સ્ટેમ્પ ડયુટીમાં રાહતની અપેક્ષા ન સંતોષાઇ

વ્યવસાય વેરો પણ ન હટયો નાણાકીય દસ્તાવેજો પર સ્ટેમ્પ ડયૂટી ગુજરાતમાં ખૂબ મોંઘી ઈં ઉદ્યોગકારોનો
રાજકોટ, તા. 21: કેન્દ્રની માફક રાજ્ય સરકારે પણ ગઇકાલે જાહેર કરેલા અંદાજપત્રમાં વેપાર-ઉદ્યોગને નિરાશ કર્યા છે. સ્ટેમ્પ ડયૂટી, જીઆઇડીસી, ઔદ્યોગિક વિસ્તારોમાં સુવિધા, વ્યવસાય વેરો અને નાના ઉદ્યોગોના મુદ્દે કોઇપણ ફેરફારો ન કરતા નિરાશા સાંપડી છે.
ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરાએ કહ્યું કે, સ્ટેમ્પ ડયૂટી માટે અમારી રજૂઆતો હતી. દરેક ફાયનાન્સિયલ ડોક્યુમેન્ટસ ઉપર સરકાર સ્ટેમ્પ ડયૂટી લે છે. તે અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણી ઉંચી છે, તે ઘટાડવી જોઇએ. વળી, લોન, કોલેટરલ અને સિક્યુરીટીઝના ટ્રાન્સફર ઉપર પણ સ્ટેમ્પ ડયૂટીનો આકરો દર લાગે છે. જે ન લાગવો જોઇએ. એ ઉપરાંત બેક ટુ બેક મોર્ગેજમાં પણ ડયૂટી વધારે છે તે ઓછી કરવી જોઇએ પણ સરકારે તે ચાલુ રાખી છે. સરકારે આ રાહત આપી હોત તો ઘણો જ ફાયદો લોકોને મળે તેમ હતો.
તેમણે ક્હયું કે આવા ડોક્યુમેન્ટસ ટ્રાન્સફર થાય ત્યારે ડયૂટી હવે આકરી લાગે છે તે કાઢી નાંખવી જોઇએ. વીજળીના પ્રત્યેક યુનિટ પર ડયૂટી છે તેમાં સબસીડી આપવાની કે કાઢી નાંખવાની વાત હતી પણ તેવો કશો નિર્ણય સરકારે લીધો નથી.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શિવલાલભાઇ બારસીયાનું કહેવું છે કે, વન નેશન વન ટેક્સનો ખ્યાલ સરકાર હવે ધરાવે છે ત્યારે વ્યવસાય વેરા જેવો વેરો જ નાબૂદ કરી દેવા અમારી માગણી હતી પણ તે સંતોષાઇ નથી.
સરકારે જ્યાં જીઆઇડીસી વિકસાવી નથી પણ ઉદ્યોગો વિકસ્યા છે તેવા ઢુવા, મકનસર, પડવલા, હડમતાળા અને રાવકી જેવા સ્થળોએ વીજળી સિવાયની કોઇ સુવિધા મળતી નથી. એટલે સરકારે રસ્તા પાણીની સુવિધા અંદાજપત્રમાં આપવાની આવશ્યકતા હતી. નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું નથી. ખરેખર તો આવા ઉદ્યોગો રોજગારીના સર્જનમાં પ્રમુખ ભૂમિકા ભજવતા હોય છે પણ સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ થયો છે અને હયાત ઉદ્યોગોને કશું આપ્યું નથી.
માળખાકિય સુવિધાઓમાં સૌરાષ્ટ્રને પાણી પ્રશ્ન ખૂબ નડે છે. સરકારની કસોટી આ વર્ષે નર્મદાના પાણી ખૂટી જતા થઇ જ હતી. આ સમયે સરકારે કલ્પસર જેવી જૂની યોજનાને મોટી નાણાકિય ફાળવણી કરીને આ પ્રોજેક્ટને ધમધમતો કરી દેવાની આવશ્યકતા હતી. પરંતુ સરવાળે ઉદ્યોગકારો નિરાશ થયા છે. જીએસટીના અમલીકરણમાં પણ ઘણી મુશ્કેલીઓ છે તેમાં રાજ્ય સરકારને સ્પર્શતી હોય તેવી મુશ્કેલીઓ માટે સરકારે નિરાકરણ કરવાની જરુર હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer