ત્રિકોણિય ટી-20 શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન

ત્રિકોણિય ટી-20 શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન
 વરસાદગ્રસ્ત ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ડકવર્થ-લૂઇસ સિસ્ટમથી 19 રને વિજય

ઓકલેન્ડ તા.21: એશટન અગરની આગેવાનીમાં બોલરોના શાનદાર પ્રદર્શન અને બાદમાં ઓપનિંગ બેટસમેન ડાર્કી શોર્ટની આક્રમક અર્ધસદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ વરસાદ પ્રભાવિત ત્રિકોણીય શ્રેણીના ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ડકવર્થ-લૂઇસથી 19 રને હાર આપીને ટ્રોફી કબજે કરી છે. ઇડન પાર્કના મેદાન પર ન્યુઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 1પ0 રન જ કરી શકી હતી. કાંગારૂ સ્પિનર એશટન અગરે કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને 27 રનમાં 3 વિકેટ લીધી હતી. જયારે કેન રિચાર્ડસન અને એન્ડ્રૂ ટાયને 2-2 વિકેટ મળી હતી. કિવિઝ તરફથી રોસ ટેલરે 38 દડામાં 43 રન કર્યાં હતા.
જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 14.4 ઓવરમાં 3 વિકેટે 121 રન કર્યાં હતા ત્યારે વરસાદને લીધે મેચ બીજીવાર રોકવામાં આવ્યો હતો. આ પછી રમત શકય બની ન હતી. આથી ઓસ્ટ્રેલિયાએ ડકવર્થ-લૂઇસ નિયમથી 19 રને વિજેતા જાહેર કરાયું હતું. આ જીતથી ઓસ્ટ્રેલિયાની ટીમ આઇસીસી ટી-20 ક્રમાંકમાં પાકિસ્તાન સાથે સંયુકત રીતે પહેલા નંબર પર આવી ગયું હતું.
ફાઇનલમાં ઓસિ. તરફથી સુકાની ડેવિડ વોર્નરે 2પ અને શોર્ટે 30 દડામાં 6 ચોકકા અને 3 છકકાથી પ0 રન કર્યાં હતા. મેકસવેલ 20 અને ફિંચ 18 રન બનાવીને અણનમ રહયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer