કોમનવેલ્થ ગેમ્સમાં બેડમિન્ટન ટીમની આગેવાની સિંધુ અને શ્રીકાંત સંભાળશે

કોમનવેલ્થ ગેમ્સમાં બેડમિન્ટન ટીમની આગેવાની સિંધુ અને શ્રીકાંત સંભાળશે
નવી દિલ્હી, તા.21: ભારતીય બેડમિન્ટન એસો. દ્વારા તા. ચાર એપ્રિલથી ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં શરૂ થઇ રહેલ કોમનવેલ્થ ગેમ્સ માટેની બેડમિન્ટન ટીમ જાહેર કરી છે. રિયો ઓલિમ્પિકની રજત ચંદ્રક વિજેતા પીવી સિંધુ અને ગયા વર્ષે ચાર સુપર સિરીઝ ટાઇટલ જીતનર કિદાંબી શ્રીકાંત મહિલા અને પુરુષ ટીમની આગેવાની લેશે. કોમનવેલ્થ ગેમ્સ તા. પ એપ્રિલથી 1પ એપ્રિલ સુધી રમવાનો છે.
પુરુષ વિભાગની ટીમમાં કે. શ્રીકાંત ઉપરાંત એચએસ પ્રણોય, ચિરાગ શેટ્ટી, સાત્વિક સાઇરાજ અને પ્રણવ જેરી ચોપરા છે. જ્યારે મહિલા વર્ગની ભારતીય ટીમમાં પીવી સિંધુ ઉપરાંત અનુભવી સાઇના નેહવાલ, અશ્વિની પોનપ્પા, સિક્કી રેડ્ડી અને ઋત્વિકા શિવાની છે. ચિરાગ અને ઋત્વિકા પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સ રમશે. ભારતીય બેડમિન્ટન ટીમ ગ્રુપ ‘એ’માં પાકિસ્તાન, શ્રીલંકા અને સ્કોટલેન્ડ સાથે છે.
ભારતીય બેડમિન્ટન એસો.ના સેક્રેટરી અનૂપ નારંગે કહ્યું છે કે આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં જીતની સારી તક છે. ખેલાડીઓ પણ દેશ માટે સુવર્ણ ચંદ્રક જીતવા ઉત્સાહિત છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer