અવાવરૂ ઇમારતો તોડી પાડવા રિપોર્ટ

અવાવરૂ ઇમારતો તોડી પાડવા રિપોર્ટ
રાજકોટ, તા. 13: માસુમ બાળા સાથે હેવાનિયત ગુજારીને જે સ્થળે હત્યા કરવામાં આવી હતી તે પીટીસી ગ્રાઉન્ડના અવાવરૂ મકાન સહિતની ખંઢેર જેવી બની ગયેલી અડધો ડઝનથી વધુ ઇમારતો તોડી પાડવા માટે પોલીસ કમિશનર ગેહલોતે રાજય અને કેન્દ્ર સરકારને રીપોર્ટ કર્યો છે.
શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી વર્ષો જુની સરકારી ઇમારતો જર્જરીત બની ગઇ છે. આ ઇમારતોમાં કાર્યરત કચેરીઓનું અન્ય સ્થળે સ્થળાંતર કરી નાખવામાં આવ્યું છે તેના કારણે એ ઇમારતો ધણી ધોરી વગરની બની ગઇ છે. તેના લાભ ગુનાઇત પ્રવૃત્તિઓ કરતા માથાભારે અને અસામાજીક તત્વો લઇ રહ્યા છે. તેના કારણે એ ઇમારતો અસામાજીક તત્વોનો અડ્ડો બની ગઇ છે. આ પ્રકારની ઇમારતોમાં પીટીસીના ગ્રાઉન્ડમાં આવેલ અવાવરૂ મકાન, જંકશન પ્લોટના રેલવે કવાર્ટર, રૂખડિયાકોલોની કવાર્ટર, જૂની કલેકટર કચેરી, શાળા નં. 20 સહિતની ઇમારતોનો સમાવેશ થાય છે. આ ઇમારતો જર્જરીત થઇ ગઇ હોવાથી ધરાશાયી થવાનો અને તેના કારણે જાનહાની થવાનો પણ ભય ઉભો થયો છે. વર્ષો પહેલા જૂની કલેકટર કચેરીની અગાસી પરથી રૂ.પાંચ લાખથી વધુકિમતનો દારૂ પણ પકડાઇ ચુકયો છે. પીટીસીના ગ્રાઉન્ડના અવાવરૂ મકાન પાસે હત્યાના પાંચ જેટલા બનાવો પણ બન્યા છે.આ અવાવરૂ સ્થળો પાવડરીયા, ગંજેડી, નશાખોર અને વિકૃત માનસ ધરાવતાં  શખસો માટે આશ્રય સ્થાનો બની ગયાનું બહાર આવ્યું છે. આ માહિતીના આધારે પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતે  જર્જરીત અને બીનવારસી જેવી બની ગયેલી એ ઇમારતોને તોડી પાડવા માટે રાજય અને કેન્દ્ર સરકારની જુદી જુદી કચેરીઓને રીપોર્ટ કર્યો છે. આ રીપોર્ટના આધારે કેવા પગલાં લેવાશે તેના પર આધાર રાખવામાં આવી રહ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer