વૃદ્ધાના હત્યારાએ જ બાળકીને પીંખી નાખીને ખૂન કર્યુ’તું

વૃદ્ધાના હત્યારાએ જ બાળકીને પીંખી નાખીને ખૂન કર્યુ’તું
રાજકોટની બાળકી સાથે હેવાનિયતનો ભેદ ઉકેલાયો
રાજકોટ, તા. 13: રાજકોટની ત્રણ વર્ષની માસુમ બાળકી પર હેવાનિયત આચરીને કરાયેલ ખૂનનો ભેદ પોલીસે બે દિવસના અંતે ઉકેલ્યો છે. દાગીના લૂંટી લેવા માટે વૃદ્ધાની હત્યા કરનાર શખસ રમેશ બચુભાઇ વેઢુકિયાએ જ બાળકીનું અપહરણ કરી વાસનાનો શિકાર બનાવીને ખૂન કર્યાનું ખુલ્યું છે.
ચાર દિવસ પહેલા તા.9મીએ બપોરે બાર વાગ્યાના સુમારે ચુનારાવાડ ચોકના વોકળા પાસેથી મધ્યપ્રદેશના જાંબુવાના મસુરિયા ગામના આદીવાસી પરિવારની ત્રણ વર્ષની માસુમ બાળા દિવ્યાનું અપહરણ થયું હતું. બે દિવસ બાદ તા.11મીએ ગંજીવાડાપાસેના પીટીસી ગ્રાઉન્ડના અવાવરૂ મકાનમાંથી અપહૃત બાળાની લાશ મળી આવી હતી. બાળાને વાસનાનો શિકાર બનાવીને પથ્થરના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ માટે પડકારરૂપ બની ગયેલા આ બનાવનો ભેદ ઉકેલવા માટે પોલીસ કમિશનર ગેહલોત, નાયબ કમિશનર કરણરાજ વાઘેલા, બલરામ મીણા, એસીપી હર્ષદ મહેતા, બી.બી.રાઠોડના            માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચ સહિત ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. બાળાનું અપહરણ કરીને રિક્ષામાં લઇ જવામાં આવ્યાના ફુટેજ મળ્યા હતાં. પરંતુ અપહરણકાર, હત્યારાના કોઇ સગડ મળ્યા ન હતાં. સીસીટીવી કેમેરાના ફુટેજનો ઝીણવટભરી અભ્યાસ કરતાં દાગીના લૂંટી લેવા માટે વૃદ્ધાની હત્યા કરનાર શખસ રમેશ બચુભાઇ વેઢુકિયા પર શંકા ગઇ હતી. રિમાન્ડ પર રહેલા રમેશની ફરીથી  આગવી ઢબે પૂછપરછ કરાતા તેણે બાળકીના અપહરણ, દુષ્કર્મ અને હત્યાની કબૂલાત આપી હતી.
આ અંગેની માહિતી આપતા નાયબ પોલીસ કમિશનર કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, તા.7મીએ પરાબજાર પાસેના કૃષ્ણપરામાં રહેતા વ્હોરા વૃદ્ધા અશ્માબહેન સાદીકોટ તેની પુત્રીના ઘેર જવા માટે રિક્ષામાં નિકળ્યા બાદ બેપતા બની ગયા હતાં. બાદમાં તા. 10મીએ શનિવારે સોખડા ગામેથી તેની લાશ મળી આવી હતી. વૃદ્ધાની માથામાં પથ્થરમારીને હત્યા કરીને તેના દાગીના લૂંટી લેવાયા હતાં. આ બનાવની તપાસ કરતાં કડિયાકામ અને રિક્ષાચાલક રમેશ બચુભાઇ વેઢુકિયાની ધરપકડ કરીને રિમાન્ડ પર મેળવવામાં આવ્યો હતો. દરમિયાન અપહૃત બાળકીની લાશ મળી આવી હતી તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યાનું અને તેના માથા પર પણ પથ્થરમારીને ખૂન કરાયાનું ખુલ્યું હતું. આ ખૂનનો ભેદ ઉકેલવા માટે જુદી જુદી આઠ ટીમને કામે લગાડવામાં આવી હતી. સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે તપાસ ચાલતી હતી. ફુટેજનું ઝીણવટભરી ચકાસણી કરતા બાળકીનું અપહરણ એક આછી દાઢીવાળા શખસે કર્યાનું અને તેનું વર્ણન વૃદ્ધાની હત્યામાં પકડાયેલ રમેશ વેઢુકિયા સાથે મળતુ હોવાનું જણાયું હતું. આથી રિમાન્ડ પર રહેલા રમેશની ફરીથી આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે બાળકીનું અપહરણ કરી પીટીસી ગ્રાઉન્ડના અવાવરૂ મકાનમાં લઇ જઇ તેના પર હેવાનિયત આચરીને પથ્થરના ઘા મારીને ખૂન કર્યાની કબૂલાત આપી હતી. આ કબૂલાતના કારણે પોલીસે પણ હાશકારો અનુભવ્યો હતો.
દોઢ કલાકમાં કામ પુરી કરી દીધુ’તું
આરોપી રમેશ વેઢુકિયાએ એવી કબૂલાત આપી હતી કે, બપોરે બાર વાગ્યે ચુનારાવાડના વોંકળા પાસે રમી રહેલી બાળકીનું અપહરણ કર્યુ હતું. તે અવારનવાર પીટીસી ગ્રાઉન્ડના અવાવરૂ મકાનમાં આવતો જતો હોવાથી બાળકીને ત્યા લઇ ગયો હતો. બાળા પર બે વખત હેવાનિયત આચરી હતી. બાદમાં હત્યા કરીને લગભગ દોઢેક કલાકના સમયગાળામાં કામ પૂર્ણ કરીને જતો રહ્યો હતો.
આરોપીની હાજર એ વિસ્તારમાં હતી
બાળકની હત્યાનો ભેદ ઉકેલવા મથી રહેલી પોલીસની ટીમ પૈકીના ક્રાઇમ બ્રાંચના સબ ઇન્સ. કે.કે.જાડેજાને બાતમીદાર મારફતે એવી વિગત મળી હતી કે, વૃદ્ધાનું ખૂન કરનાર શખસ રમેશ શુક્રવારે ચુનારાવાડ વિસ્તારમાં જ હતો. આ બાતમી અને ફુટેજની ચકાસણી કરતાં રમેશ પરની શંકા મજબૂત બની હતી. તેની ફરી પૂછપરછ કરતા ભેદ ઉકેલાયો હતો.
ટોળાએ આરોપીને સોંપી દેવા માગણી કરી
માસુમ બાળકી પરની હેવાનિયત અને હત્યાના ગુનાનો આરોપી રમેશ વેઢુકિયા પકડાયાની જાણ થતાં થોરાળા પોલીસ મથકે 500 જેટલા લોકોનું ટોળુ ધસી ગયું હતું અને લોકો જ ન્યાય કરશે તેમ કહીને  આરોપીને સોંપી દેવાની માગણી હતી.
વૃદ્ધાની હત્યા કર્યા બાદ બેફીકર રખડતો
પોલીસનો કોઇ ખોફ રહ્યો ન હોય તેમ દાગીના લૂંટી લઇને વૃદ્ધાની હત્યા કરનાર રમેશને પોલીસનો કોઇ ડર ન હોય તેમ બેફીકર ચુનારાવાડ વિસ્તારમાં રખડતો રહેતો હતો.
અપહરણ, હત્યા કબૂલાવી ન શકી?
વૃદ્ધાની હત્યા અંગે પકડાયેલ રમેશે જ બાળકનુ અપહરણ કરીને હત્યા કરી હોવાછતાં પોલીસ તેની પાસેથી એ બનાવની કડી મેળવી શકી ન હતી. માત્ર વૃદ્ધાની હત્યાના બનાવ અંગે જ પૂછપરછ કરી હતી. બાદમાં સીસીટીવી કેમેરાના ફુટેજ અને બાતમીના આધારે ભેદ ઉકેલાયો હતો.  જો તેની સઘન પુછપરછ કરીને અન્ય ગુનામાં સંડોવણી અંગે પૂછપરછ કરવામાં આવી હોત તો બાળકીના બનાવનો ભેદ વહેલો ઉકેલાય જાત.
બન્ને બનાવ વખતે એક જ કપડાં પહેર્યા’તાં
કૃષ્ણપરાના વૃદ્ધા અને બાળકીની હત્યા અંગે પકડાયેલા શખસે બન્ને બનાવ વખતે એક જ કપડાં પહેરેલ હોવાનું અને એ કપડાં પર લોહીના ડાઘ મળી આવ્યાનું પોલીસે જણાવ્યું હતું.
રિક્ષાવાળાએ ઓળખી બતાવ્યો
ચુનારાવાડ ચોકમાંથી બાળકીનું અપહરણ કરીને એક રિક્ષામાં લઇ જવામાં આવી હતી. આ રિક્ષાના ચાલકે બાળકીને લઇને રિક્ષામાં બેઠેલો શખસ રમેશ જ હોવાનું ઓળખી બતાવ્યું હતું.
લોકો બાળકીને બહાર મોકલતા ડરતાં’તા
પોલીસ સ્ટેશન પર ધસી ગયેલા ટોળા પૈકીની મહિલાઓએ એવું જણાવ્યું હતું કે, ત્રણ વર્ષની માસુમ બાળાનું અપહરણ અને તેના પર ગુજારવામાં આવેલી હેવાનિયતના કારણે તેઓ તેની બાળકીઓને ઘર બહાર મોકલતા પણ ડરતા હતાં. આ વાત જ પોલીસની કાર્યવાહી અંગે ઘણુ કહી જાય છે.
 
જામનગરમાં 9 વર્ષની બાળકી ઉપર બળાત્કાર બાદ ખૂન
 
16 વર્ષના સાવકા ભાઈ સામે શંકા
 
જામનગર, તા.13 : જામનગરમાં આજે સવારે ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં લાવવામાં આવેલી કૃષ્ણનગર શેરી નં.4માં રહેતી નવ વર્ષની એક બાળાને તબીબોએ મૃતક જાહેર કરી હતી. તેના શરીર ઉપર ઈજાના નિશાનો માલુમ પડતાં બાળકીનું મૃત્યુ શંકાસ્પદ જણાયું હતું. પોલીસે સઘન તપાસ હાથ ધરી અને બાળકીની લાશનું પોસ્ટ મોર્ટમ કરાવાતા તેના ઉપર બળાત્કાર બાદ તેનું ખૂન કરાયાનું ખુલ્યું હોવાનું પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુળે રાત્રે જણાવ્યું હતું.
બાળાનું નામ ઈશુ ચેતનભાઈ કલ્યાણી છે. તેના પિતા ચેતનભાઈ મુકુંદરાય કલ્યાણીની પ્રથમ પત્ની પૂજાના મૃત્યુ બાદ તેણે પરપ્રાંતિય શહેનાઝ ઉર્ફે રેખા સાથે બીજા લગ્ન કર્યા છે. પૂજાનો એક પુત્ર શિવમ (ઉ.16) છે. ઈશા શહેનાઝ ઉર્ફે રેખાની પુત્રી છે.રેખા થોડા દિવસથી ગૂમ થયા બાદ ચેતન કલ્યાણીએ પોલીસને જાણ કરેલી.  રેખા  દક્ષિણના કોઈ રાજયમાં હોવાનું ખુલતા પોલીસ ચેતનને લઈને ત્યાં ગઈ છે.
દરમિયાન આજે સવારે બાળાનો સાવકો ભાઈ શિવમ અને તેના સંબંધી ભરત ખીમજીભાઈ મથ્થર બાળકી ઈશાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં તબીબોએ તેને મૃતક જાહેર કરી હતી.
જો કે ઈશાના શરીર ઉપર ઈજાના નિશાન-બંને આંખ, કપાળ, દાઢી, પગના તળિયા તથા ઘૂંટીમાં જોવા મળ્યાં હતાં તેમજ ડાબા હાથે પ્લાસ્ટર માલુમ પડયું હતું.
આથી પોલીસને જાણ કરાતા બાળકીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલાઈ હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અનુસાર તેના ઉપર બળાત્કાર થયાનું અને એ માટે શારીરિક ઈજાઓ કરાયાનું માલુમ પડયું હતું.
પોલીસ વધુ સઘન તપાસ ચલાવી રહી છે. બાળાને હોસ્પિટલમાં લાવનાર સાવકા ભાઈ શિવમ ઉપર તપાસ કેન્દ્રીત થઈ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer