ગીતાનગરમાં ડ્રેનેજના પ્રશ્ને મહિલાઓ રણચંડી બની

ગીતાનગરમાં ડ્રેનેજના પ્રશ્ને મહિલાઓ રણચંડી બની
રાજકોટ, તા.13 : શહેરના વોર્ડ નં.13માં આવેલા ગીતાનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગટરના પાણી રોડ પર આવી જતાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા આ પાણીને શેરીમાં પ્રવેશતા રોકવા માટે માટીના પાળા ઉભા કરવામાં આવ્યાં હતાં જેને તોડવાનો પ્રયાસ આજે તંત્ર દ્વારા કરવામાં આવતા આ વિસ્તારની મહિલાઓએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શીત કરવામાં આવ્યો હતો. જો કે, તંત્રએ વિજીલન્સ અને પોલીસની મદદથી માટીના પાળાઓ તોડી નાખતા અંતે આ વિસ્તારના લોકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વોર્ડ નં.13માં આવેલા ગીતાનગરમાં 10 દિવસ પૂર્વે ખોડિયારનગરની ડ્રેનેજ ગટરનું કનેક્શન ગીતાનગરના ડ્રેનેજમાં જોડવામાં આવતા પાણીનો ફોર્સ વધવાથી રોડ પર ગટરના પાણીની રેલમછેલ થઈ હતી. આ સમસ્યાના ઉકેલ માટે કોંગ્રેસના સ્થાનિક મહિલા કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગર દ્વારા અવારનવાર તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું ત્યાં સુધી કે, ગટરના પાણીના કનેક્શન અન્ય ડ્રેનેજમાં જોડવાની પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્રએ ધ્યાન  આપ્યું ન હતું.
દરમિયાન ગટરનું પાણી આસપાસના રહેણાક વિસ્તારની શેરીઓમાં ઘૂસવા લાગતાં મહિલાઓએ માટીના પાળા કરી આ પાણીને રોકવાનો પ્રયાસ કર્યો હતો જે અંગેની જાણ થતાં આજે આ પાળાઓ તોડવા માટે મનપાની ટીમ ધસી જતાં ભારે વિરોધ સાથે મહિલાઓએ હંગામો મચાવ્યો હતો. જો કે, મ્યુનિ.તંત્ર સ્થળ પર વિજીલન્સ તેમજ માલવીયા પોલીસ મથકમાંથી બંદોબસ્ત બોલાવી વિરોધ વચ્ચે પણ પાળાઓ તોડી નાખ્યાં હતાં. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer