જામનગરમાં અજાણ્યા યુવાનની લાશ મળી

ટ્રેન અડફેટે આવતા અલીઆના પ્રૌઢનું મૃત્યુ

જામનગર, તા.25: જામનગરમાં ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કેદી વોર્ડ પાછળથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ટ્રેન હડફેટે મૃત્યુ: અલીઆ ગામે રહેતા કેશુભાઈ સોમાભાઈ પરમાર (ઉ.58) નેવી મોડા ગામે રૂપારેલ નદીના પુલ પાસે રેલવે ટ્રેક ઉપર કામ કરતા હતા ત્યારે ટ્રેઈનની ઠોકર લાગતા ગંભીર ઈજાના કારણે તેમનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજયું હતું.
અપહરણ: જામનગરમાં સાધના કોલોનીમાં રહેતો રમેશ સુરેશભાઈ પરમાર (ઉ.21) સંગમ બાગ પાસે પોતાનું મોટર સાઈકલ પાર્ક કરતો હતો ત્યારે ઈકુડો સહિત ચાર શખસો આવ્યા હતા અને બળજબરીપૂર્વક મોટરકારમાં બેસાડી અપહરણ કરી સાંઈબાબાના મંદિર પાસે લઈ ગયાં હતા અને મારકૂટ કરી મારી નાખવાની ધમકી આપી હતી.
સંગમ બાગ પાસે વાહન પાર્ક કરવાની બાબતે અગાઉ રમેશ અને ઈકુડો વચ્ચે બોલાચાલી થઈ હતી જે મન દુ:ખના કારણે રમેશનું અપહરણ કરી મારકૂટ કર્યાનું પોલીસે જણાવ્યું હતું.
અપહરણ: મયૂરનગરમાં રહેતા ભગવાનજીભાઈ શર્માએ પોતાની 16 વર્ષની સગીર પુત્રીનું તા.15ના રોજ અજાણ્યો શખસ અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવી છે.

ટ્રાવેલ્સની ઓફીસમાં 25 હજારની ચોરી
ખંભાળિયા ગેઇટ નજીક પોલીસ ચોકી સામે ભગવતી ટ્રાવેલ્સની ઓફીસના દરવાજાના નકુચા તોડી કોઇ તસ્કરો અંદર પ્રવેશ્યાં હતા અને ટેબલના ખાનામાંથી રૂા.25 હજારની રોકડ રકમની ચોરી કરી ગયા હતા. આ ચોરી અંગે જયેશ કિશોરભાઇ ત્રિવેદીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
રામેશ્વરનગરમાં રહેતા દર્શિક ભગવાનજીભાઇ ધોકિયાએ હાલાર હાઉસ પાસે રાખેલા પોતાના મોટર સાઇકલની કોઇ તસ્કર ઉઠાંતરી કરી ગયાની ફરિયાદ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer