કારખાનાના શટર કાપી ચોરી કરતી બેલડી ઝડપાઇ

કારખાનાના શટર કાપી ચોરી કરતી બેલડી ઝડપાઇ
વાહનની ચોરી કરીને ઉઠાંતરી કરવા જતાં’તાં: 11 ગુનાનો ભેદ ઉકેલાયો
રાજકોટ, તા. 21: ઔદ્યોગિક વસાહતમાં કારખાનાના શટર કાપીને કોપર વાયર સહિતના મુદ્દામાલની ચોરી કરતા બે શખસને પોલીસે ઝડપી લીધા હતાં. આ બન્ને શખસ વાહનની ચોરી કરીને ઉઠાંતરી કરવા જતાં હતાં. બન્ને 11 ગુનાની કબુલાત આપી હતી અને તેની પાસેથી ચોરાઉ વાહન, કોપરવાયરના રીલ મળી કુલ રૂ. 13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અગાઉ ચોરી અને લૂંટના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલો મૂળ વલસાડનો વતની અને હાલ રણુજા મંદિરની પાછળ ગોકુલ સોસાયટીમાં રહેતો અજય જગદીશભાઇ નાયકા નામનો શખસ તેના સાગરીત સાથે કોઠારિયા ચોકડીએ ઉભો હોવાની ચોકકસ બાતમી ક્રાઇમ બ્રાંચ વિક્રમ લોખીલ, અમીન ભલુર અને ચેતનસિંહ ચુડાસમાને મળી હતી. આ હકિકતના આધારે બ્રાંચના ઇન્સ. એચ.એમ.ગઢવીના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ. મહાવીરસિંહ.બી.જાડેજા અને પીસીબીના ઇન્ચાર્જ  વનરાજસિંહ જાડેજા વગેરે કોઠારિયા ચોકડીએ પહોંચી ગયા હતાં અને અજય નાયકા અને તેની સાથે રહેલા મૂળ ધ્રોલના વતની અને હાલ મેટોડામાં રહેતા પ્રફુલ્લ ઉર્ફે શંકર માધવજીભાઇ શ્રીમાળીને ઝડપી લીધા હતાં.  પોલીસની આગવી ઢબની પુછપરછમાં આ બન્નેએ  ગોંડલ રોડ પરના ટીવીએસના શો રૂમમાંથી નવુ નકોર જયુપીટર, અટીકા વિસ્તારમાં પાનની દુકાનમાંથી એલઇડી ટીવી, હોમથિયેટર, ફોરચ્યુન કારખાનામાંથી રૂ. 6.72 લાખના કોપર વાયરના રીલ,વાવડીના એન.જે.એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાંથી રૂ. 1.60 લાખની બ્રાસ પાર્ટની રીંગ્સ,વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી છોટાહાથી, ગીરીરાજ ઇન્ડસ્ટ્રીઝમાંથી રૂ.1.40 લાખનો કોપર વાયર, તિરૂપતિ બાલાજી પાર્ક અને શિવધારા સોસાયટીમાંથી બે ઇકો કાર, અટીકા ફાટક અને કોઠારિયા સોલવન્ટ પાસેથી બે છોટા હાથીની ચોરી કરી હતી. એ બન્નેઅ ઁવધુમાં એવું જણાવ્યું હતું કે, તેઓ છોટા હાથીની ઉઠાંતરી કરીને ગ્રાઇન્ડર સહિતના સાધનો લઇને રાતના સમયે ઔદ્યોગિક વસાહતમાં જતા અને ગ્રાઇન્ડરની કારખાનાના શટર કાપીને કોપર વાયર વગેરેની ચોરી કરીને વાહનમાં ભરીને જતા રહેતા હતાં. બાદમાં ચોરાઉ વાહન રેઢા મૂકી દેતા હતાં. ચોરીના ભેદ ઉકેલાયાની વિગતો આપતા ક્રાઇમ બ્રાંચના ઇન્સ. ગઢવીએ જણાવ્યું હતું કે, અજય નાયકા અગાઉ લૂંટ અને ચોરીના છ ગુનામાં પકડાઇ ચુકયો છે. જયારે પ્રફુલ્લ શ્રીમાળી  અપહરણ અને બળાત્કારના ગુનામાં જેલની હવા ખાઇ આવ્યો છે. આ બન્નેએ ટીવીએસના શો રૂમમાંથી જયુપીટર સ્કૂટરની ચોરી કરી હતી. શો રૂમના પ્રથમ માળેથી દોરડાથી સ્કૂટર નીચે ઉતારીને ચોરી કરી હતી. શો રૂમના સંચાલકને એ ચોરીની કોઇ જાણ જ ન હતી. તેને ત્યાથી સ્કૂટરની ચોરી થયાની જાણ કરતાં સ્ટોકની ગણતરી કરી હતી. એ પછી તેને સ્કૂટરની ચોરી થયાની જાણ થઇ હતી. આ બેલડી પાસેથી સ્કૂટર, બ્રાસપાર્ટની રીંગ્સ, કોપરવાયરના 19 રીલ,ગ્રાઇન્ડર મશીન, ઇકો કાર, ટીવી અને હોમ થિયેટર મળી કુલ રૂ. 13 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer