ઉ.પ્ર.માં બનશે સંરક્ષણ ઔદ્યોગિક મથક

ઉ.પ્ર.માં બનશે સંરક્ષણ ઔદ્યોગિક મથક
ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાને કરી મોટી જાહેરાત
 
લખનૌ, તા. 21 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશની બેદિવસીય ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરતાં મંચ પરથી બુંદેલખંડ માટે સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોરની એક મોટી ભેટની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ બુંદેલખંડમાં ર0 હજાર કરોડ રૂપિયાનો ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવવાની ઘોષણા કરી હતી. આ કાર્યક્રમમાં દિગ્ગજ ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, રતન ટાટા, ગૌતમ અદાણી સહિત દુનિયાના હજારો ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે જ 4.ર8 લાખ કરોડનાં 104પ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
મોદીએ કહ્યું કે, બજેટમાં સૂચિત બે સંરક્ષણ ઈન્ડસ્ટ્રીયલ  કોરિડોરમાંથી એક બુંદેલખંડ વિસ્તારમાં સૂચિત છે. જેમાં ર0,000 કરોડ રૂપિયાનું રોકાણ હશે અને ર.પ લાખ લોકોને રોજગાર મળશે.
વડાપ્રધાને ઉમેર્યું કે કેન્દ્રની સરકારે આ વર્ષે રજૂ થયેલા બજેટમાં દેશભરમાં બે સંરક્ષણ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરનું નિર્માણ કરવાનો પ્રોજેક્ટ રાખ્યો હતો, જેમાંથી એકનું નિર્માણ ઉત્તરપ્રદેશના બુંદેલખંડમાં કરવામાં આવશે. આ યોજનામાં આગ્રા, કાનપુર, લખનૌ, ઝાંસી અને ચિત્રકૂટ સુધી  એક ડિફેન્સ કોરિડોરનું નિર્માણ થશે. આ સમિટમાં રિલાયન્સના વડા મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ જૂથ ઉત્તરપ્રદેશના લોકો અને સરકારનું ભરોસાપાત્ર ભાગીદાર બનશે. જિયો આગામી ત્રણ વર્ષમાં આ રાજ્યમાં દસ હજાર કરોડનું રોકાણ કરશે. અદાણી જૂથના વડા ગૌતમ અદાણીએ કહ્યું કે, અમારું જૂથ ઉ.પ્ર.માં વર્લ્ડ ક્લાસ ફૂડ પાર્ક અને લોજિસ્ટિક પાર્ક ખોલશે. તેમણે કહ્યું કે, અમારું લક્ષ્ય સોલર પાવર સ્ટેશન ખોલવાનું છે. આગામી પાંચ વર્ષમાં અમે ઉત્તરપ્રદેશમાં લગભગ 3પ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશું.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer