ગિરનાર તળેટીમાં દિગમ્બર સાધુ-સંતોની રવેડી, શાહીસ્નાન સાથે મેળો સંપન્ન

ગિરનાર તળેટીમાં દિગમ્બર સાધુ-સંતોની રવેડી, શાહીસ્નાન સાથે મેળો સંપન્ન
હૈયેહૈયું દળાય તેવી ભીડ: વાહન પ્રવેશબંધી: મેળામાં છ લાખથી વધુ ભાવિકો ઉમટયા
જૂનાગઢ, તા. 13: ગરવા ગિરનારની ગોદમાં યોજાયેલ પાંચ દિવસીય મહાશિવરાત્રીના આધ્યાત્મિક મેળામાં રાત્રે હકડેઠઠ્ઠ અંદાજે 6 લાખથી વધુ માનવ મેદની અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં દિગમ્બર સાધુ-સંતોની રવેડી નીકળી હતી. અને નિર્ધારીત રૂટ ઉપર અંગ કસરતના દાવ સાથે ફરી મધરાતે ભવનાથ મહાદેવ મંદિર ખાતે મૃગીકૂંડમાં શાહી સ્નાન, મહાપૂજા સાથે મેળો સંપન્ન થયો હતો.
શિવરાત્રી મેળાના અંતિમ દિને નીકળવાના દિગમ્બર       સાધુ-સંતોની રવેડી ભાવિકોમાં અનેરું આકર્ષણ છે. તેથી દૂરદૂરથી ભાવિકો આ રવેડી નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ માનવભીડને ધ્યાને લઇ પોલીસતંત્રએ સવારથી તળેટી માર્ગ ઉપર વાહન પ્રવેશબંધી ફરમાવી દીધી હતી.
બીજી બાજુ સવારથી રવેડી રૂટ ઉપર બેરીકેટની કામગીરી હાથ ધરાઇ હતી. તેથી બપોરથી ભાવિકો રવેડી રૂટ ઉપર દર્શન માટે ગોઠવાઇ ગયા હતા. આ રૂટની સફાઇ પાણી છંટકાવ કરી સ્વચ્છ બનાવાયો હતો. દિગમ્બર સાધુ-સંતોની રવેડી નિહાળવા ભાવિકોએ સાત-આઠ કલાક તપશ્ચર્યા માટે મન મનાવી લીધું હતું.
જયારે ભોળાનાથનો પવિત્ર દિવસ હોય તેથી સવારથી અખાડાઓમાં ભાંગ અને ચલમની બોછાર વહેતી થઇ હતી. દિગમ્બર સહિતના સાધુ-સંતો ભાંગ અને ચલમના સથવારે અલૌકિક આનંદ માણી રહ્યા હતા.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પોતાના કાફલા સાથે આવી પહોંચતા પોલીસતંત્ર તેમની સુરક્ષામાં ઓળઘોળ બન્યું હતું. આ સ્થિતિ વચ્ચે રાત્રે નવેક વાગ્યાના સુમારે વાજતે-ગાજતે મેળાના આકર્ષણરૂપ રવેડીનો પ્રારંભ થયો હતો. દિગમ્બર સાધુ-સંતો મહંતોના ગળામાં ફુલહાર સાથે રવેડીમાં સૌ પ્રથમ ભગવાન શ્રી દત્તાત્રેય મહાજની પાલખી, રમતું પંચ તથા અન્ય અખાડાઓના સાધુ-સંતો ધર્મની ધજા સાથે જોડાયા હતા.
બેન્ડ પાર્ટી, શરણાઇના સૂર વચ્ચે દિગમ્બરસાધુ-સંતો અંગ કસરતના દાવ, લાઠી, તલવારબાજીની રમતો વચ્ચે રવેડી શરૂ થઇ હતી. તેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો જોડાયા હતા. આ રવેડી મંગલનાથ આશ્રમ, દત્ત ચોક, રૂપાતરણ ત્રણ દરવાજા, લાલબાપુની જગ્યા, ભારતી આશ્રમ થઇ મધરાતે ભવનાથ મંદિરે પૂર્ણ થઇ હતી.
આ સાથે રવેડીમા જોડાયેલ સાધુ-સંતોએ મૃગીકૂંડમાં સ્નાનની ડૂબકી લગાવી હતી. બાદમાં મહાપૂજા કરી દિગમ્બર સાધુઓએ ગિરનાર ભણી દોટ મુકી હતી. આ સાથે મહાશિવરાત્રીનો મેળો સંપન્ન થયો હતો.
શિવરાત્રી મેળો મધરાતે પૂર્ણ થતા તળેટીમાં ઉપસ્થિત લાખો ભાવિકોએ જૂનાગઢ તરફ પગ માંડતા તળેટી માર્ગ ફોરલેન હોવા છતાં ટૂંકો પડયો હતો અને બસ સ્ટેશન, રેલવે સ્ટેશન તથા ખાનગી વાહનો દ્વારા વતનની વાટ પકડી હતી.
આ સાથે ભવનાથ તળેટીમાં રહેલા ઉતારા અને અન્નક્ષેત્રોના સંચાલકો દ્વારા સમેટવાની કાર્યવાહી શરૂ કરી હતી. આમ ભાવિકોએ પાંચ દિવસીય મેળામાં શિવ સાનિધ્યે સાધુ-સંતોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
જૂનાગઢમાં શિવરાત્રી પર્વની ઉમંગ ઉત્સાહ વચ્ચે ઉજવણી: બજારો બંધ
શિવસાધનાના ઉત્તમ દિન શિવરાત્રી પર્વની જૂનાગઢ શહેરમા ઉમંગ, ઉત્સાહ વચ્ચે ઉજવણી કરાઇ હતી. શિવાલયોમાં શિવભકતોની સવારથી ભીડ જામી હતી. બપોર બાદ શહેરની બજારો બંધ રહી હતી.
શિવરાત્રી પર્વ નિમિતે આજે વહેલી સવારથી શિવાલયોમાં પૂજન, અર્ચન, ભાંગ પ્રસાદ, ફરાળ સહિતના કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. શિવરાત્રી પ્રસંગે સવાર- બપોર સાંજ અને મધરાતે મહાઆરતી યોજાઇ હતી.
નગરજનો શિવમય બન્યા હોય તેમ વેપાર-ધંધા બંધ રાખી શિવરાત્રી પર્વની ઉજવણીમાં જોડાયા હતા. તેથી શહેર શિવમય બન્યું હતું અને ભાંગ પ્રસાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer