચાલુ રહી હતી. બાળ કલાકારથી માંડીને છેલ્લો મોમ ફિલ્મમાં માતાની ભૂમિકા નિભાવનાર શ્રીદેવીએ દક્ષિણ અને હિન્દીની કુલ મળીને 301 ફિલ્મોમાં કામ કરેલું છે. તેની અંતિમ ફિલ્મ ઝીરો હવે પછી રજૂ થશે. તેના અવસાનનાં સમાચાર ભારતમાં ફરી વળતાં જ વિભિન્નક્ષેત્રનાં મહાનુભાવોએ મીડિયા અને સોશિયલ મીડિયાનાં માધ્યમમાં ઘેરો શોક પ્રગટ કરવાં સાથે અંજલિઓ અર્પણ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer