ચર્ચાસ્પદ બનેલા ફાયરિંગ પ્રકરણમાં કાનૂન ધર્મસંકટમાં

ચર્ચાસ્પદ બનેલા ફાયરિંગ પ્રકરણમાં કાનૂન ધર્મસંકટમાં

ભૂગર્ભમાં ઉતરી ગયેલા બાહુબલીઓને હાજર થવા પોલીસનો આંતર્નાદ
રાજકોટ, તા.ર1 : રાજકોટમાં અને ખાસ કરીને રાજકીય આલમમાં ચર્ચાસ્પદ બનેલા પેડક રોડ પરના ફાયરીંગ પ્રકરણમાં અઠવાડીયાથી વધુ સમય થવા છતાં ગંભીર ગુનામાં સંડોવાયેલા એક પણ શખસના સગડ નહી મળતા ગમે તેવા ગંભીર ગુનાઓના ભેદ ઉકેલી નાખવા માટે સક્ષમ અને ગમે તેવા શાર્પશુટરથી માંડી શાતીર ગુનેગારોને ઝડપી લેવામા માહીર ગણાતી રાજકોટ પોલીસની કામગીરી સંદર્ભે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. તર્કવિતર્કો પણ થઈ રહ્યા છે.
આ ચર્ચાસ્પદ બનેલા બનાવ અંગેની વિગત એવી છે કે પેડક રોડ પર ઉદય કારગો અને એમ.વિઠલદાસ નામે પેઢી ધરાવતા પ્રદિપ મંગળભાઈ પટેલ નામના યુવાન ઉપર કચરો ફેંકવા જેવી નજીવી બાબતે અગાઉ આ જ વિસ્તારમાં માથાકુટ કરનાર અને પોલીસ ચોપડે ચડી ચુકેલા અને ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો ભાઈ સુરેશ રૈયાણી તેમજ પોલીસ ચોપડે ચડી ચુકેલા અને પોલીસ અધિકારીઓ સાથે ઘનીષ્ઠ સંબંધો ધરાવતા ભરવાડ ભુપત વિરમ બાબુતર તથા શૈલેષ તેમજ તેની સાથેના અજાણ્યા શખસોએ હુમલો કર્યો હતો અને ત્રણ રાઉન્ડ ફાયરીંગ પણ કર્યા હતા અને નાસી છુટયા હતા. આ બનાવ અંગે પોલીસે પ્રકાશ મંગળભાઈ પટેલની ફરિયાદ પરથી હુમલાખોરો સામે હત્યાનો પ્રયાસ તથા આર્મ્સ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ મામલે પીઆઈ ઠાકર, રાઈટર જે.પી.મેવાડા, ફોજદાર પટેલ, વિરમભાઈ ધગલ, મહેશગીરી સહિતના સ્ટાફે હુમલાખોરોના આશ્રય સ્થાનો તેમજ અન્ય સ્થળોએ દરોડા પાડયા હતા. પરંતુ રાજકીય ઓથ અને પોલીસનું પીઠબળ ધરાવતા હુમલાખોરો બી.ડીવી.પોલીસના હાથ લાગ્યા નહોતા. જો કે હુમલાખોરોને પકડવા માટેથી ત્રણ ટીમ બનાવવામાં આવી હતી અને એક ટીમને મુંબઈ પણ તપાસ અર્થે મોકલવામા આવી હતી. પરંતુ કોઈ સગડ મળ્યા ન્હોતા.
રાજકોટ પોલીસ ગમે તેવા ગંભીર ગુના અને શાતીર ગુનેગારોને ઝડપી લેવા માટે માહીર ગણવામા આવે છે અને જેના કિસ્સા પણ જગજાહેર છે. જો કે ગમે તેવા ગુના અને ગુનેગારોને ઝડપી લેવા માટેથી કાબીલ ગણાતી ક્રાઈમ બ્રાંચને આ પ્રકરણમાંથી બાકાત રાખવામાં આવી હોય ગભીર ગુનાથી વાકેફ ગુનેગારો પણ ગેલમાં આવી ગયા હતા અને ભાવતું’તું અને વૈદ્યએ બતાવ્યું જેવો ઘાટ સજાયોહતો.જો કે પોલીસ પણ ધર્મસંકટમાં મુકાય હોય તેવો ધાટ સર્જાયો હતો. ભાગેડુ હુમલાખોરો રાજકીય ઓથ ધરાવતા હોય અને પોલીસ તંત્ર સાથે સબંધો પણ હોય  ધર્મ સકંટમાં મુકાય છે. ટેકનીકલ સેલની મદદ લઈને આરોપીઓના સગડ મેળવવા પ્રયાસ કરવા છતાં કોઈ ભાળ મળતી નથી. રાજકીય દબાણ કે ગમે તે કારણોસર પોલીસ હવે  નાસી છુટેલા ગુનેગારોને અંત:કરણથી  બાપલીયાવ આવી જાવ એવો સાદ કરી રહી છે કે ગમે તે ભોગે કહેશો તેવી શરત મુજબ માનભેર હાજર થઈ જાવ અને પોલીસ પ્રજાનો મિત્ર છે. ગભરાવાની કોઈ જરૂર નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer