10 વર્ષથી ચાલતું હતું પીએનબી કૌભાંડ

10 વર્ષથી ચાલતું હતું પીએનબી કૌભાંડ
સીબીઆઈ તપાસમાં પૂર્વ મેનેજર ગોકુલનાથ શેટ્ટીએ કર્યો ધડાકો

મુંબઈ, તા. 21: હીરાના કારોબારી નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ એલઓયુ મારફતે પીએનબી સાથે કરેલા 11,500 કરોડ રૂપિયાના કૌભાંડમાં નવાં નવાં રહસ્યો ઉપરથી પડદો ઉંચકાઈ રહ્યો છે. પીઅનેબીમાંથી એલઓયુ જારી કરનારા બેંકના પૂર્વ મેનેજરે સીબીઆઈને પૂછપરછ દરમિયાન કહ્યું છે કે, 2008થી ખોટી રીતે એલઓયુ જારી કરવામાં આવી રહ્યા હતા. સીબીઆઈએ પૂછપરછની તમામ વિગતો સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરી હતી.
કોર્ટે કૌભાંડની સુનાવણી દરમિયાન પીએનબીના ધરપકડ કરાયેલા ત્રણ અધિકારી બેચુ તિવારી, યશવંત જોશી અને પ્રફુલ સાવંતના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અત્યારસુધી ધરપકડ કરવામાં આવેલા તમામ અધિકારીઓ બેંકના ફોરેક્સ કૌભાંડથી જોડાયેલા હતા. બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ સ્પેશિયલ ન્યાયાધીશ એસ.આર. તંબોલીએ કહ્યું હતું કે, કથિત રીતે બેંકના અધિકારીઓ રૂપિયા ડાયવર્ટ કરવાના કાંડમાં સામેલ હોઈ શકે છે. આ મામલે વધુ તપાસની જરૂરિયાત છે અને તપાસ અધિકારીઓએ દસ્તાવેજોના અભ્યાસ સાથે આરોપીઓની પૂછપરછ કરવી જોઈએ. સુનાવણી દરમિયાન સીબીઆઈના વકીલે કોર્ટને કહ્યું હતું કે, તિવારીએ ચીફ મેનેજરના હોદ્દે શેટ્ટીએ કરેલા વ્યવહારો ઉપર દેખરેખ રાખવાની હતી.  2015-17 સુધી તિવારીએ શેટ્ટીના જારી કરવામાં આવેલા એલઓયુની તપાસ કરી નહોતી.
કેસના હાલ ટુજી અને બોફોર્સ જેવા થશે
પોતાના અસીલ દેશ છોડીને નાસી ગયા હોવાના અહેવાલોને નીરવ મોદીના વકીલ વિજય અગ્રવાલે પડકાર્યા હતા અને એવો પ્રશ્ન કર્યો હતો કે પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની અસ્કયામતો છોડીને કોઈ વ્યક્તિ શા માટે નાસી જશે. અગરવાલે જણાવ્યું હતું કે મેં કેસ ફાઈલનો અભ્યાસ કર્યો છે. આ કેસના હાલ પણ ટુ-જી અને બોફર્સ જેવા થશે.
 
ફાયરસ્ટારના સીએફઓ વિપુલ અંબાણીની ધરપકડ
સીબીઆઈએ પંજાબ નેશનલ બેંકના 11500 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે મુખ્ય આરોપી નીરવ મોદીની ફાયરસ્ટાર ડાયમંડ કંપનીના નાણા અધ્યક્ષ વિપુલ અંબાણીની ધરપકડ કરવામાં આવી છે.
 
અમારી પાસે પર્યાપ્ત મુડી: પીએનબી
કરોડોના કૌભાંડ બાદ ચર્ચામાં આવેલી પંજાબ નેશનલ બેંકે પોતાના ગ્રાહકો અને રોકાણકારોને આશ્વાસન આપ્યું છે. ટ્વીટર ઉપર પીએનબીએ ગ્રાહકો અને રોકાણકારોને આશ્વાસન આપતા કહ્યું છે કે, બેંક પાસે પુરતી મુડી છે અને મજબુત સરકારી સમર્થન પણ છે. આ ઉપરાંત 11500 કરોડ રૂપિયાના કૌભાંડ બાદ પણ બેંકના વ્યવહારો સામાન્ય રીતે ચાલી રહ્યા હોવાની પણ સ્પષ્ટતા કરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer