વિન્ટર ઓલિમ્પિકમાં રશિયાની એલિનાનો ફિગર સ્કેટીંગમાં વર્લ્ડ રેકોર્ડ

વિન્ટર ઓલિમ્પિકમાં રશિયાની એલિનાનો ફિગર સ્કેટીંગમાં વર્લ્ડ રેકોર્ડ
અમેરિકાની લિંડસે વોન અલ્પાઇન સ્કીમાં ચંદ્રક જીતનારી સૌથી મોટી વયની ખેલાડી બની

પ્યોંગચોંગ, તા.21: રશિયાની 1પ વર્ષીય એલિના જાગિતોવાએ ફિગર સ્કેટિંગમાં નવા વર્લ્ડ રેકોર્ડ સાથે વિન્ટર ઓલિમ્પિકમાં આજે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તે હવે ફાઇનલમાં ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર બની છે. જ્યારે અમેરિકાની લિંડસે વોનએ અલ્પાઇન સ્કીમાં ચંદ્રક જીતનારી ઓલિમ્પિક ઇતિહાસની સૌથી મોટી ઉંમરની મહિલા ખેલાડી બની હતી. અમેરિકાની 33 વર્ષીય લિંડસે વોન તેના આખરી વિન્ટર ઓલિમ્પિકમાં યાદગાર પ્રદર્શન કરવામાં સફળ રહી હતી. તેણીએ અલ્પાઇન સ્કીમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. જ્યારે ઇટાલીની સોફિયા ગોગિયાએ સુવર્ણ ચંદ્રક અને નોર્વેની રાગનહાઇલ્ડ માવિનકેલએ રજત ચંદ્રક જીત્યો હતો.
આ દરમિયાન વિન્ટર ઓલિમ્પિકમાં ડોપિંગનો ત્રીજો મામલો સામે આવ્યો છે. સ્લોવેનિયાના આઇસ હોકી ખેલાડી જિગા જેગલિક ડોપ ટેસ્ટમાં પોઝિટીવ  રહ્યો હતો. આથી તેને રમતોત્સવની બહાર કરી દેવાયો હતો. આ પહેલા કર્લિંગ સ્પર્ધામાં રશિયાના કાંસ્ય ચંદ્રક વિજેતા ખેલાડી અને જાપાનના શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટર ખેલાડી ડોપિંગમાં ઝડપાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer