આમ્રપાલી ફાટકે હવે અંડરબ્રિજ જ બનશે ને ?

આમ્રપાલી ફાટકે હવે અંડરબ્રિજ જ બનશે ને ?
બે-બે વાર જાહેરાત પણ થશે ક્યારે ?
ઓવરબ્રિજ બનાવવો કે અંડરબ્રિજ, મનપા છેક સુધી નક્કી કરી ન શક્યું ને જોતજોતામાં એક વર્ષ વીતી ગયું !
જનકસિંહ ઝાલા
રાજકોટ, તા.21 : ગુજરાત વિધાનસભામાં ગઈકાલે નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલે વર્ષ 2018-19નું બજેટ રજૂ કર્યુ જેમાં રંગીલા રાજકોટ માટે કેટલીક ખાસ જાહેરાતો કરવામાં આવી હતી જે પૈકીની શહેરના રૈયારોડ પર આમ્રપાલી ફાટક પાસે બ્રિજ બનાવવા માટેની જાહેરાત બીજી વખત કરવામાં આવી છે. બે-બે વખત જાહેરાતો કરવા છતાં આજદિન સુધી આ બ્રિજ કાગળો વચ્ચે જ અટવાયેલો રહ્યો છે ત્યારે હવે ખરેખર આ બ્રિજ બનશે કે કેમ ? તેવા સવાલો લોકમુખે ઉઠવા     પામ્યાં છે.
નાણાપ્રધાને આ વખતે રૈયારોડ આમ્રપાલી ફાટક પાસે અંડરબ્રિજ બનાવવાની જાહેરાત કરી છે અને તેના માટે રૂા.20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એ જ નીતિનભાઈએ અગાઉના બજેટમાં અહીં ફ્લાઈઓવર બનાવવાની જાહેરાત કરી હતી. હકીકતમાં આ સ્થળે અંડરબ્રિજ બનાવવો કે ઓવરબ્રિજ તે આજદિન સુધી ન તો મનપાના અધિકારીઓ કે ન તો પદાધિકારીઓ નક્કી કરી શક્યાં નથી.
એકાદ વર્ષ પૂર્વે  રૈયા રોડ પરથી પસાર થતા વાહનોનો મ્યુનિ.તંત્રએ સર્વે પણ હાથ ધર્યો હતો. એ સમયે આ રોડ પરથી રોજના 18716 વાહનો પસાર થતા હોવાનું બહાર આવ્યું હતું જેની સંખ્યા હાલ 20થી 22 હજાર વચ્ચે છે. આ ઉપરાંત દિવસ દરમિયાન ટ્રેનોને લીધે રૈયાફાટક 18 થી 20 વખત બંધ થતું હોવાનું અને તેનો કુલ સમયગાળો આશરે સાડા ચાર કલાકનો થતો હોવાનું મ્યુનિ.પદાધિકારીઓએ જણાવ્યું હતું. જે તે સમયે બ્રિજની ડિઝાઈન પણ ફાઈનલ થઈ ગઈ હતી, ટ્રાફિક પોલીસના અભિપ્રાય પણ મેળવી લેવાયાં હતાં.
એક તબક્કે પોણા કિલોમીટરના આ ઓવરબ્રિજના નિર્માણ માટે આમ્રપાલીથી લઈને પાટા સુધી (ખોડિયાર ડેરી ફાર્મ) સુધી બ્રિજ ‘સ્લોપ’ એટલે કે ઢાળ તેમજ ત્યાંથી કિશાનપરા ચોક સુધી સમતલ અને કિશાનપરા ચોકથી લાઈબ્રેરી સુધી ‘ટેબલલેન્ડ’ અને ત્યાંથી છેક પટેલ આઈક્રીમ સુધી ઉતરતો ઢાળ જેવી ડિઝાઈન નક્કી કરવામાં આવી પરંતુ તંત્રને છેલ્લે ખબર પડી કે, ફ્લાઈઓવર બનશે તો રેસકોર્સની સુંદરતા હંમેશા માટે નેસ્તનાબૂદ થઈ જશે. આથી ફરી ડિઝાઈન ફેરફાર કરાયો પરંતુ તેમ છતાં રેસકોર્સ કપાતમાં જ આવતું હતું.
અધુરામાં પુરુ એ અરસામાં મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાનીએ અહીં અંડરબ્રિજ બનાવવાની શક્યતા જાહેર કરી. આમ આમ્રપાલી ફાટકે ઓવરબ્રિજ કરવો કે અંડરબ્રિજ તેને લઈને ખુદ મ્યુનિ.તંત્ર પોતે અનિશ્ચિત હતું અને જોતજોતામાં વર્ષ પૂર્ણ થઈ ગયું. હવે ફરી આ બ્રિજ નિર્માણ માટે રાજ્ય સરકારે સત્તાવાર જાહેરાત કરી ગ્રાન્ટ ફાળવી છે. એ વાત અલગ છે અગાઉ ફ્લાયઓવર માટે રૂા.39 કરોડ આસપાસ ખર્ચની જોગવાઈ હતી જે આ વખતે અંડરબ્રિજ નિર્માણને લીધે રૂા.20 કરોડ થઈ ચૂકી છે ત્યારે હવે સવાલ થાય છે કે, ખરેખર આ વખતે અહીં અંડરબ્રિજ બનશે ખરો ? કે પછી આવતા વર્ષે આ પ્રોજેક્ટની જાહેરાત પોતાની હેટ્રીક લગાવશે ?

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer