‘કટ્ટર હિંદુત્વ એટલે કટ્ટર ઉદારતા’

‘કટ્ટર હિંદુત્વ એટલે કટ્ટર ઉદારતા’
મેરઠ, તા. 25 : ક્રાંતિકારીઓની ધરતી મેરઠમાં આજે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના ત્રણ લાખ સ્વયંસેવકોની હાજરીથી ભગવા રંગે રંગાઈ હતી. આરએસએસના રાષ્ટ્રોદય કાર્યક્રમમાં ભાગ લેવા માટે વ્હેલી સવારથી જ મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો મેરઠમાં ઉમટવા લાગ્યા હતા. રાષ્ટ્રોદય કાર્યક્રમમાં સંબોધન કરતા સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે, કાર્યક્રમમાં શક્તિપ્રદર્શન નથી થયું પણ શક્તિ માપવામાં આવી છે. આ ઉપરાંત અમુક શક્તિઓ સામે ભારતને એકસંપ બતાવવાની જરૂરીયાત વ્યક્ત કરી હતી. ભાગવતે કટ્ટર શબ્દનો અર્થ પરિભાષિત કરતા કહ્યું હતું કે, કટ્ટર હિંદુત્વનો અર્થ કટ્ટર ઉદારતા થાય છે.
મોહન ભાગવતે સંઘના સ્વયંસેવકોને સંબોધન કરતા કહ્યું હતું કે, ભારતમાં  લોકોના ભોજન, ભાષા, સંપ્રદાય, પુજા પદ્ધતિ અને પંથ અલગ-અલગ હોવા છતા પણ તમામ લોકોનું અસ્તિત્વ અને ધર્મ એક છે. તમામ લોકો  વિવિધતાને ધ્યાને રાખે છે. પણ વિવિધતા જ એકતા છે એ મુળ સત્ય છે. વધુમાં ભાગવતે ઉમેર્યું હતું કે, ત્યાગ  અને સંયમ જેવા મુલ્યો કોઈ એક પુજા કે સંપ્રદાયના ન હોઈ શકે. ભાગવતે કટ્ટર શબ્દનો અર્થ સમજાવતા કહ્યું હતું કે, હિંદુ કટ્ટરતાનો અર્થ કટ્ટર અહિંસા અને કટ્ટર ઉદારતાથી જોડાયેલો છે. ભાગવતે એમ પણ કહ્યું હતું કે, ભારત હિંદુઓનું ઘર છે અને આ દેશમાં હિંદુઓ જવાબદાર લોકો છે. જો કે અત્યારે લોકો પોતાને ભુલી ગયા છે અને જાતિના નામે લડી રહ્યા છે. આ ઝઘડામાં દુનિયા પોતાનો લાભ મેળવી રહી છે.
આ સમગ્ર આયોજનમાં અમુક નામી નેતાઓ પણ સંઘના કાર્યકર્તાના રૂપમાં આવી પહોંચ્યા હતા અને રાષ્ટ્રોદય કાર્યક્રમમાં વીઆઈપી તૈયારીઓના કોઈ અણસાર જોવા મળ્યા નહોતા. તમામ લોકો એક સામાન્ય કાર્યકર તરીકે સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મહેશ શર્મા, વિદેશ રાજ્યમંત્રી વી.કે. સિંહ મંત્રી સુરેશ રાણા, ઉપમા જયસ્વાલ, ધર્મ સિંહ સૈની, સાંસદ યશવંત સિંહ, રાજેન્દ્ર અગ્રવાલ ઉપરાંત વિધાયકો સંઘના ગણવેશમાં આવી પહોંચ્યા હતા. આ દરમિયાન સુરેશ રાણાએ કહ્યું હતું કે, તેઓ મંત્રી તરીકે નહી પણ એક સમાન્ય કાર્યકર તરીકે કાર્યક્રમમાં આવ્યા છે. મેરઠમાં આવતા કાર્યકર્તાઓનું મુસ્લિમો દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા કાર્યકર્તાઓ ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer