મહાશિવરાત્રિએ સોમનાથના ચરણોમાં શિશ ઝૂકાવવા ઉમટી પડયા ભાવિકો

મહાશિવરાત્રિએ સોમનાથના ચરણોમાં શિશ ઝૂકાવવા ઉમટી પડયા ભાવિકો
રંગબિરંગી પુષ્પો અને પાઘડીનો શણગાર કરાયો
વેરાવળ, તા. 13 : મહાશિવરાત્રિએ સોમનાથ મહાદેવના ચરણોમાં શિશ ઝૂકાવવા માટે લાખો શ્રધ્ધાળુઓ પ્રભાસક્ષેત્ર પહેંચ્યા હતા. સોમનાથ ટ્રસ્ટ તરફથી ભાવિકોને અગવડતા ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે વહેલી પરોઢે 4 વાગ્યે મંદિરના દ્વાર ખુલ્યા હતા અને જ્યોતિર્લિંગને દિવ્ય, અનુપમ શણગાર કરવામાં આવ્યા હતા.
આજે સવારે મહાદેવની આરતી બાદ તેમને આકર્ષક પાઘડી પહેરાવાઈ હતી અને રંગબિરંગી પુષ્પોનો શણગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મંદિરને પણ લાઈટીંગથી ઝળાંહળાં બનાવવામાં આવ્યું છે. મહાશિવરાત્રિ નિમિત્તે ભાવિકોનો અવિરત ધસારો રહ્યો હતો. ‘જય સોમનાથ’ના નાદ સાથે ભાવિકોએ મહાશિવરાત્રિએ સોમનાથ દર્શનનો લાભ લીધો હતો. પરંપરા અનુસાર સોમનાથ મહાદેવના પટાંગણમાં સવારે દાદાની પાલખી યાત્રા નીકળી હતી. સૂર્ય ઢળ્યા બાદ રાતે ચાર પ્રહરની વિશેષ પૂજા અને આરતી પણ કરવામાં આવ્યા હતા. મંદિર આખી રાત ખુલ્લું રહ્યું હતું. આજના દિવસે ગીર સોમનાથ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
સવારે 11 વાગ્યે મધ્યાહ્ન આરતી બાદ બપોરે 12 કલાકે મહાદેવને અર્ક પુષ્પ અને હારનો શૃંગાર કરવામાં આવ્યો હતો. મહાશિવરાત્રિએ ધ્વજાપૂજા, મહામૃત્યુંજય જાપ, તત્કાલ મહાપૂજા, રૂદ્રાભિષેક સહિતની પૂજા કરવામાં આવી હતી. વિજયભાઈ રૂપાણીના પરિવારજનોએ તત્કાલ પૂજા અને ધ્વજા પૂજા કરી હતી. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ અતિથિઓનું સ્વાગત કર્યું હતું. સોમનાથ મંદિરે આજે આશાપુરા માતાના મઢના પુજારી યોગેન્દ્રંિસંહ રાજાબાવા, અઘેવાડા આશ્રમના સીતારામ બાપુ સહિતના સંતો મહંતોએ પણ મહાદેવને શિશ ઝુકાવ્યું હતું.
સોમનાથ આવતા ભાવિકો માટે વિવિધ સંસ્થાઓ દ્વારા ભંડારાની સેવા આપવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મંદિરમાં 3 ડીવાયએસપી, 4 પીઆઈ, 8 પીએસઆઈ, 1પ0થી વધુ પોલીસ કોન્સ્ટેબલ, 100 એસઆરપી અને મંદિરના ખાનગી સિક્યોરિટીનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
શિવરાત્રિએ સોમનાથ દાદાને પૂજા
26 ધ્વજા ચડાવાઈ, 293 બિલ્વ પૂજા, પ2પ બ્રાહ્મણ ભોજન, 207 ગંગાજળ અભિષેક, 1929 મહામૃત્યુંજય મંત્રજાપ, 162પ રૂદ્રાભિષેક.
મહામૃત્યુંજય મંત્રના રાગ થકી રોગનો ઉપચાર
મહાશિવરાત્રિના દિવસે સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી સૌ પ્રથમ વખત મ્યુઝીક થેરાપી આધારિત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સાત રાગ દ્વારા મહામૃત્યુંજયના જાપ કરવામાં આવ્યા હતા અને રાગ થકી રોગોના નિરાકરણનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. સંગીતકાર નયન વૈશ્નવ અને તેની ટીમે આ પ્રયોગ કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer