હવે યુનિયન બેંકે પણ જામનગરમાં કોઠારીની મિલકત ટાંચમાં લીધી

જામનગર તા.21 : વિવિધ સરકારી બેંકો પાસેથી કરોડો રૂપિયાની લોન લઈ છેતરપિંડી કરવાના આરોપસર સી.બી.આઈ. દ્વારા અટકાયતમાં લેવાયેલા રોટોમેક પેન્સના ચેરમેન વિક્રમ કોઠારીની રૂા.493.95 કરોડની લોન સંદર્ભમાં જામનગરમાં હરિયા કોલેજ સામે આવેલી મિલકત યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ટાંચમાં લઈ સીલ મારી દીધું છે અને હવે તેની ઈ-હરરાજીની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા વિક્રમ કોઠારીએ અમદાવાદમાં દેના બેંક પાસેથી લીધેલી 38 કરોડની લોન સંદર્ભમાં જામનગર ખાતેનો ઈન્ડસ્ટ્રીયલ પ્લોટ જિલ્લા મેજિસ્ટ્રેટ રવિશંકરે દેના બેંકના નામે કરી આપવા હુકમ કર્યો હતો. દરમિયાન લોન છેતરપિંડીના કરોડોના કૌભાંડ સંદર્ભમાં બહાર આવેલી વધુ વિગત અનુસાર વિવિધ બેંકોમાંથી લોન લઈ રૂા.3900 કરોડ ભરપાઈ નહીં કરવાના પ્રકરણમાં રોટોમેક પેન્સના ચેરમેન વિક્રમ કોઠારીએ કાનપુરના તિલકનગરના સરનામે પોતાના તથા પરિવારના સભ્યોના નામે રોટોમેક ગ્લોબલ પ્રાઈવેટ ઈન્ડિયા લિમિટેડ નામની કંપનીના નામે યુનિયન બેંકની કાનપુરની પેટા શાખામાંથી લોન મેળવી હતી. એ લોન સામે જામનગરના ઈન્દિરા માર્ગ પર હરિયા કોલેજ સામે આવેલી 3421.76 ચોરસ મીટર જમીન ગિરવે મુકી હતી.
વિક્રમ કોઠારી અને તેઓના પરિવારના સભ્યો પત્ની સાધના કોઠારી પુત્ર રાહુલ તથા બે ભાગીદારો જુમ્મા હુશેન પતાણી તથા વિશ્વનાથ ગુપ્તાના નામે ભાગીદારીમાં આ જમીન ખરીદ કરી હતી અને તેની સામે યુનિયન બેંકમાંથી આ લોન મેળવી હતી.
પરંતુ આ લોનની રકમ ભરપાઈ નહીં કરતા યુનિયન બેંકે અનેક વખત નોટીસ આપી હતી પરંતુ તે અંગે દુર્લક્ષ સેવાતા જામનગરમાં આ મિલકત ટાંચમાં લઈ તાજેતરમાં સીલ મારી દીધું છે અને હવે આગામી તા.28 ફેબ્રુઆરી 2018ના રોજ ઈ-હરરાજીની કાર્યવાહી પણ હાથ ધરી છે. યુનિયન બેંક દવારા જામનગરમાં હરિયા કોલેજ સામેની અધૂરા બાંધકામવાળી જમીનના સ્થળે નોટીસ ચીપકાવી દીધી છે. આ પ્રકરણમાં બેંકના કોઈ અધિકારી-કર્મચારી સંડોવાયેલ છે કે કેમ તેની પણ તપાસ થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer