નવા ભારતના નિર્માણ માટે સુરતે રાહ ચિંધી: નરેન્દ્ર મોદી

નવા ભારતના નિર્માણ માટે સુરતે રાહ ચિંધી: નરેન્દ્ર મોદી
સુરતમાં રન ફોર ન્યુ ઇન્ડિયા નાઇટ મેરેથોનને
ફલેગ ઓફ આપ્યું : 1 લાખ લોકોએ લીધો ભાગ
ખ્યાતિ જોશી
સુરત, તા.25: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે સુરતમાં રન ફોર ન્યુ ઇન્ડિયા નાઇટ મેરેથોનને ફલેગ ઓફ આપતા કહ્યું હતું કે, સુરતની નવા ભારત માટેની દોડની પહેલ દેશને આગળ વધવા માટે નવી રાહ દેખાડનારી સાબિત થશે. તેમણે કહ્યું કે, સામાન્ય રીતે મેરેથોન જેવા કાર્યક્રમો ચેરિટી માટે થતાં હોય છે, પરંતુ સુરતે સાબિત કરી દેખાડયું છે કે કાંઇક અનોખું કરવાનો સંકલ્પ સુરતીઓ ધરાવે છે અને તેને પૂર્ણ કરે છે. આ મેરેથોનમાં 1 લાખ લોકો દોડયા હતાં.
એક લાખથી વધુ લોકોએ શહેરમાં આયોજિત ન્યુ ભારત માટેની નાઈટ મેરેથોનમાં ભાગ લઈને અનોખો ઉત્સાહ દર્શાવ્યો હતો. વડાપ્રધાનનાં સુરત આગમનના પગલે સુરતને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું.
સવા કલાકની ટૂંકી મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ મેરેથોનમાં ભાગ લેનારાઓનો ઉત્સાહ વધાર્યો હતો. વડાપ્રધાને મેરેથોનમાં ભાગ લેનાર દોડવીરોને સંબોધતા કહ્યું હતું કે, વર્ષ 2022માં દેશને આઝાદી મળ્યાનાં 75 વર્ષ પૂરાં થવા જઈ રહ્યાં છે, એવામાં નવા ભારતનાં નિર્માણમાં દેશના દરેક નાગરિકે આગળ વધવાની પહેલ કરવાની જરૂર છે. સુરતે આ માટે પ્રસ્થાન કર્યું છે. દેશનાં 125 કરોડ લોકો ખંભે-ખંભા મીલાવીને આગળ વધે તો કોઈ મુશ્ઁકલી આવશે નહિ.
વડાપ્રધાને આજે તેનાં સંબોધનમાં સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા. 31મી ઓક્ટોબરે સુરતીઓને રન ફોર યુનિટી યોજીને રેકોર્ડ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. વડાપ્રધાન મોદીએ આજે મહાત્મા ગાંધીની ક્વીટ ઇન્ડિયા મુવમેન્ટને યાદ કરી હતી. એક સમયે દેશને આઝાદી માટે દેશના તમામ લોકો એક થઈને અંગ્રેજો ભારત છોડો આંદોલન ચલાવ્યું હતું. જેને પગલે ભારતને આઝાદી મળી અને આજે હવે દેશને ગંદકી, ભ્રષ્ટાચાર, બીમારી મુક્ત કરવા માટે મુવમેન્ટ કરવાની જરૂરિયાત છે. આ માટે દેશનાં દરેક નાગરિકે સાથ અને સહકારથી આગળ વધવાની જરૂરિયાત છે.
આવતાં સપ્તાહે હોળીનો તહેવાર આવી રહ્યો છે. સુરતમાં વસતા લાખો ઉત્તર ભારતવાસીઓ અને સુરતીઓને એડવાન્સમાં હોળીની શુભેચ્છા વડાપ્રધાન મોદીએ આપી હતી. વડાપ્રધાન મોદીએ પોતાનાં આગવા અંદાજમાં કહ્યું હતું કે, સુરત ધારે તે કરવા સક્ષમ છે. આ લોકોની ઈચ્છાશક્તિ જ દર્શાવે છે કે, એક વખત તમે જીવનમાં કંઈક અનોખું કરવાનો સંકલ્પ કરો તો તેનાં ફળ અવશ્ય મળે છે.
25 મિનિટનાં ટૂંકા ભાષણમાં વડાપ્રધાન મોદીએ સુરતવાસીઓ અને દોડવીરોને શુભેચ્છા આપી દેશનાં નવા નિર્માણની વાત કરી હતી. રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતીનભાઈ પટેલ, સાંસદ દર્શના જરદોશ, સીઆર પાટીલ, ધારાસભ્ય હર્ષ સંઘવી, કુમારભાઈ કાનાણી, ઈશ્વરભાઈ પરમાર, મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer