સાયલાના લીંગાડાના આચાર્યને જાળમાં ફસાવીને પૈસા પડાવવા અંગે લલના-સાગરિત પકડાયા


સુરેન્દ્રનગર, તા.25: સાયલા તાલુકાના લીંગાડા ગામની શાળાના આચાર્ય ઓધવદાસ પુરણદાસ દાણીધારિયાને લલનાની મોહજાળમાં ફસાવીને રૂ. 71 હજારની મત્તા પડાવી લેવા અંગે બોટાદના ઝમરાળા ગામની કાઠી મહિલા જયા ભરતભાઇ ખાચર અને સિદ્ધાંત ઉર્ફે લાલુ રમેશભાઇ પરમારને પોલીસે ઝડપી લઇને રૂ. 40 હજારની રોકડ રકમ અને એટીએમ કાર્ડ કબજે કર્યા હતા. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા સૂત્રધાર સૌકા ગામના મયુરસિંહ ઝાલા, રવિરાજસિંહ ઝાલા અને એક અજાણ્યા શખસને ઝડપી લેવા તજવીજ ચાલે છે.
મૂળ વીંછિયાના ગોરૈયા ગામના વતની અને લીંગાડાગામની શાળાના આચાર્ય ઓધવદાસ દાણીધારિયાના મોબાઇલ ફોન પર એક ફોન આવ્યો હતો. ફોન કરનાર મહિલાએ મીઠી મીઠી વાતો કરીને આચાર્યને જાળમાં ફસાવ્યા હતા. બાદમાં લીંબડી હાઇ-વે પર બોલાવીને એક કારમાં જુદા જુદા સ્થળે લઇ જઇને કપડાં ઉતરાવીને વીડિયો ઉતારી બદનામ કરવાની ધમકી આપીને ધોકાથી માર મારીને રૂ. 10 લાખની ખંડણી માગવામાં આવી હતી. બાદમાં આચાર્ય પાસે રૂ.50 હજારનો ચેઇન, રૂ.20 હજાર રોકડ રકમ અને કારમાં પેટ્રોલ પુરાવી કુલ રૂ. 71 હજારની મત્તા પડાવી લેવામાં આવી હતી. આ અંગે લીંબડીના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની સમજાવટ બાદ પોલીસમાં ફરિયાદ થઇ હતી. આ બનાવ અંગે લીંબડીના પીએસઆઇ પ્રમોદસિંહ જાડેજા અને તેના સ્ટાફના જે.ડી.  મહિડા, જે.એસ.ડેલા, કે.કે.કલોતરા, ભરતભાઇ, હંસાબહેન અને સોનલબહેન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન મૂળ બોટાદના ઝમરાળા ગામની વતની અને હાલ થાનગઢ ખાતે રહેતી કાઠી જયા ભરતભાઇ ખાચર સંડોવાયાની વિગતના આધારે તેને ઝડપી લેવામાં આવી હતી. પોલીસની પૂછપરછમાં જયાએ આ ગુનાનો સૂત્રધાર સૌકાનો મયુરસિંહ ઝાલા હોવાનું અને તેની સાથે રવિરાજસિંહ ઝાલા, બોટાદનો સિદ્ધાંત ઉર્ફે લાલુ રમેશભાઇ પરમાર વગેરે સંડોવાયાની કબૂલાત આપી હતી. આ માહિતીના આધારે સિદ્ધાંત પરમારને પકડી પાડવામાં આવ્યો હતો. આ બંને પાસેથી રૂ.40 હજારની રોકડ રકમ અને એટીએમ કાર્ડ કબજે કરાયાં હતાં. મયુરસિંહ ઝાલા સહિત ત્રણને પકડી પાડવા પ્રયાસ ચાલે છે. આ ટોળકીએ આ રીતે અન્ય કેટલા લોકો પાસેથી પૈસા પડાવ્યા છે? ગેંગ સાથે કોણ કોણ સંડોવાયું છે ? નાસી ગયેલા મયુરસિંહ ઝાલા અને રવિરાજસિંહ ઝાલા ક્યાં છુપાયા છે ? તેના સહિતની માહિતી મેળવવા પ્રયાસ ચાલે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer