લોક રોષના કારણે અંતે રાજનગર સર્કલ પરની નિર્વત્ર પ્રતિમા ઢંકાઈ

લોક રોષના કારણે અંતે રાજનગર સર્કલ પરની નિર્વત્ર પ્રતિમા ઢંકાઈ
6 પુરુષોની નિર્વત્ર પ્રતિમા મૂકવાની મંજૂરી કોણે આપી? લોકમુખે ચર્ચાતો સવાલરાજકોટ, તા. 13 : શહેરના વિવિધ ટ્રાફિક સર્કલોને મ્યુનિ.તંત્ર જનભાગીદારી થકી ડેવલપ કરી રહ્યું છે તાજેતરમાં શહેરના નાનામવા મેઈન રોડ પર રાજનગર ચોકમાં ટ્રાફિક સર્કલમાં 6 પુરુષોની નગ્ન પ્રતિમા મૂકવામાં આવતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો હતો અંતે મ્યુનિ.તંત્ર દ્વારા આ પ્રતિમાઓ પર પડદો ઢાંકી દેવામાં આવ્યો છે.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યાનુસાર રાજનગર ચોકના ટ્રાફિક સર્કલમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રતિમાઓ બનાવાનું કામ ચાલુ હતું પરંતુ આ પ્રતિમાઓને જે પૂર્ણ આકાર મળ્યો ત્યારે તે 6 નગ્ન પુરુષોની હોવાનું સામે આવતા ખાસ વિસ્તારના લોકો ક્ષોભમાં મૂકાયાં હતાં.

મહિલાઓએ ત્યાંથી પસાર થવાનું માંડી વાળ્યું હતું. વિશાળ કદની આ પ્રતિમાઓનું સ્થળાંતર કરવાનું શક્ય ન જણાતાં અંતે તંત્ર દ્વારા રાતોરાત તેના પર પડદા ઢાંકી દેવામાં આવ્યાં છે. જો કે, આ પ્રકારની પ્રતિમા મૂકવાની મંજૂરી કોણે આપી ? શું મનપાએ મંજૂરી આપી છે ? તેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાયા હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer