ગુજરાતમાં 2000 કરોડના બિટકોઈન વ્યવહારો !

ગુજરાતમાં 2000 કરોડના બિટકોઈન વ્યવહારો !
રાજકોટ, તા. 13 : હમણાં હમણાં ટૂંકા રસ્તા અપનાવીને ક્રિપ્ટો કરન્સી થકી ઝડપી વળતર મેળવવા રોકાણકારો સક્રિય બન્યા છે. ભારતમાં ક્રિપ્ટો કરન્સીને કાયદેસર માન્યતા મળી ન હોવાથી તે ક્રાઈમ ગણાય છે. આ બાબત ધ્યાને લઈ બિટકોઈનમાં રોકાણ કરનારા ગુજરાતના રોકાણકારો ઈન્કમટેક્ષ વિભાગના રડારમાં આવ્યા છે અને તેમની પાસેથી ટેક્સ વસુલાત કરવા આયકર વિભાગે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે.
ઇન્કમટેક્ષ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના નોટીફિકેશન મુજબ અમે બિટકોઈનના રોકાણકારો સામે પગલાં લેવા સજ્જ છીએ. હાલમાં ગુજરાતમાં 100 એવી વ્યક્તિની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમણે બિટકોઈનમાં મોટાપાયે રોકાણ કર્યું હોય. આ 100 વ્યક્તિએ અલગ અલગ ક્રિપ્ટો કરન્સીમાં 1000 કરોડનું રોકાણ કર્યું હોવાનું ધ્યાને આવ્યું છે. ગુજરાતમાં 2000 કરોડથી વધારેનું રોકાણ ડિજીટલ કરન્સીમાં થયું છે અને અન્ય રોકાણકારોની માહિતી પણ મેળવાઈ રહી છે. જાણવા એવું પણ મળ્યું છે કે કેન્દ્ર સરકારે બિટકોઈનના થતા વહેવારો પર નજર રાખવાની જવાબદારી ઈન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડીયાને સેંપી છે. બ્લેકમની ધારકો માટે બિટકોઈન એ કાળા નાણાને ધોળા કરવાનું હાથવગું સાધન છે અને તેના કારણે અર્થતંત્રને નુકસાન થઈ શકે છે. આના માટે ઈન્કમટેક્ષ વિભાગને પણ તાકીદે એક્શન લેવા સત્તા આપી દેવામાં આવી છે અને આનો સર્વગ્રાહી રિપોર્ટ 31 માર્ચે કેન્દ્ર સરકારને સેંપવાનો રહેશે. આ દેશ વ્યાપી બિટકોઈન વિરોધી ઝુંબેશમાં ગુજરાત આવકવેરા વિભાગ પણ સતર્ક બનીને કામ કરી રહ્યું છે. હાલમાં જ સુરતમાં બિટકોઈન સંદર્ભે પડેલા દરોડામાં 100 કરોડનું કાળું નાણું ઝડપી લેવાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer