ઈશરત જહાં કેસમાં પ્રથમ આરોપમુક્તિ

ઈશરત જહાં કેસમાં પ્રથમ આરોપમુક્તિ
પૂર્વ ડીજીપી પી.પી.પાંડેને બિનતહોમત છોડી મોટી રાહત આપતી CBI કોર્ટ
 
અમદાવાદ/નવી દિલ્હી તા. 21:  ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ખાસ સીબીઆઈ કોર્ટે આજે ગુજરાતના પૂર્વ ડીજીપી પી.પી.પાન્ડેને આરોપમુકત કર્યા હતા. હાલ જામીન પર છોડાયેલા પાન્ડે, કેસ સબબ જુલાઈ ’13માં ધરપકડ કરવામાં આવી ત્યારે ફરજ પર કાર્યરત સીનિયરમોસ્ટ આઈપીએસ અફસર હતા. ઈશરત જહાં કેસના ખટલામાં આરોપીને આરોપમુકત કરાયાનો આ પ્રથમ દાખલો છે. ’80ની બેચના આઈપીએસ પાન્ડેએ ધરપકડ બાદ 19 માસ જેલમાં વિતાવ્યા હતા. ફેબ્રુઆરી ’1પમાં જામીન પર છોડાયા બાદ તેમને રાજય પોલીસમાં પુન:ફરજ પર લેવાયા હતા. ગયા વર્ષે તેઓ નિવૃત્ત થયા હતા.
આઈપીએસ ડીજી વણઝારા, આઈપીએસ ઓફિસર જીએલ સિંઘલ, ડીએસપી (નિવૃત્ત) એનકે અમીન,  નાયબ પોલીસ સુપ્રી. (નિવૃત્ત) તરુણ બારોટ અને બે અન્ય પોલીસમેન સાથે પાન્ડે સામે સીબીઆઈએ, ઈશરત, તેના મિત્ર જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લાઈ અને બે કથિત પાકિસ્તાની નાગરિકોના ’04માં અપહરણ, હત્યા અને કાવતરાના આરોપસર ચાર્જશીટ નોંધ્યુ હતું. ગુજરાતના આ પોલીસ અફસરો ઉપરાંત પૂર્વ ખાસ ડિરેકટર રાજીન્દર કુમાર સહિત આઈબીના 4 અધિકારીઓ સામે ય ચાર્જશીટ નોંધાયું હતું. ગોઠવી કાઢવામાં આવેલી  અથડામણમાં પેલા ચારેયને મારી નખાયાનો  દાવો સીબીઆઈએ ચાર્જશીટમાં કર્યો હતે.
15મી જુન, 2004ના રોજ અમદાવાદના કોતરપુર વોટરવક્ઍસ પાસે ઇશરત જહાં અને તેના ત્રણ સાગરિતોને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હતા. આ ચાર લોકો લશ્કર-એ-તયબાના આતંકવાદીઓ તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા આવ્યા હોવાનો દાવો ગુજરાત પોલીસે કર્યો હતો. જો કે સીબીઆઇએ કરેલી ચાર્જશીટમાં આ એન્કાઉન્ટર બનાવટી હોવાનું જણાવી પી.પી.પાંડેને આરોપી ગણાવ્યા હતા. પી.પી.પાંડે તરફથી આ કેસમાં તેમનો કોઇ રોલ નથી એવી રજૂઆત કરવામાં આવી હતી અને ડિસ્ચાર્જ અરજી પણ કરવામાં આવી હતી. આ અરજીનો ઇશરતની માતાએ વિરોધ કર્યો હતો પરંતુ સીબીઆઇ કોર્ટે પી.પી.પાંડેની ડિસ્ચાર્જ અરજી માન્ય રાખીને પી.પી.પાંડેને મોટી રાહત આપી છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer