જૂનાગઢમાં છ સફાઈ કર્મીઓએ પગાર મુદ્દે ફિનાઈલ ગટગટાવ્યું

જૂનાગઢમાં છ સફાઈ કર્મીઓએ પગાર મુદ્દે ફિનાઈલ ગટગટાવ્યું
તંત્રે ચડત પગાર ચૂકવી દેવાની ખાતરી આપી
જૂનાગઢ, તા.21: જૂનાગઢમાં વિવિધ માંગણીઓ સાથે આંદોલન ચલાવી રહેલા સફાઇકર્મીઓ દ્વારા આજે બસ સ્ટેન્ડ પાસે ચક્કાજામ બાદ કોર્પોરેશન કચેરીને ઘેરાવ અને છ કામદારોએ ફિનાઇલ ગટગટાવતા મામલો વણસતા તંત્રએ ચડત પગાર ચૂકવી દેવાની ખાતરી આપી હતી. અહીંના આઝાદ ચોકમાં 84 સફાઇ કર્મચારીઓ મનપામાં સફાઇ કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા અને ત્રણ માસનો ચડત પગાર ચૂકવવાની માંગણી સાથે છેલ્લા 17 દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. દરમિયાનમાં આજે ઉકેલ ન આવતા બપોરે ઉપવાસી છાવણી ખાતે મુખ્યમંત્રીના પૂતળા દહનની તૈયારી કરી હતી પરંતુ પોલીસ પહોંચી પૂતળાને લઇ જતા આંદોલનકારીઓ રેલી સ્વરૂપે બસ સ્ટેશન નજીક પહોંચ્યા હતા.
ત્યાં રસ્તા ઉપર ચક્કાજામ કરતા વાહન વ્યવહાર થંભી ગયો હતો. પોલીસ દોડી આવી પ્રશ્ન કોર્પોરેશનનો હોવાથી ત્યાં રજૂઆત કરવા જણાવતા આ ટોળું મનપા કચેરીએ પહોંચ્યું હતું. ત્યાં કચેરીને ઘેરાવ અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને છ આંદોલનકારીઓએ તંત્રને જગાડવા માટે ફિનાઇલનું પાણી ગટગટાવતા દેકારો મચી ગયો હતો. ડે. કમિશનર દોડી આવ્યા હતા અને તેઓના ચડત પગાર ચૂકવવાની તૈયારી દર્શાવી હતી.
તેમજ ફિક્સ પગારની માંગણી અંગે કમિશનર સાથે ચર્ચા કરી નિયમ પ્રમાણે કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી હતી. સફાઇ કર્મચારીઓની ભરતીનું સેટઅપ પૂર્ણ હોય નવી ભરતી એ નીતિ વિષયક બાબત હોવાથી પાંચ દિવસની મહેતલ માંગી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer