શિવરાત્રી મેળો મિનિકુંભ જાહેર

શિવરાત્રી મેળો મિનિકુંભ જાહેર
શિવરાત્રીએ મુખ્યમંત્રીની જાહેરાત
ગિરનાર ઓથોરિટીની થશે રચના : ઓથોરિટીમાં સાધુ-સંતોનો થશે સમાવેશ, ગિરનારના પગથિયાનો થશે જીર્ણોદ્ધાર
 
જૂનાગઢ, તા. 13: જૂનાગઢના ભવનાથમાં આજે શિવરાત્રી મેળામાં આવેલા મુખ્યમંત્રીએ શિવરાત્રી મેળાને મિનીકુંભનો દરજ્જો આપવા ઉપરાંત ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવા તેમાં સાધુ-સંતોનો સમાવેશ કરવા તેમજ ગિરનારના પગથિયાનો જીર્ણોદ્ધાર કરવા જાહેરાત કરી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે ભવનાથમાં શિવરાત્રી મેળામાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ભવનાથમાં આવી ગોરક્ષનાથ આશ્રમ ખાતે ભોજનકક્ષનું ઉદ્ઘાટન કરી ભવનાથ મહાદેવના દર્શન કર્યા હતા. બાદમાં આપા ગીગાના ઓટલાના અન્નક્ષેત્રની મુલાકાત લીધી હતી. પછી ભારતી આશ્રમ ખાતે સ્ટેજ પ્રોગ્રામમાં હાજરી આપી હતી.
જૂના અખાડાના બિલ્ડીંગને રેગ્યુલાઇઝ કરતો હુકમ આપ્યો હતો. જયાં મુખ્યમંત્રીએ પોતાના પ્રવચનમાં મહાશિવરાત્રી મેળાને મિનીકુંભનો દરજ્જો આપતી જાહેરાત
કરી હતી.
આ ઉપરાંત ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવા તેમજ તેમાં સાધુ-સંતોનો સમાવેશ કરવા તથા ગિરનારના પગથિયાનો જીર્ણોદ્ધાર કરવા પણ જાહેરાત કરી હતી. બાદમાં મુખ્યમંત્રીએ રવેડીના દર્શન કર્યા હતા અને પછી મોટરમાર્ગે રાજકોટ જવા રવાના થયા હતા.
મિનીકુંભનો દરજ્જો મળતા હવે શિવરાત્રી મેળા માટે સરકાર દ્વારા ફંડ ફાળવવામાં આવશે અને મેળામાં આવતા યાત્રિકો- સાધુ- સંતો માટે વધુ સુવિધા ઉપલબ્ધ થઇ શકશે.
રવેડીના દર્શન કરનાર રૂપાણી પ્રથમ મુખ્યમંત્રી
શિવરાત્રી મેળામાં અગાઉ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે આવ્યા હતા. પરંતુ તેઓએ રવેડીના દર્શન કર્યા ન હતા. આજે મુખ્યમંત્રી રૂપાણીએ રવેડીના દર્શન કર્યા હતા. તેઓ રવેડીના દર્શન કરનાર પ્રથમ મુખ્યમંત્રી છે.
આવાહન અખાડાનું બિલ્ડીંગ રેગ્યુલાઇઝ કરવા રજૂઆત
મુખ્યમંત્રી આજે શિવરાત્રી મેળામાં આવતા સાધુ સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલાનંદજીએ આવાહન અખાડાનું બિલ્ડીંગ રેગ્યુલાઇઝ કરવા, વત્રા પથેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer